back to top
Homeગુજરાતસોમનાથમાં રુક્મિણીહરણનો અલૌકિક નજારો:ભગવાન શ્રીકૃષ્ણ રંગબેરંગી સુશોભિત ઘોડાના રથમાં માતાને દ્વારકા લઈ...

સોમનાથમાં રુક્મિણીહરણનો અલૌકિક નજારો:ભગવાન શ્રીકૃષ્ણ રંગબેરંગી સુશોભિત ઘોડાના રથમાં માતાને દ્વારકા લઈ ગયા; 400 કલાકારે મનમોહક કલાથી લોકોનાં મન મોહ્યાં

સોમનાથ મંદિર પાસેની ચોપાટી ખાતે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ભવ્ય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માધવપુર ખાતે તા.6 થી 10 એપ્રિલ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણી વિવાહના ઉપલક્ષ્યમાં યોજાતા પરંપરાગત મેળાની પ્રી-ઈવેન્ટના ભાગરૂપે યોજાયો હતો. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વોત્તર અને ગુજરાતના કુલ 400 કલાકારે પોતાની મનમોહક કલા રજૂ કરી લોકોના મન મોહ્યાં હતાં. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રુક્મિણીહરણનાં તાદૃશ્ય દૃશ્યોએ લોકોનું મન હર્યું હતું. સોમનાથ પૂર્વોત્તર-ગુજરાતની સંસ્કૃતિના મિલનથી ઝૂમી ઊઠ્યું
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિમાં સોમનાથ મંદિર પાસે આવેલી ચોપાટી ખાતે યોજાયેલા ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એકથી એક ચઢિયાતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેણે ઉપસ્થિત સૌ કોઈનાં મન મોહી લીધાં હતાં. એક તરફ સમી સાંજે ક્ષિતિજે દરિયા અને પૃથ્વીનું મિલન થતું હોય એવા માહોલ વચ્ચે નૃત્ય મહોત્સવમાં કલાકારોની ઊર્જાસભર સાંસ્કૃતિક કૃતિઓથી સોમનાથ પૂર્વોત્તર અને ગુજરાતની સંસ્કૃતિના મિલનથી ઝૂમી ઊઠ્યું હતું. 400 કલાકારે મનમોહક કલાથી લોકોનાં મન મોહ્યાં
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની ઉજવણી કરતા આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીર સોમનાથની કલાપ્રેમી જનતાએ અનેકવિધ રંગારંગ પ્રસ્તુતિઓ માણી હતી. કલાપ્રેમી જનતાએ એક પછી એક રજૂ થયેલી પૂર્વોત્તર તથા ગુજરાતના કલાકારોની વિવિધ પ્રસ્તુતિઓને સહર્ષ વધાવી લીધી હતી. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડ એમ પૂર્વોત્તર રાજ્યોના 200 તથા ગુજરાતના 200 એમ કુલ 400 કલાકારે કલાનાં કામણ થકી પોતાની સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરસભર કલાનૃત્યો રજૂ કર્યાં હતાં. સાંસ્કૃતિક વિરાસતો-ધરોહરસભર કલાનૃત્યો રજૂ
ગુજરાતના કલાકારોએ ગરબો, ટ્રાઈબલ નૃત્ય, સુરેન્દ્રનગરનો રાસ, છોટાઉદેપુરનું રાઠવા, ડાંગી રાસ, મંજીરા રાસ, મિશ્ર રાસ, પોરબંદરના ઢાલ તલવાર અને મણિયારો, હુડો રાસ અને ટીમલી નૃત્ય રજૂ કર્યાં હતાં. તો, નોર્થ ઈસ્ટના કલાકારોએ બિહુ નૃત્ય, મિઝોરમનું ચોંગ્લેઝવોન, ત્રિપુરાનું મમીતા અને સંગ્રેઈન નૃત્ય, મેઘાલયનું કોચ, નાગાલેન્ડનું સંગતામ (માકુ હીનયાચી), અરૂણાચલનું ટેંગ કો ન્યોન, તાપુ, આસામનું બિહુ અને દાસોઅરી દેલાઈ નાચ, સિક્કિમનું ચુટકે, હોજાગીરી, મણિપુરનું પંગ ઢોંક ઢોલોક ચોલમ, વાંગલા, સિંગઈ/યોક છમ વગેરે નૃત્ય રજૂ કર્યાં હતાં. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રૂક્મિણીહરણનાં તાદૃશ્ય દૃશ્યોએ લોકોનું મન હર્યું
ઢળતી સાંજે સોમનાથ પરિસરની ચોપાટી પાસે પ્રાંગણમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ સાથે યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના અંતભાગમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂક્મિણીહરણનું તાદૃશ્ય વાતાવરણ ખડું થયું હતું. કલાકારોના પર્ફોર્મન્સ માટેના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ રંગબેરંગી સુશોભિત ઘોડા જોડેલા રથમાં રૂક્મિણીહરણ માટે પ્રવેશ કર્યો હતો. જે બાદ ભગવાન શ્રી કૃષ્ણ રૂક્મિણીનું હરણ કરી પોતાની સાથે દ્વારકા નગરીમાં લઈ આવ્યા હતા. વાસ્તવમાં વર્ષો પહેલાં જે ઈતિહાસ નોંધાયો હતો, તેનું યથચ્છ નિરૂપણ કરતા હોય એવું જીવંત નિદર્શન કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત જનમેદનીએ પણ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્મિણીના આ વિવાહની ગાથાને હર્ષભેર વધાવી લીધી હતી. સમગ્ર વાતાવરણમાં સાક્ષાત્ ભગવાન દ્વારા વાસ્તવમાં રૂક્મિણીહરણ થયું હોય તેવું જીવંત વાતાવરણ ખડું થયું હતું. મેળાઓ વિવિધ સંસ્કૃતિઓને એકમેકથી જોડવાનું માધ્યમ : પ્રવાસન મંત્રી
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ આ અવસરે જણાવ્યું કે, મેળા અને ઉત્સવોએ ભારતીય સંસ્કૃતિના અભિન્ન હિસ્સા છે. પરાપૂર્વથી ભારતીય સંસ્કૃતિમાં મનપાંચમના મેળા તરીકે ઓળખાતા ઉત્સવો અને લોકમેળાઓનું અનોખું મહાત્મ્ય રહ્યું છે. જૂનાગઢનો શિવરાત્રિનો મેળો, સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો, તરણેતરનો મેળો, છોટાઉદેપુરનો ક્વાંટના મેળા સહિત રાજ્યમાં 1500થી વધુ મેળાનું આયોજન થાય છે. આ મેળાઓ વિવિધ સંસ્કૃતિઓને એકમેકથી જોડવાનું માધ્યમ બની રહ્યા છે. ‘માધવપુરનો મેળો વિશ્વવિખ્યાત બન્યો’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આ વિરાસતને ‘વિકાસ ભી ઔર વિરાસત ભી’ની ભાવનાથી જોડીને તેને વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે. માધવપુરનો મેળો આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોના કારણે વિશ્વ વિખ્યાત બન્યો છે. ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવાના કારણે આજે રાજ્યમાં 18.64 કરોડ લોકો ગુજરાતના સ્થાપત્ય, વિરાસત અને લોકસંસ્કૃતિને માણવા માટે આવે છે. ‘મુખ્યમંત્રીએ 2023થી પાંચ દિવસ મેળો ઊજવવાનું નક્કી કર્યું’
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2023થી માધવપુરનો મેળો ચાર દિવસના બદલે પાંચ દિવસ સુધી ઊજવવાનું નક્કી કર્યું હતું. આ વર્ષે એક તારીખથી સુરત, અમદાવાદ, વડોદરા અને આજે ગીર સોમનાથ ખાતે પ્રી-ઈવેન્ટના ભાગરૂપે પૂર્વની સંસ્કૃતિનું પશ્ચિમની સંસ્કૃતિ સાથે ઐક્ય સધાય એ રીતે નૃત્ય, સંગીત દ્વારા જોડવાનો પ્રયત્ન કર્યો છે. પાંચમા દિવસે દ્વારકામાં ભગવાનનો સત્કાર મહોત્સવ
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીના મંગલપરિણયના સ્થાન એવા માધવપુર ખાતે આ ભવ્ય લોકમેળાની શરૂઆત થવાની છે. ચાર દિવસ મેળો ચાલ્યા બાદ પાંચમા દિવસે દ્વારકા ખાતે ભગવાનનો સત્કાર મહોત્સવ યોજાવાનો છે. આ સિવાય માધવપુર ખાતે ઉત્તર ભારતની ખાણીપીણી, પહેરવેશ અને કલાકૃતિઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. તેમ જણાવી મંત્રીએ આ ભવ્ય લોકમેળામાં પધારવા રાજ્ય સરકાર વતી જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું હતું. ‘સ્થાનિક કલાકારોની કલાકારીને ઉત્તેજન મળશે’ : કલેકટર
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, પ્રવાસન વિભાગના સહયોગથી માધવપુરના મેળાની પ્રી-ઈવેન્ટના ભાગરૂપે આ કાર્યક્રમ કરવાનું સૌભાગ્ય ગીર સોમનાથ જિલ્લાને મળ્યું. આ કાર્યક્રમથી સ્થાનિક કલાકારોની કલાકારીને ઉત્તેજન મળશે અને તેમની કલાને પ્રદર્શન કરવાની તક મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments