ચિન્તન આચાર્ય
ગુજરાતમાં બે દિવસ માટે કોંગ્રેસનું મહાઅધિવેશન મંગળવાર અને બુધવારે યોજાઇ રહ્યું છે. આ અધિવેશનમાં કોંગ્રેસ ગુજરાત અને કેન્દ્રમાં વર્ષોથી સ્થાપિત થઇ ગયેલી ભાજપ સરકારના મૂળિયા હલાવવા માટે એક નવી રણનીતિ લઇને આવશે અને આ રણનીતિ ભાજપ મોડલની જ પ્રતિકૃતિ સમાન હશે. તેમાં સૌથી મોટી બાબત ઉમેદવારોની ચયન પ્રક્રિયાને લઇને થનારાં બદલાવની રહેશે. હવેથી કોંગ્રેસ નેતાઓ માત્ર પોતાના પાર્ટી હેડક્વાર્ટરમાં બેસીને ઉમેદવારો નક્કી કરવાને બદલે, ભાજપની પેઠે ફિલ્ડ સ્તરેથી મળતાં પ્રતિભાવો આધારિત ચયન પ્રક્રિયાને અપનાવશે.
ગુજરાતમાં 2027માં વિધાનસભા ચૂંટણી આવશે, તે પહેલાં બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના મહત્ત્વના રાજ્યોમાં પણ ચૂંટણીઓ આવશે. આ રાજ્યોમાં આ પદ્ધતિથી જ ઉમેદવારો નક્કી કરાશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ આ હેતુથી જ જમીનીસ્તરે કામ કરતા કાર્યકરો એટલે કે બ્લોક અને જિલ્લા લેવલના કાર્યકરોને વધુ મહત્ત્વ આપી રહ્યા છે. તેમના મંતવ્યો જાણીને જ ભવિષ્યમાં પ્રદેશ સંગઠનની નિયુક્તિ અને ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ભાજપ મોડેલ શું છે? : ભાજપ ચૂંટણીઓમાં ઉમેદવારો નક્કી કરવા માટે પોતાના નીરિક્ષકો મોકલે છે. જે જિલ્લા, શહેર અને વોર્ડ સ્તરે કાર્યકરો સાથે મળીને સંભવિત ઉમેદવારો અને ચાલું ચૂંટાયેલા નેતાઓ અંગે તેમનો અભિપ્રાય મેળવી, દિલ્હીમાં મોવડીમંડળ સુધી પહોંચાડે છે. હવે કોંગ્રેસમાં પણ આવું જ મોડેલ અમલમાં લેવામાં આવશે.
રાહુલ -પ્રિયંકા ગુજરાતના પ્રવાસો વધારશે :
ગુજરાત પર નજર રાખવા માટે રાહુલના ત્રણ ખાસ વિશ્વાસુઓ કે.સી. વેણુગોપાલ, જૈરામ રમેશ અને અલંકાર સવાઈ અહીં નિયમિત આવતાં રહેશે. હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી વધુ અસરકારક બનીને આ નવી ત્રિપુટી કામ કરશે. આ ઉપરાંત કોંગ્રેસ ગુજરાતમાં પ્રિયંકા ગાંધીને પણ આગળ કરશે. કોંગ્રેસ અધિવેશન બાદ પ્રિયંકા ગાંધીને પાર્ટીના સંગઠનમાં પણ મહત્ત્વનો હોદ્દો મળી શકે છે.
અધિવેશનના રાષ્ટ્રીય એજન્ડાના આ મુદ્દા રહેશે: OBC, SC અને ST માટે અનામત 51 ટકા કરતાં વધુ કરવા માટે સંવિધાનમાં સુધારા લાવવા અંગે પાર્ટી નક્કી કરશે. INDIA બ્લોકના સાથીઓને જોડીને રાખવાનો પ્રયાસ થશે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં ત્યાંના પ્રાદેશિક પક્ષો સાથે શરત વિના સહયોગ માટે પ્રયત્ન કરશે અને આ જ પદ્ધતિ અન્ય રાજ્યોમાં અખત્યાર થશે. તૃણમૂલ કોંગ્રેસ અને આપ જેવી ઇન્ડિયા બ્લોકની નારાજ પાર્ટીઓને પણ મનાવવા પ્રયત્નો થશે.
..કોંગ્રેસ જાતે ચકાસે કે ગુજરાતમાં આખરે
તે કેમ, કેવી રીતે, શા માટે નબળી પડતી ગઈ? મુદ્દા
1 ભાજપે યુવા, નવા નેતાઓને ચૂંટણી લડાવીને માસ લીડર બનાવ્યા,
જ્યારે કોંગ્રેસ જૂના ચહેરાઓ પર જ અટકી રહી.
2 કોંગ્રેસ તુષ્ટિકરણ પર ટકી રહી. ભાજપે હિન્દુત્વને સાધી ‘સબકા સાથ, સબકા વિકાસ’ના નારા દ્વારા મુસ્લિમોને પણ જાળવી રાખવામાં સફળતા મેળવી.
3 1960થી 85 સુધી 25 વર્ષમાં થયેલા કામોને જનતા સમક્ષ લઈ જવામાં નિષ્ફળ નિવડી, જ્યારે ભાજપે 1995 પછી પોતાના કામોનો જોરશોરથી પ્રચાર કર્યો.
4 જૂથવાદને લીધે નવા નેતૃત્વને સફળ જ થવા દીધું નહીં. જ્યારે ભાજપે અધ્યક્ષથી લઈને મુખ્યમંત્રી પદ સુધીના નવા ચહેરાઓને તક આપી.
5 જાહેર હિત માટે આંદોલન કરવાને બદલે નેતાઓ એકબીજા સાથે સંઘર્ષ કરતાં રહ્યા. જ્યારે ભાજપે દરેક નાના મુદ્દાની આપત્તિઓને અવસરમાં ફેરવી નાખી.
6 લાયક ઉમેદવારોને ટિકિટ આપવાને બદલે પોતાના જ લોકોને ટિકિટ આપતા રહ્યા. ભાજપે નાના-નાના કાર્યકરોને ટિકિટ આપી. જેનાથી સંગઠન વધુ મજબૂત બન્યું.
7 પરસ્પર લડાઈ, પદ અને પૈસાની લાલચમાં નેતાઓ પક્ષ બદલતા રહ્યા. 55 ધારાસભ્યો, 12 સાંસદોએ પાર્ટી છોડી દીધી. તેનાથી જનતામાં વિશ્વાસ તૂટી ગયો.
8 27 વર્ષથી સત્તાની બહાર છે. તેના લીધે કોર્પોરેટ તરફથી મળતું દાન પણ ઘટતું ગયું. પરિણામે પૈસાની અછત. પૈસાના અભાવે ઉમેદવારો જીત માટે ખર્ચ નથી કરી રહ્યા.