ભાસ્કર ન્યૂઝ | ગાંધીનગર
ગુજરાતમાં કોંગ્રેસનું મળનારું આ છઠ્ઠું મહાઅધિવેશન છે. આ અગાઉ આઝાદીના સંગ્રામની પૃષ્ઠભૂમિથી લઇને અખંડ ભારતના નિર્માણ અને ગુજરાત રાજ્યના સર્જનની તવારીખો ગુજરાતમાં યોજાયેલા કોંગ્રેસના પાંચ અધિવેશનોમાં સમાયેલી છે. અમદાવાદમાં 1902 અને 1921માં કોંગ્રેસના અધિવેશનો યોજાયાં જેમાં 1921નું અધિવેશન મહાત્મા ગાંધીએ બ્રિટિશ રાજ વિરુદ્ધ છેડેલી અસહકારની ચળવળ બાદ ત્વરિત યોજાયું અને ગાંધીજીએ શરૂ કરેલી સ્વદેશી અપનાવોની ચળવળ અહીંથી વધુ બુલંદ બની હતી.
આ સિવાય ગુજરાતમાં સુરતના હરિપુરા, જૂનાગઢ અને ભાવનગરમાં પણ કોંગ્રેસના અધિવેશનો મળ્યાં જેમાં જે-તે સમયને અનુકૂળ સંકલ્પો લેવાયાં હતાં. છેલ્લે 1961માં યોજાયેલા કોંગ્રેસ અધિવેશન બાદ છેક 64 વર્ષ પછી ફરી કોંગ્રેસ ગુજરાતમાં અધિવેશન યોજી કેન્દ્રમાંથી સત્તા ગુમાવ્યાના 11 વર્ષ બાદ ફરી એકવાર શાસન ધૂરા હાથમાં લેવાના પ્રયત્ન કરશે. 1902 – અમદાવાદ અધિવેશન અધ્યક્ષ: એસ. સુબ્રમણિયમ અય્યર મહત્ત્વ: આ 18મું વાર્ષિક અધિવેશન હતું. ગુજરાતમાં રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદી ભાવના જગાવવાનો પ્રારંભિક પ્રયાસ હતો. પશ્ચિમ ભારત, ખાસ કરીને શિક્ષિત ગુજરાતીઓ અને સ્થાનિક ભદ્રલોકોમાં કોંગ્રેસનો આધાર મજબૂત થયો. 1921 – અમદાવાદ અધિવેશન અધ્યક્ષ: ચિત્તરંજન દાસ દેશબંધુ મહત્ત્વ: આ અધિવેશન અસહકાર આંદોલન પછી ગાંધીજીના સાબરમતી આશ્રમ પાસે યોજાયું. અહીં વિદેશી માલના બહિષ્કાર, ખાદીના પ્રચાર અને અહિંસક ચળવળ અંગે ઠરાવ પસાર કરાયા. સ્વદેશી અપનાવોનો વિચાર અહીંથી વધુ વ્યાપક બન્યો 1938 – હરિપુરા અધિવેશન અધ્યક્ષ: સુભાષચંદ્ર બોઝ મહત્ત્વ: બોઝે સ્વતંત્ર ભારત માટે પ્રગતિશીલ અને ઔદ્યોગિક દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. આ અધિવેશન ગાંધીવાદીઓ અને બોઝ વચ્ચેની વિચારધારાની અસમાનતાને કારણે પણ યાદગાર છે. અધિવેશન બાદ બોઝ કોંગ્રેસમાંથી છૂટા પડ્યા અને તેમણે ફોરવર્ડ બ્લોકની રચના કરી હતી. 1950 – જૂનાગઢ અધિવેશન અધ્યક્ષ: પુરષોત્તમદાસ ટંડન મહત્વ: ભારતની આઝાદી બાદ આ અધિવેશન સ્વતંત્ર ભારતમાં ભળેલાં સૌરાષ્ટ્રના રજવાડાંના પ્રદેશોમાં કોંગ્રેસની પકડ મજબૂત કરવા માટે યોજાયું. સરદાર પટેલના સક્રીય પ્રયત્નો બાદ જૂનાગઢ સ્ટેટ પાકિસ્તાનને બદલે ભારતમાં ભળ્યું તેથી તે જૂનાગઢમાં યોજાયું અને કોંગ્રેસ માટે લોકસમર્થન વધારવાનું સાધન બન્યું. 1961 – ભાવનગર અધિવેશન અધ્યક્ષ: નીલમ સંજીવ રેડ્ડી મહત્વ: 1960માં બૉંબે રાજ્યમાંથી અલગ બનેલા ગુજરાત રાજ્યમાં ગુજરાતીઓનું સમર્થન મેળવવા આ અધિવેશન યોજાયું. આ દરમિયાન રાજ્યમાં સ્વતંત્ર પાર્ટીનો ઉદય થઇ રહ્યો હતો તેને ખાળવા અને ઉદ્યોગપતિઓ, વેપારી વર્ગ અને ભૂતપૂર્વ રાજવી પરિવારોનું સમર્થન મેળવવાનો આશય હતો.