જલ્પેશ કાળેણા, આ એક એવું ગામ છે જ્યાં ગૂગલ મેપ પણ પહોંચ્યું નથી. ત્યાં પહોંચ્યા પછી ફોન નેટવર્ક ન મળે. માંડવી તાલુકાનું ધજ ગામ રાજ્યનું એક માત્ર ‘ઈકો વિલેજ’ છે. ચારેય તરફ જંગલોથી ઘેરાયેલા આ અદકેરા ગામમાં 60 ઘરો છે, જેમાં 250 લોકો રહે છે. તમામ ઘરો દેશી છે છતાં શહેરીજનોને આકર્ષે છે. ઘરની દીવાલો વાંસ અને માટીના લીપણથી બનેલી છે. છત પર નળિયા હોવાથી આગઝરતી ગરમીમાં પણ ઘરમાં એસી જેવી ઠંડક રહે છે. વરસાદી પાણીના સંગ્રહ માટે તમામ ઘરોમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી છે. જ્યારે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે 5 રિચાર્જ વેલ પણ બનાવવામાં આવ્યા છે. સોલારથી ચાલતી સ્ટ્રીટ લાઈટ છે. આ ઉપરાંત તમામ ઘરો પર એક-એક સોલાર પ્લેટ છે, જેના કારણે લાઈટ ન હોય ત્યારે 2 બલ્બ ચલાવી શકાય છે. તમામ ઘરમાં ગોબર ગેસની પણ વ્યવસ્થાય છે. ઘન કચરાના નિકાલ માટે યુનિટ પણ બનાવવામાં આવ્યાં છે. ગામમાં 270 લોકોની વસ્તી છે, જેમાંથી 22 યુવાનો સરકારી નોકરી કરી રહ્યા છે. આ ગામમાં પ્રાથમિક શાળા, બાળમંદિર અને આંગણવાડી સહિતની તમામ સુવિધાઓ છે. જંગલોમાં સૂકા પાંદડાંને કારણે આગ લાગે છે. જો કે, અહીં જંગલ વિભાગ જાતે આગ લગાવી આવા તત્ત્વોનો નાશ કરે છે, જેથી આગ લાગતી જ નથી.