વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામનવમી પર તમિલનાડુના રામેશ્વરમની મુલાકાત લેશે. અહીં તેઓ રામનાથસ્વામી મંદિરમાં દર્શન કરશે અને પૂજા કરશે. રામાયણ અનુસાર, લંકા સુધી પુલ (રામ સેતુ) બનાવતા પહેલા, ભગવાન રામે અહીં રેતીમાંથી એક શિવલિંગ બનાવ્યું હતું અને તેની પૂજા કરી હતી. મોદી ગયા વર્ષે પણ અહીં આવ્યા હતા. રામેશ્વરમમાં અગ્નિ તીર્થમમાં સ્નાન કર્યા પછી પીએમએ રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરી. આદરમિયાન તેમણે રામાયણ પાઠ અને ભજન સંધ્યામાં પણ ભાગ લીધો હતો. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા, મોદીએ ભગવાન રામ સાથે સંબંધિત તમામ મંદિરોના દર્શન કર્યા હતા, જેનો ઉલ્લેખ રામાયણમાં છે. આ કારણોસર તે રામનાથસ્વામી મંદિરમાં આવ્યા હતા. ભગવાન રામે અહીં પ્રાયશ્ચિત યજ્ઞ કર્યો હતો
ભગવાન શિવને સમર્પિત આ મંદિર હિન્દુઓના ચાર ધામ અને 12 જ્યોતિર્લિંગોમાં સામેલ છે. તે રામેશ્વરમ મંદિરના નામથી પ્રખ્યાત છે. ‘રામેશ્વરમ’ નો અર્થ ભગવાન શિવ થાય છે, જે ભગવાન રામ દ્વારા પૂજવામાં આવતા દેવતા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામે લંકા યુદ્ધમાં થયેલા મૃત્યુનું પ્રાયશ્ચિત કરવા માટે તપસ્યા કરવાનું નક્કી કર્યું હતું. રાવણ એક બ્રાહ્મણ હતો અને ભગવાન શિવનો મહાન ભક્ત હતો. રાવણના મૃત્યુથી ભગવાન શિવ ગુસ્સે થયા હતા. આ કારણોસર ભગવાન રામ શિવજીની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવા માંગતા હતા. સ્કંદ પુરાણ અનુસાર, આ જ સ્થળે, તમિલ મહિના ‘અનિ’ (હિન્દીમાં જ્યેષ્ઠ મહિનો)ના શુક્લ પક્ષના દસમા દિવસે, એક તપસ્યા યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ માટે એક શિવલિંગની જરૂર હતી. ભગવાન રામે હનુમાનજીને સ્ફટિક (એક પ્રકારનો પથ્થર)થી બનેલું શિવલિંગ લાવવા માટે કૈલાશ પર્વત પર મોકલ્યા હતા. મંદિરના ગર્ભગૃહમાં બે શિવલિંગ સ્થાપિત છે હનુમાનજી શુભ મુહૂર્ત સુધી પાછા ન આવી શક્યા. ત્યારબાદ સીતાએ રેતીમાંથી એક શિવલિંગ બનાવ્યું અને તેને ‘રામનાથ’ એટલે કે ‘રામના ભગવાન’ તરીકે પૂજ્યું. મંદિરના ગર્ભગૃહમાં એ જ ‘રામલિંગમ’ બિરાજમાન છે. હનુમાનજી પાછા ફર્યા ત્યાં સુધીમાં યજ્ઞ પૂર્ણ થયો. આ જોઈને તેઓ ખૂબ જ નિરાશ થયા. તેમણે રેતીના શિવલિંગને પોતાની પૂંછડીમાં વીંટાળીને તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયા. તે યજ્ઞસ્થળ પર સ્ફટિક શિવલિંગ સ્થાપિત કરવા માંગતા હતા. એવું કહેવાય છે કે રામલિંગમ પર હજુ પણ તેમની પૂંછડીના નિશાન છે. હનુમાનજીને નિરાશ જોઈને ભગવાન રામને દયા આવી. પછી તેમણે કહ્યું કે બંને શિવલિંગ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. એટલું જ નહીં, હનુમાનજી દ્વારા લાવવામાં આવેલા શિવલિંગની પૂજા કર્યા પછી, રામલિંગમની પૂજા કરવામાં આવશે. આજે તેને ‘વિશ્વલિંગ’ કહેવામાં આવે છે. આ કારણે મંદિરના ગર્ભગૃહમાં બે શિવલિંગ છે. વિશ્વલિંગને જ્યોતિર્લિંગ માનવામાં આવે છે કારણ કે તે ભગવાન શિવે પોતે હનુમાનજીને આપ્યું હતું. તેને ‘સ્વયંભુ’ એટલે કે પ્રગટ થયેલ શિવલિંગ માનવામાં આવે છે. ભગવાન રામે પણ અગ્નિ તીર્થમાં સ્નાન કર્યું હતું
રામનાથસ્વામી મંદિરની મુલાકાત લેતા પહેલા અગ્નિ તીર્થમમાં સ્વુંનાન કરવું મહત્વપૂર્ણ છે. ભગવાન રામે યજ્ઞ કરતા પહેલા અહીં સ્નાન કર્યું હોવાનું કહેવાય છે. અગ્નિતીર્થમાં સ્નાન કર્યા પછી, ભક્તો મંદિરની અંદર બનેલા 22 તળાવોના પાણીમાં પણ સ્નાન કરે છે. આ તળાવોને તિર્થમ કહેવામાં આવે છે. આ 22 દેવી-દેવતાઓને સમર્પિત છે. આ તળાવો તે દેવતાઓના નામોથી ઓળખાય છે. આ તળાવોને ભગવાન રામ દ્વારા યુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલા 22 બાણોનું પ્રતીક પણ માનવામાં આવે છે. આમાંથી, ‘કોડી તીર્થમ’ સૌથી પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામે પૃથ્વી પર તીર ચલાવીને આ તળાવ બનાવ્યું હતું. આમાંથી નીકળતા પાણીનો ઉપયોગ મંદિરની પૂજામાં થાય છે.