શનિવારે એક્ટર-ડિરેક્ટર મનોજકુમારના અંતિમસંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. પ્રેમ ચોપરા, સલીમ ખાન, સુભાષ ઘઈ, અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક સહિત અનેક સેલેબ્સ મનોજકુમારના અંતિમસંસ્કારમાં હાજર રહ્યા હતા. એવામાં અભિષેક બચ્ચનનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તે પાપારાઝી પર ભડક્યો હતો. હવે મનોજકુમારની પ્રાર્થના સભાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જયા બચ્ચન એક મહિલા પર ગુસ્સે થતા જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ તેમની જોરદાર ટીકા કરી રહ્યા છે. એક્ટર-ડિરેક્ટર મનોજ કુમારનું 4 એપ્રિલે 87 વર્ષની વયે અવસાન થયું હતું. જ્યારે 6 એપ્રિલના રોજ પ્રાર્થના સભા યોજાઈ હતી. આ દરમિયાન બોલિવૂડ જગતના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. જયા બચ્ચન પણ સફેદ સૂટમાં જોવા મળ્યા હતા. એવામાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે ઉભા હતા ત્યારે એક મહિલાએ તેની પીઠ થપથપાવી, જેના કારણે તે ભડકી જાય છે અને પાછળ ફરી અને તરત જ મહિલાનો હાથ પકડીને જોરથી સાઈડ કરી દે છે. તેમણે મહિલાના પતિને પણ ઠપકો આપ્યો, જે વીડિયો ઉતારી રહ્યા હતા. આ પછી બંને હાથ જોડી જયા બચ્ચન સાથે વાતચીત કરતાં જોવા મળે છે. હવે જયા બચ્ચનનાં આ વીડિયો પર ફેન્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, લોકો જયા બચ્ચન સાથે ફોટો કેમ પડાવવા માગે છે?’ તે ખૂબ જ ઘમંડી અને ગુસ્સાવાળી લાગે છે. બિચારી ઐશ્વર્યા રાય તેને કેવી રીતે સંભાળતી હશે?, બીજાએ લખ્યું, તેને જોઈને હંમેશા મારો મૂડ ખરાબ થઈ જાય છે., ત્રીજાએ લખ્યું, તે ખૂબ જ ઘમંડી છે. આ સિવાય બીજા ઘણા લોકોએ તેમની ટીકા કરી છે. જયા બચ્ચનનાં વીડિયો અનેક વખત વાઈરલ થાય છે
એક્ટ્રેસ અને સાંસદ જયા બચ્ચન ઘણીવાર પોતાના વલણને કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક તે મીડિયા પર ગુસ્સે થાય છે તો ક્યારેક તે કોઈને ઠપકો આપતા જોવા મળે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમની ઘણી ટીકા થાય છે. મનોજકુમારના અંતિમ સંસ્કારમાં અભિષેકનો પિત્તો છટક્યો હતો
મનોજકુમારના અંતિમસંસ્કારમાં જ્યારે અમિતાભ બચ્ચન પીઢ લેખક સલીમ ખાનને મળી રહ્યા હતા, ત્યારે અભિષેક બચ્ચન તેમની પાછળ ચાલી રહ્યો હતો. પરંતુ આ દુઃખદ પ્રસંગે પણ ફોટોગ્રાફરો ફોટા પાડતા અને બૂમો પાડતા હતા આ કારણે અભિષેક ગુસ્સે થઈ ગયો અને તેણે પાપારાઝીને ધમકાવી નાખ્યા. વાઈરલ વીડિયોમાં, અભિષેક ફોટોગ્રાફરની નજીક જઈ આંખોમાં આંખો નાખી કંઈક કહેતો જોઈ મળે છે. મામલો વધુ વણસતો જોઈને, એક સિનિયર ફોટોગ્રાફર પરિસ્થિતિને સંભાળી લે છે. 87 વર્ષની વયે અવસાન પામેલા મનોજકુમાર લાંબા સમયથી લિવર સિરોસિસની ગંભીર બીમારીથી પીડાતા હતા. 21 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમની તબિયત બગડતાં તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનું 4 એપ્રિલ, શુક્રવારે સવારે અવસાન થયું હતું. મનોજકુમારે શહીદ (1965), ઉપકાર (1967), પથ્થર કે સનમ (1967), પૂરબ ઔર પશ્ચિમ (1970), શોર (1972), રોટી, કપડા ઔર મકાન (1974), ક્રાંતિ (1981) જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમની મોટા ભાગની ફિલ્મોમાં દેશભક્તિની સેન્ટ્રલ થીમ રહેતી અને તેમના પાત્રનું નામ મોટે ભાગે ‘ભારત’ રહેતું હોવાને કારણે મનોજકુમારનું નામ જ ‘ભારત કુમાર’ પડી ગયેલું. મનોજકુમારે લાલ બહાદુર શાસ્ત્રીની વિનંતી પર ઉપકાર (1967) ફિલ્મ બનાવી, પરંતુ શાસ્ત્રીજી આ ફિલ્મ જોઈ શક્યા નહીં. શાસ્ત્રીજીનું અવસાન 1966માં થયું.