હરિયાસણ ગામમાં સરકારી પ્લોટને લઈને હિંસક ઘટના સામે આવી છે. 37 વર્ષીય મહેશભાઈ હિરાભાઈ પરમાર પર 8 લોકોએ ત્રિકમ વડે હુમલો કર્યો હતો. જેથી તેઓને ઈજા પહોંચી હતી. આ અંગે મળતી માહિતી મુજબ હરિયાસણ ગામમાં મહેશભાઈને સરકાર તરફથી અનુસૂચિત જાતિ વાસમાં 100 ચોરસ વારનો પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. જોકે, રવિભાઈ મનસુખભાઈ પરમારે આ પ્લોટ પર કબજો કરી લીધો હતો. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ ધોરાજી ડેપ્યુટી કલેક્ટરે પ્લોટનો કબજો મહેશભાઈને સોંપ્યો હતો. આ દરમિયાન ગત રોજ મહેશભાઈ પ્લોટમાં બાંધકામ કરી રહ્યા હતા. તે સમયે રવિભાઈએ તેમના માથા પર ત્રિકમ વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાગ્રસ્ત મહેશભાઈને પ્રથમ જામકંડોરણા અને પછી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સમયે ભાવનાબેન, ચંપાબેન, જયાબેન, તનુજાબેન, ભયનાબેન અને નાથાભાઈ પણ હાજર હતા. મહિલા આરોપીઓએ પ્લોટમાં સૂઈ જઈને બાંધકામ અટકાવ્યું હતું. રવિભાઈએ અગાસી પરથી જીવલેણ ધમકી પણ આપી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 126(2), 351(2), 352 અને 54 હેઠળ આઠ લોકો સામે કેસ નોંધ્યો છે. તેમના પર બાંધકામમાં અવરોધ ઊભો કરવા અને જીવલેણ ધમકી આપવાનો આરોપ છે. એક મહિના પહેલા ધમકી આપવા અને માર મારવા બદલ ફરિયાદ નોંધાઈ હતી.