સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ વકફ સુધારા બિલને લઇ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, વકફ સુધારા બિલને લઇ લોકોથી સત્તાઓ સુધી અસંતોષ હતો અને કેટલાક નિયમો એવા હતા જેને દૂર કરવા જરૂરી બની ગયું હતું. પાટીલે કહ્યું હતું કે, સુધારા માટે માત્ર હિન્દુઓ જ નહીં પારસીઓ અને મુસ્લિમો પણ સહમત હતા. કોઈ પણ સંસ્થા પોતાના હક વગર કોઈ મિલકત પર દાવેદારી ના કરી શકે એ માટે આ બિલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સુરત મનપાની જમીનના વિવાદનું ઉદાહરણ આપ્યું
પાટીલે વધુમાં જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી લઇ વિવાદ સર્જાયો હતો. આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો અને અંતે મહાનગરપાલિકા આ કેસ જીતી હતી. પરંતુ આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ન સર્જાય એ માટે વકફ સુધારા બિલ લાવવાનો નિર્ણય લેવાયો હતો. વિધાનસભા અને રાજ્યસભામાં થયેલી ચર્ચા બાદ કાયદો બન્યો
વકફ સુધારા બિલ લોકસભા અને રાજ્યસભામાં વ્યાપક ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું હતું. બંને ગૃહોમાં કુલ 12 કલાક જેટલી ચર્ચા ફાળવવામાં આવી હતી. બિલ પસાર થયા બાદ તે રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલાયું હતું અને હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી વકફ સુધારા બિલ કાયદો બની ચૂક્યું છે, જે સમગ્ર દેશમાં લાગુ થશે. પાટીલે રાષ્ટ્રપતિનો આભાર માન્યો
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલએ રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું રાષ્ટ્રપતિનો આભાર માનું છું કે તેમણે દેશના લોકોને જબરદસ્તીથી પોતાના હકોથી વંચિત થતા અટકાવવા માટે આ બિલને મંજૂરી આપી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે વકફ સુધારા બિલ દેશના દરેક સમુદાય માટે છે અને કાયદા દ્વારા દરેકની મિલકત સુરક્ષિત રહેશે. કોઈ પણ સંસ્થા પોતાની માલિકીની મિલકતને છોડીને અન્ય મિલકત પર દાવેદારી નહીં કરી શકે એ માટે આ બિલ અમલમાં મુકાયું છે.