‘સિર્ફ હંગામાં ખડા કરના મેરા મકસદ નહી હૈ, મૈરી કોશિશ હૈ કિ યે સુરત બદલની ચાહિયે’ દુષ્યંત કુમારની આ પંક્તિઓ એક્ટ્રેસ રાજશ્રી દેશપાંડેના કરિયર અને જીવનના બે અલગ અલગ છેડાઓને જોડે છે. ફિલ્મોમાં પોતાની બોલ્ડ પસંદગીથી હલચલ મચાવનાર રાજશ્રી વાસ્તવિક જીવનમાં પણ પોતાના સામાજિક કાર્યથી લોકોના જીવન બદલી રહી છે. જોકે, આ મંઝિલ સુધી પહોંચતા પહેલા, તેણે પોતે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. બાળપણમાં ગરીબીનો સામનો કર્યો, પૈસા માટે ઓર્કેસ્ટ્રામાં કામ કર્યું. પોતાના દૃઢ નિશ્ચય અને મહેનતના બળે તેણે પોતાની એડવર્ટાઇઝ એજન્સી ખોલી અને ઘણા પૈસા કમાયા. જ્યારે તેને એનો પણ કંટાળો આવ્યો, ત્યારે બધું છોડી દીધું અને કલા તરફ પાછી વળી અને મુંબઈ આવીને ફરીથી સંઘર્ષ કર્યો. આજે સક્સેસ સ્ટોરીમાં, રાજશ્રી દેશપાંડેની વાર્તા… ઓર્કેસ્ટ્રામાં નાચવા માટે પાંચસો રૂપિયા મળતા હતા ‘હું ખેડૂત પરિવારમાંથી આવું છું. મારું બાળપણ ઔરંગાબાદમાં વિત્યું છે. હું મરાઠી માધ્યમની શાળામાં ભણી છું. મને હજુ પણ એ સમય યાદ આવે છે જ્યારે હું ઉનાળાની રજાઓમાં કેરીના બગીચામાં ચપ્પલ વગર ફરતી હતી. હું મારા ઘરનું સૌથી મનોરંજક બાળક હતું. જ્યારે પણ કોઈ મહેમાન આવતા, ત્યારે પરિવારના સભ્યો મને આગળ ધકેલતા અને નાચવાનું કહેતા. હું કોઈની નકલ કરતી. મને લાગે છે કે આ એ સમય હતો જ્યારે મારી અંદરનો કલાકાર મને ખબર પડ્યા વિના તૈયાર થવા લાગ્યો હતો.’ ‘એકંદરે, મારું બાળપણ મજામાં વીત્યું હતું. મારો મોટાભાગનો સમય રમતગમત અથવા નાટકમાં વિતતો હતો. મને ભણવામાં બહુ રસ નહોતો. હું જુડો ખેલાડી હતી અને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમી છું.’ ‘મેં મારા શાળાના દિવસોથી જ નાટકમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. મને નૃત્યમાં રસ હતો અને તેથી ઓર્કેસ્ટ્રાનો ભાગ બની. મને નાચવાના પાંચસો રૂપિયા મળતા. જે તે સમયે મારા માટે ખૂબ વધારે હતા. અમે ગામડે ગામડે જઈને લાવણી(મરાઠી નાટ્ય) ભજવતા. લોકોની પ્રતિક્રિયા, તેમની તાળીઓનો ગડગડાટ મને બીજી દુનિયામાં, મારા સપનાની દુનિયામાં લઈ જતો.’ બાળપણમાં આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો ‘અમારા જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે અમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. ખેડૂત માટે, તેની જમીન જ બધું હોય છે, અમારી જમીન ઔદ્યોગિક ક્ષેત્ર હેઠળ આવી ગઈ. જ્યારે જમીન ગુમાવવી પડી, ત્યારે માતાએ ઘર સંભાળ્યું. ઘણી મુશ્કેલીઓ પછી પપ્પાને નોકરી મળી. પછી ઘરની હાલત થોડી સુધરતી ગઈ.’ ‘મારું બાળપણ એ સમયગાળા દરમિયાન વીત્યું જ્યારે મને લાગતું હતું કે પૈસા જ બધું છે. સુખ ફક્ત પૈસા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. આવી સ્થિતિમાં, મે કલાથી દૂર જવાનું શરૂ કર્યું. નાટક અને નૃત્યથી જીવન ટકાવી શકાય નહીં મને એવું લાગવા લાગ્યું કે ફક્ત શિક્ષણ જ તમને બચાવી શકે છે. હું ઔરંગાબાદ છોડીને પુણે પહોંચી. ત્યાં સિમ્બાયોસિસ કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો.’ અભ્યાસનો ખર્ચ ટ્યુશન અને ડાન્સ દ્વારા ઉઠાવતી હતી પુણે આવ્યા પછી મને સ્વતંત્રતાનો અહેસાસ થયો. જોકે, મારા પરિવાર પાસે મારા શિક્ષણ માટે પૈસા નહોતા. મને યાદ છે કે મારી માતાએ તે સમયે કહ્યું હતું કે તું ઝગડીને ગઈ છો આથી અમે તારો ખર્ચ ઉઠાવીશું નહીં.તું કેવી રીતે મેનેજ કરીશ? ‘હું જે હોસ્ટેલમાં રહેતી હતી, ત્યાં મેં બે બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું, તેમને ડાન્સ શીખવવાનું અને તેમની સંભાળ રાખવાનું શરૂ કર્યું. આનાથી મને થોડા પૈસા મળતા. આ રીતે, મેં મારા અભ્યાસની સાથે મારા ખર્ચાઓ પણ કાઢ્યાં.’ ‘આવાં નાના નાના કામો કરતી વખતે, મને એડવર્ટાઇઝ સેક્ટરમાં ક્લાયન્ટ સર્વિસની નોકરી મળી. મને આ વિશે કંઈ ખબર નહોતી. મેં થોડા દિવસો પહેલાં જ પોસ્ટર પર વાંચ્યું કે ‘નોકરીની સાથે સની કાર પણ આપવામાં આવશે.’ જોકે, અહીં પણ મેં ઝડપથી કામ શીખી લીધું અને પછી મને એડવર્ટાઇઝનું કામ ખૂબ ગમવા લાગ્યું.’ પોતાની જાહેરાત એજન્સી બનાવી, પછી બધું અભિનય માટે છોડી દીધું ‘મેં ઘરે આર્થિક તંગી જોઈ હતી તેથી મારું ધ્યાન સારી કમાણી પર હતું. મને પૈસા કમાવામાં રસ હતો. મેં એક મોટો નિર્ણય લીધો અને મારી પોતાની જાહેરાત એજન્સી ખોલી. મેં સારા પૈસા કમાવવાનું શરૂ કર્યું, પણ 6-7 વર્ષમાં મને ખ્યાલ આવ્યો કે હું અંદરથી ખોખલી થઈ રહી છું. મેં મારી જાતને ડાન્સ અને નાટકથી દૂર કરી દીધી છે. મારી અંદરનો કલાકાર મને શાપ આપવા લાગ્યો. પછી એક દિવસ મેં એજન્સી છોડવાનું નક્કી કર્યું.’ પૈસા કમાવવા માટે માતા-પિતા સિનેમા હોલમાં સ્ટેમ્પ લગાવતા હતા ‘મારા ઘરમાં પુસ્તકો વાંચવાની, ફિલ્મો જોવાની કે નાટકો જોવાની કોઈ સંસ્કૃતિ નહોતી. મારાં માતા-પિતાએ પણ બાળપણથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. બંને ખૂબ ઓછું ભણ્યા હતા અને ફિલ્મો પણ જોતા નહોતા. જોકે, મારા માતા-પિતા વધારાની આવક માટે થિયેટરોમાં ટિકિટ પર સ્ટેમ્પ લગાવતા હતા’ ‘મારા માતા-પિતા બંને, દિવસનું કામ પૂરું કર્યા પછી, આ કામ માટે સાંજે થિયેટરમાં જતા. સ્ટેમ્પિંગમાંથી બંનેની સંયુક્ત આવક દસ રૂપિયા હતી. તેમના માટે, સિનેમા એ ધનિકોનો શોખ હતો. તેમની ચિંતા તેમની ત્રણ પુત્રીઓનો ખર્ચ ઉઠાવવાની અને તેમના લગ્ન કરાવવાની હતી.’ ‘આવી સ્થિતિમાં, જ્યારે હું નસીરુદ્દીન સરના થિયેટરમાં જોડાઈ, ત્યારે એક દિવસ મારા પિતા નાટક જોવા આવ્યા. ત્યાં, જ્યારે મેં તેમનો પરિચય નસીર સર સાથે કરાવ્યો, ત્યારે પપ્પા તેમને ઓળખતા નહોતા. પપ્પાને લાગ્યું કે કોઈ મોટો માણસ છે, પણ તેમને ખબર નહોતી કે તે કોણ છે. મારા પિતાએ તો નસીર સરને પૂછ્યું પણ હતું કે, તમે શું કરો છો? ઘણા સમય પછી, મેં પપ્પાને તેમની ફિલ્મો બતાવી. પછી તેમને ખબર પડી કે તેમની દીકરી મોટા લોકોને ઓળખે છે.’ શરૂઆતમાં બધા ઓડિશનમાં રિજેક્ટ થઈ ‘જ્યારે હું પુણે છોડીને મુંબઈ આવી ત્યારે મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. મને હંમેશા કામની ભૂખ હતી અને હજુ પણ છે. અહીં આવ્યા પછી હું રંગમંચમાં જોડાઈ. મેં લોકોને કહેવાનું શરૂ કર્યું કે હું પણ એક કલાકાર છું. ઘણા ઓડિશનમાં ભાગ લીધો. લગભગ બધા જ શરૂઆતના ઓડિશનમાં નિષ્ફળ ગઈ. મોટી ફિલ્મોમાં ફક્ત થોડી નાની ભૂમિકાઓ મળતી’ જોકે, મારું માનવું છે કે ઓડિશન ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે. ઓડિશનને નકારાત્મક રીતે ન જોવું જોઈએ. તમારે 10 મિનિટની અંદર તમારી કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને એક પાત્રમાં રૂપાંતરિત થવું પડશે. આ એક પ્રકારની અભિનય કસરત છે. મારું પહેલું ઓડિશન 2015 માં ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસ’ માટે હતું, જે મેં પાસ કરી દીધું. આ ફિલ્મ પછી મારા માટે વસ્તુઓ બદલાવા લાગી.’ ‘એસ દુર્ગા’ ફિલ્મ માટે મળી જાનથી મારી નાખવાની ધમકીઓ ‘મારી મલયાલમ ફિલ્મ ‘એસ દુર્ગા’ 2017 માં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તે લઈને ઘણો વિવાદ થયો હતો. વિવાદ એટલો બધો વધી ગયો કે ફિલ્મનું નામ ‘સેક્સી દુર્ગા’થી બદલીને ‘એસ દુર્ગા’ કરવું પડ્યું. લોકોએ ફિલ્મ જોયા વિના જ, ફક્ત નામથી જ તેને ખરાબ ગણાવી દીધી. શરૂઆતમાં, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફિલ્મના નામને કારણે, મને જાનથી મારી નાખવાની અને એસિડ એટેકની ધમકીઓ મળવા લાગી.’ ‘મારા વિશે ઘણું લખાયું અને કહેવામાં આવ્યું છે. મને કહેવામાં આવ્યું કે હિન્દુ હોવા છતાં તું દેવીનું અપમાન કરી રહી છું. લોકોએ મારા પરિવારના સભ્યોને પણ છોડ્યા નહીં, તેમને પણ હેરાન કરવામાં આવ્યા. આ અમારા બધા માટે ભયાનક વાતાવરણ હતું. ‘એંગ્રી ઇન્ડિયન ગોડેસ’ ના સમયમાં પણ લોકોએ વિવાદ ઊભો કર્યો હતો.’ ‘સેક્રેડ ગેમ્સ’ના એક દૃશ્ય માટે ‘પોર્ન સ્ટાર ‘કહેવામાં આવી ‘મેં 2018 માં નેટફ્લિક્સ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ માં કામ કર્યું હતું. આ સિરીઝને ઘણી પ્રશંસા મળી હતી, પરંતુ મારા ઇન્ટિમેટ દૃશ્યો માટે મને ‘પોર્ન સ્ટાર’ કહેવામાં આવી હતી. સિરીઝના એક દૃશ્ય સાથે છેડછાડ કરીને, એક ક્લિપ પોર્ન વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી. મારો ફોટો મોર્ફ કરીને વાયરલ કરવામાં આવ્યો. કોઈ નવાઝુદ્દીન સિદ્દીકી કે દિગ્દર્શક અનુરાગ કશ્યપને પૂછપરછ કરી રહ્યું ન હતું. બધા મને દોષી ઠેરવી રહ્યા હતા, પણ મેં તેની અસર મારા પર ન થવા દીધી. દલીલો ચાલુ રહી, અને મેં શાંતિથી મારું કામ ચાલુ રાખ્યું.’ સામાજિક કાર્ય માટે ઘણી ઓફરો છોડી દીધી ‘સેક્રેડ ગેમ્સ’ પછી, મને સતત કામની ઓફર મળી રહી હતી, પરંતુ હું બધું છોડીને ઔરંગાબાદ ગઈ. હું ખૂબ જ નાનપણથી જ સામાજિક મુદ્દાઓ પર વોલેન્ટિયર તરીકે કામ કરી રહી છું. ક્યારેક હું બીચ સાફ કરવા જતી અને ક્યારેક હું શેલ્ટર હોમમાં બાળકો સાથે સમય વિતાવતી.’ ‘2015ના નેપાળ ભૂકંપનો મારા પર ઊંડો પ્રભાવ પડ્યો. મેં ત્યાં એક આંતરરાષ્ટ્રીય NGO સાથે કામ કર્યું. નેપાળથી પાછા ફર્યા પછી, મેં મરાઠવાડાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ કર્યો. મેં પાણીના મુદ્દા વિશે વિચારવાનું શરૂ કર્યું. પાણી પર કામ શરૂ કરતા પહેલા, મેં 3-4 મહિના સુધી સંશોધન પણ કર્યું. ખેડૂતો પાસેથી વધુ દાન એકત્રિત કરવામાં 6 મહિના લાગ્યા. આ બધું કર્યા પછી, તે શાંત ન બેઠી અને ત્યાં શૌચાલય અને આરોગ્ય સંભાળ પર કામ કરતી રહી.’ સરકારે શાળા ન બનાવી, તો પોતે જવાબદારી લીધી ‘હું ઔરંગાબાદના પાંધ્રી પિંપળ ગામમાં સ્વચ્છતા, આરોગ્ય સંભાળ અને પાણીની સમસ્યાઓ પર કામ કરી રહી હતી, ત્યારે મારું ધ્યાન ગામની શાળા તરફ ગયું. તે ગામની શાળાની હાલત ખૂબ જ ખરાબ હતી. વર્ષ 2017 માં, મેં સરકારને શાળા પર કામ કરવા વિનંતી કરી હતી. તે સમયે તેમની પાસે પૈસા નહોતા તેથી તેમણે એક વર્ષનો સમય માગ્યો. એક વર્ષ પછી જ્યારે હું તેમની પાસે ગઈ ત્યારે મને જવાબ મળ્યો કે તમારે હજુ એક વર્ષ રાહ જોવી પડશે. આવી સ્થિતિમાં, મેં તેમને કહ્યું કે કૃપા કરીને મને પરવાનગી આપો, હું એક શાળા બનાવીશ. આ ઉત્સાહમાં લેવાયેલો નિર્ણય હતો. મને સમજાતું નહોતું કે હું આમાં કેવી રીતે કામ કરીશ. આવી સ્થિતિમાં, ‘નાભાંગન’ નામની NGO અસ્તિત્વમાં આવી.’ ‘મેં મારી આ NGO રજિસ્ટર કરાવી છે. મારા NGO દ્વારા ચારસોથી વધુ લોકોએ શાળા માટે દાન આપ્યું. શાળા બનાવવામાં મને બે વર્ષ લાગ્યા. આજે તે શાળા બન્યાને પાંચ વર્ષ થઈ ગયા છે. બાળકોની સંખ્યા વધી રહી છે. તે શાળામાં, બધા વિષયો ઉપરાંત, અમે બાળકોને ચિત્રકામ, નૃત્ય, નાટક, ગાયન, વાદ્યો વગાડવાનું અને જુડો પણ શીખવીએ છીએ.’ માધુરી સાથે કામ કરવું એ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે ‘હું બાળપણમાં માધુરી દીક્ષિતના ગીતો પર નાચતી હતી. તેમનો મારા પર ઘણો પ્રભાવ રહ્યો છે. વર્ષ 2022 માં, મને તેમની સાથે ‘ફેમ ગેમ’ સિરીઝમાં કામ કરવાનો મોકો મળ્યો. જ્યારે હું તેમને સેટ પર પહેલી વાર મળી ત્યારે મને એ વાત સમજાતા 15 મિનિટ લાગી કે હું ખરેખર તેમને રૂબરું મળી છું. પછી ધીમે ધીમે અમારી વાતચીત મરાઠીમાં શરૂ થઈ. ત્યાર પછી તે મારા માટે મોટી બહેન જેવી બની ગઈ. આટલી મોટી સુપરસ્ટાર હોવા છતાં, તે ખૂબ જ નમ્ર છે. તેમની સાથે કામ કરવું એ એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું.’ રાતોરાત ઘણા પ્રોજેક્ટ્સમાંથી કાઢી મૂકવામાં આવી ‘મારી સાથે ઘણી વાર એવું બન્યું કે મેં કોઈ પ્રોજેક્ટ પર સહી કરી અને તે પ્રોજેક્ટ બંધ થઈ ગયો. ઘણી વાર એવું બન્યું કે ડેટ લીધા પછી, મને કહેવામાં આવ્યું કે પ્રોજેક્ટમાં તારી જગ્યાએ કોઈ મોટા સ્ટારે આવી ગયા છે. ઘણી વાર, અમારે પૈસા માટે પણ લડવું પડતું. મારો અનુભવ એ છે કે ફિલ્મઉદ્યોગ સરળ નથી. અહીં ઘણી બધી અનિશ્ચિતતાઓ છે. અહીં એવું નથી બનતું કે જો તમને પ્રોજેક્ટ મળે તો તમે સેટ થઈ જાઓ.’ ‘ટ્રાયલ બાય ફાયર’ સિરીઝ મારી કારકિર્દી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે. આ સિરીઝના પાત્ર માટે મેં ઘણા માનસિક અને શારીરિક ફેરફારો કર્યા. મને તેનું પરિણામ પણ મળ્યું.’ ‘આ સિરીઝ માટે, મને એશિયન એકેડેમી ક્રિએટિવ એવોર્ડ્સ 2023 માં શ્રેષ્ઠ એક્ટ્રેસનો ખિતાબ મળ્યો. તે વર્ષે મને ફિલ્મફેર OTT એવોર્ડ પણ મળ્યો. મારી મહત્ત્વાકાંક્ષા ફક્ત સારું કામ કરવાની છે. ઘણા સંઘર્ષ પછી, મેં મુખ્ય ભૂમિકાઓ પણ ભજવી છે, હું આને મારી સફરની સિદ્ધિ માનું છું. મારું નવું કામ ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ પર જોવા મળશે.’