બ્રિટિશ એક્ટર અને કોમેડિયન રસેલ બ્રાન્ડ પર તાજેતરમાં દુષ્કર્મ અને જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં તેમને 2 મેના રોજ કોર્ટમાં હાજર થવાનું છે. આ મામલો વર્ષ 2023માં પ્રકાશમાં આવ્યો હતો, જોકે હવે તપાસ બાદ હાલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ આપ્યો છે કે, 50 વર્ષીય એક્ટર રસેલ બ્રાન્ડ પર દુષ્કર્મ, ઓરલ રેપ અને જાતીય સતામણીના આરોપ મૂકવામાં આવ્યા છે. આ ઘટનાઓ 1999થી 2005ની વચ્ચે 4 અલગ અલગ મહિલાઓ સાથે બની હતી. રસેલ પર 1999માં સાઉથ ઈંગ્લેન્ડના બોર્નમાઉથમાં એક મહિલા પર દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે. તેણે 2001માં લંડનમાં ઓરલ રેપ અને યૌન શોષણ કર્યું, 2004માં એક મહિલા પર જાતીય સતામણી કરી અને 2004-05 દરમિયાન લંડનમાં એક મહિલાનું શારીરિક શોષણ કર્યું. ડોક્યુમેન્ટરી રિલીઝ થયા પછી આ મામલો પ્રકાશમાં આવ્યો
સપ્ટેમ્બર 2023માં, બ્રિટિશ પોલીસે આ બાબતની તપાસ શરૂ કરી જ્યારે ‘ધ સન્ડે ટાઇમ્સ’, ‘ધ ટાઇમ્સ ઓફ લંડન’ અને ‘ટીવી નેટવર્ક ચેનલ 4’ એ એક સંયુક્ત તપાસ પ્રકાશિત કરી જેમાં મહિલાઓએ પોતાની ઓળખ જાહેર કર્યા વિના, રસેલ બ્રાન્ડ પર દુષ્કર્મો અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો. બ્રિટિશ પોલીસે 18 મહિના સુધી રસેલ બ્રાન્ડના પાસ્ટના રેકોર્ડ અને વર્તનની તપાસ કરી, ત્યારબાદ પુરાવા અને તપાસના આધારે શુક્રવારે ફરિયાદ દાખલ કરવામાં આવી. રસેલને 2 મેના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. ‘હું ડ્રગ એડિકટ હતો, રેપિસ્ટ નહીં’
આરોપો પછી, રેલ્સ બ્રાન્ડે તેના સત્તાવાર X પ્લેટફોર્મ પરથી સ્પષ્ટતા આપતો વીડિયો શેર કર્યો છે. તેણે કહ્યું- વર્ષો પહેલા હું ડ્રગ્સનો વ્યસની, સેક્સનો વ્યસની હતો, પણ રેપિસ્ટ નહોતો. હું મૂર્ખ હતો, પણ મેં ક્યારેય દુષ્કર્મ નથી કર્યું. મેં ક્યારેય સંમતિ વગર શારીરિક સંબંધ બાંધ્યા નથી. રસેલ બ્રાન્ડે વર્ષ 2010માં ઈન્ટરનેશનલ સ્ટાર કેટી પેરી સાથે લગ્ન કર્યા હતા. બંનેના માત્ર 2 વર્ષમાં છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી, વર્ષ 2017માં, રસેલ બ્રાન્ડે રાઈટર લૌરા બ્રાન્ડ સાથે લગ્ન કર્યા.