અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 50 વર્ષ પહેલા માણેકચોકમાં નાખવામાં આવેલી ડ્રેનેજ લાઈનના રિહેબિલિટેશનની કામગીરીના પગલે માણેકચોક રાત્રિ ખાણીપીણી બજાર 1 મહિનાથી બંધ હતું. મ્યુનિ.ની કામગીરી પૂર્ણ થતા આવતીકાલે 7 એપ્રિલને સોમવારથી ખાણીપીણી બજાર ફરીથી શરૂ થશે. હવે ફરીથી ખાવાના શોખીન લોકો અમદાવાદના માણેકચોકની ભાજીપાવ, પીઝા, ભેળ, આઈસ્ક્રીમ, કે સેન્ડવીચ સહિતની ચીજવસ્તુઓની મજા માણી શકશે. 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના નેતાઓ આવવાના છે. ત્યારે અમદાવાદના માણેકચોક બજારના ખાણીપીણીનો સ્વાદ હવે તેઓ માણી શકશે. 5 માર્ચથી બજાર બંધ કરવામાં આવી હતી
ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, અમદાવાદના માણેકચોક વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી કરવાની હોવાના કારણે 5 માર્ચ, 2025થી રાત્રિ ખાણી-પીણી બજાર બંધ કરવામાં આવ્યું હતું. સતત એક મહિના સુધી કામગીરી કરવાની તેમજ જ્યાં ખાણીપીણી બજાર આવેલું હતું, ત્યાં ભારે મશીનરી મૂકવાની હતી. જેના કારણે રાત્રિ ખાણીપીણી બજાર બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. તેથી વ્યાપારીઓએવેપારીઓએ સહકાર આપી અને એક મહિના માટે બજાર બંધ કર્યું હતું. કામગીરી પૂર્ણ થઇ જતા જ્યાં પણ ખોદાણ કરવામાં આવ્યું હતું, ત્યાં રોડ રીસરફેસ કરી દેવામાં આવ્યો છે અને 7 એપ્રિલથી ફરીથી આ બજાર શરૂ થશે. વર્ષો જૂની ગટર લાઈન હોવાથી સમસ્યા સર્જાતી હતી
સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરના કોટ વિસ્તારમાં માણેકચોક અને આસપાસના વિસ્તારમાં 50 વર્ષથી પહેલાંના સમયમાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવેલી હતી. આ લાઈન ત્યારબાદથી બદલવામાં આવી નથી. વર્ષો જૂની લાઈન હોવાના કારણે ત્યાં ગટર ઉભરાવવાની અને જર્જરિત થઈ ગઇ હોવાના કારણે કરોડો રૂપિયાના ખર્ચે આ લાઈનને રીહેબિલિટેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. માણેકનાથ બાવાની સમાધિ ખાણી-પીણી બજાર જે વચ્ચેના ભાગે ભરાય છે તે જ સ્થળ ઉપર ભારે મશીનરી મૂકી અને કામગીરી કરવામાં આવી હતી. માણેકચોક રાણીના હજીરાથી સાંકડી શેરીથી મદન ગોપાલ હવેલીથી આસ્ટોડીયા રંગાટી બઝારથી આસ્ટોડીયા દરવાજા સી.આઈ.પી.પી મેથડળી રીહેબીલીટેશનના કરવાની કામગીરી કરવામાં આવી છે. ગટર ઉભરાવવાની સમસ્યા દૂર થશે
માણેક ચોક વિસ્તારમાં ફલો ડાયવર્ઝન તેમજ સી.આઈ.પી.પી લાઈનર નાખવાની કામગીરી કરવામાં આવી છે. માણેકચોક વિસ્તારમાં ગલીઓની પહોળાઈ સાંકડી હોવાથી તેમજ અમુક સ્થળે લાઈન રોડની વચ્ચે આવતી હોવાથી મશીનરી મૂકવામાં લોકોને અવરજવરમાં અગવડતા ઊભી થાય તેમ હતી, જેના કારણે માણેકચોકનો વિસ્તાર બંધ કરવામાં આવ્યો હતો. આ રીહેબિલિટેશનની કામગીરીને પગલે હવે માણેકચોકની સાંકડી શેરી સહિત આસપાસના વિસ્તારોમાં ગટર ઉભરાવવાની સમસ્યા દૂર થશે.