શનિવારે એક્ટર-ડિરેક્ટર મનોજ કુમારના અંતિમસંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. તેમના પાર્થિવદેહને તિરંગામાં લપેટીને મુંબઈના જુહુ સ્થિત પવનહંસ સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યો હતો. અહીં તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. પ્રેમ ચોપરા, સલીમ ખાન, સુભાષ ઘઈ, અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક સહિત અનેક સેલેબ્સ મનોજ કુમારના અંતિમસંસ્કારમાં હાજર રહ્યા હતા. એવામાં અભિષેક બચ્ચનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે પાપારાઝી પર ગુસ્સે થતો જોવા મળે છે. મનોજ કુમારના અંતિમસંસ્કારમાં જ્યારે અમિતાભ બચ્ચન પીઢ લેખક સલીમ ખાનને મળી રહ્યા હતા, ત્યારે અભિષેક બચ્ચન તેમની પાછળ ચાલી રહ્યો હતો. પરંતુ આ દુઃખદ પ્રસંગે પણ ફોટોગ્રાફરો ફોટા પાડતા અને બૂમો પાડતા હતા આ કારણે અભિષેક ગુસ્સે થઈ ગયો અને તેણે પાપારાઝીને ધમકાવી નાખ્યા. વાઈરલ વીડિયોમાં, અભિષેક ફોટોગ્રાફરની નજીક જઈ આંખો-આંખો નાખી કંઈક કહેતો જોઈ મળે છે. મામલો વધુ વણસતો જોઈને, એક સિનિયર ફોટોગ્રાફર પરિસ્થિતિને સંભાળી લે છે. શોકમાં ડૂબેલા સેલેબ્સના રેકોર્ડિંગ સામે અભિષેકને વાંધો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સમય દરમિયાન અભિષેકે શોકમાં ડૂબેલા સેલેબ્સના રેકોર્ડિંગ પર વાંધો ઉઠાવ્યો હતો. આ વાઈરલ વીડિયો જોયા પછી, લોકો સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચનને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, તે બિલકુલ તેની માતા જયા જેવી જ પ્રતિક્રિયા આપી રહ્યો છે. જ્યારે બીજા યુઝરે કહ્યું, ભાઈ, તમે આટલા ગુસ્સે કેમ થાવ છો? ફેન્સે અભિષેક બચ્ચનનો બચાવ કર્યો
જોકે, અભિષેક ટ્રોલ થતા એક્ટરના ફેન્સે તેનો બચાવ પણ કર્યો હતો. લોકો કહે છે કે પાપારાઝીએ સેલિબ્રિટીઓની ગોપનીયતાનું ધ્યાન રાખવું જોઈએ અને તેમને તેમના પર છોડી દેવા જોઈએ.મનોજ કુમારના અંતિમ સંસ્કાર દરમિયાન અમિતાભ બચ્ચન અને સલીમ ખાનની મુલાકાત એક યાદગાર ક્ષણ હતી. તેમનું એકબીજાને ગળે લગાવવું એ ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. ધર્મેન્દ્રએ પણ પાપારાઝી સામે હાથ જોડી દીધા
મનોજ કુમારના નજીકના ધર્મેન્દ્ર પણ ડગમગતા પગલાઓ સાથે તેમના અંતિમ સંસ્કારમા હાજર રહ્યા હતા. ત્યાંથી જતા સમયે, ધર્મેન્દ્રને ભીડ અને પાપારાઝીએ ઘેરી લીધા હતા. આવી સ્થિતિમાં, ત્યાંથી નીકળવા માટે એક્ટરે હાથ જોડીને વિનંતી કરી હતી. 87 વર્ષની વયે અવસાન પામેલા મનોજ કુમાર લાંબા સમયથી લિવર સિરોસિસની ગંભીર બીમારીથી પીડાતા હતા. 21 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમની તબિયત બગડતાં તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનું 4 એપ્રિલ, શુક્રવારે સવારે અવસાન થયું હતું. મનોજ કુમારે શહીદ (1965), ઉપકાર (1967), પથ્થર કે સનમ (1967), પૂરબ ઔર પશ્ચિમ (1970), શોર (1972), રોટી, કપડા ઔર મકાન (1974), ક્રાંતિ (1981) જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમની મોટા ભાગની ફિલ્મોમાં દેશભક્તિની સેન્ટ્રલ થીમ રહેતી અને તેમના પાત્રનું નામ મોટે ભાગે ‘ભારત’ રહેતું હોવાને કારણે મનોજ કુમારનું નામ જ ‘ભારત કુમાર’ પડી ગયેલું. મનોજ કુમારે લાલ બહાદુર શાસ્ત્રીની વિનંતી પર ઉપકાર (1967) ફિલ્મ બનાવી, પરંતુ શાસ્ત્રીજી આ ફિલ્મ જોઈ શક્યા નહીં. શાસ્ત્રીજીનું અવસાન 1966માં થયું.