વિશાલ પારાશર
સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના 175 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમવાર 12 એપ્રિલના રોજ ચૈત્ર પુનમ હનુમાન જયંતીના દિવસે માત્ર 12 કલાકમાં 108 ધજા આરોહણ કરવામાં આવશે. મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે બે દિવસિય કાર્યક્રમ 11મીથી યોજાશે. જેમાં મંદિર પરિસર અને કિંગ ઓફ સાળંગપુરને ફૂલો અને લાઈટિંગથી શણગારાશે. આ અંગે કોઠારી વિવેક સાગર સ્વામીજી અથાણાંવાળાએ જણાવ્યું કે, આ પ્રસંગે બે લાખથી વધુ લોકો મંદિરે દર્શનાર્થે આવવાની શક્યતાઓને પગલે આસપાસના ગામડાઓના બે હજાર સ્વયં સેવકો અને મંદિરના 1 હજાર કર્મીઓ સેવાકાર્યોમાં જોડાશે. ઉનાળાના પગલે ભક્તો માટે પાર્કિંગથી લઈ મંદિર સુધી વિવિધ જગ્યાઓ પર 5 હજાર ઠંડાપાણીના જગની વ્યવસ્થા તેમજ લીંબુ શરબત અને છાસ કેન્દ્રો પણ નિઃશુલ્ક ઉભી કરાશે. 11મીએ સવારે રાજોપચાર પૂજન કરાશે જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો અભિષેક કરાશે. બપોરે 4 વાગે નારાયણ કુંડથી કળશ યાત્રા નીકળશે જેમાં સુવર્ણ કળશમાં સપ્તસિંધુનું જળ લઈ જવાશે, 5 મુખી હનુમાનજી મુખ્ય ઉત્સવમૂર્તિ રૂપે દર્શન આપશે, 4 હાથી, 15 હજારથી વધુ ભક્તો, 108 બાળકો ધ્વજ સાથે ડીજે અને ભજન મંડળીઓ સાથે દેશી ઘોડા ગાડી પણ જોડાશે તેમજ રાતે ડાયરો યોજાશે. 12મીએ સવારે મંગળા આરતી, સાંજે શણગાર આરતી થશે. બપોરે મહા અન્નકૂટ ધરાવાશે અને સાંજે 51 હજાર બલૂન ડ્રોપ કરીને ભક્તોનું સ્વાગત કરીને 250 કિલોની કેક કપાશે. આ પ્રસંગે યોજાનારા સમૂહ મારૂતિ યજ્ઞમાં 1100 હરિભક્તો યજ્ઞમાં બેસશે અને દરેક પંચ મુખી હનુમાનજીની પ્રતિમાનો અભિષેક કરશે. હનુમાન જયંતીના દિવસે પ્રસાદ માટે 60 હજાર કિલો સુખડી તૈયાર કરાશે અને 15 પ્રસાદના કાઉન્ટર ઉભા કરાશે.
દોઢ લાખ લોકો માટે ભોજન પ્રસાદ ઓટોમેટિક મશીનોમાં તૈયાર કરાશે | શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજી અથાણાં વાળાએ જણાવ્યું કે, હનુમાન જયંતીના દિવસે આવનારા દોઢ લાખથી વધુ ભક્તો માટે અદ્યતન યાંત્રિક રસોઈથી તૈયાર કરવામાં આવશે. આ ભોજન ઓટોમેટિક મશીનોમાં તૈયાર થશે. એક કલાકમાં 7 હજાર માણસનું ભોજન તૈયાર કરશે. ભક્તોમાં પ્રસાદ રૂપે રસ, 3 જાતની મીઠાઈ, 3 શાક, 3 ફરસાણ અને રોટલી, દાળ-ભાત અને સલાડ પીરસાશે. 10 હજાર દીવડાઓથી આરતી, દાદાને સુવર્ણ શણગાર પૂજારી ડી.કે સ્વામીએ જણાવ્યું કે, 11મીએ રાતે 8.30 કલાકે 10 હજારથી વધુ દીવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની આરતી કરાશે. સંતો અને હજારો ભક્તો હાજર રહેશે. જે બાદ આતશબાજીથી ભગવવાનું સ્વાગત કરાશે. પાર્કિંગ સહિતની માહિતી જાહેર આરોગ્ય કેમ્પનું પણ આયોજન અગ્રણીઓએ જણાવ્યું કે, હનુમાન જયંતીના દિવસે દોઢ લાખથી વધુ લોકો દર્શનાર્થે આવવાના હોવાથી ભક્તોને હાલાકી ન ઉભી થાય તે માટે 8 જગ્યાએ 10 હજારથી વધુ ટુ વ્હીલર, 5 હજાર ફોર વ્હીલર અને 100થી વધુ બસોના પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. આરોગ્યલક્ષી કેમ્પ પણ ઉભું કરાશે. આ અંગેનો મેપ પણ મંદિર દ્વારા તૈયાર કરીને સોશિયલ મીડિયા પર મુકાયો છે.