‘મેન ઇન બ્લેક’, ‘બેડ બોયઝ’ અને અલાદ્દીન જેવી હિટ ફિલ્મોનો ભાગ રહી ચૂકેલા હોલિવૂડ એક્ટર વિલ સ્મિથ તાજેતરમાં ભાંગડા કરતા જોવા મળ્યા હતા. તેમણે ફેમસ પંજાબી સિંગર દિલજીત દોસાંઝ સાથે ભાંગડાના સ્ટેપ્સ કર્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. દિલજીત દોસાંઝ અને વિલ સ્મિથે ઇન્સ્ટાગ્રામ પર ભાંગડા કરતો એક વીડિયો શેર કર્યો છે. દિલજીતે લખ્યું છે, પંજાબી આ ગયે ઓયે! વન એન્ડ ઓનલી લિવિંગ લીજેન્ડ વિલ સ્મિથ કે સાથે. આગળ લખ્યું કે- વિલ સ્મિથને ભાંગડા કરતા અને પંજાબી ઢોલના તાલનો આનંદ માણતા જોવું ખૂબ જ પ્રેરણાદાયક છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં, વિલ સ્મિથ અને દિલજીત દોસાંઝનો એક ટ્રાન્ઝિશન વીડિયો જોવા મળે છે, જેમાં હોલિવૂડ એક્ટર પહેલા ફોનમાં સિંગરનો ફોટો બતાવે છે પછી ટ્રાન્ઝિશન થાય છે અને દિલજીત દોસાંઝ બાજુમાં આવી જાય છે. આ પછી બંને દિલજીત દોસાંઝના ગીત ‘ગડ્ડી વિચ બેસ’ પર ભાંગડા કરે છે. વીડિયોમાં, દિલજીત દોસાંઝ સફેદ કુર્તા-પાયજામા અને ઓરેંજ પાઘડી પહેરેલો જોવા મળે છે, જ્યારે વિલ સ્મિથે બ્લૂ કલરનો કો ઓર્ડ પહેર્યો છે. વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને માત્ર બે કલાકમાં 6.5 લાખ વ્યૂઝ મળ્યા છે. પોતાની ફિલ્મો અને વિવાદો ઉપરાંત, વિલ સ્મિથ ભારતની મુલાકાતને કારણે પણ સમાચારમાં રહ્યા છે. થોડા વર્ષો પહેલા તે ભારત આવ્યા હતા, ત્યારે તે સદગુરુને મળ્યા હતા. તે પહેલા હરિદ્વાર પણ ગયા હતા. અહીં તેમણે ઘાટ પર આરતી કરી અને ઘણા મંદિરોની મુલાકાત પણ લીધી.