વડોદરામાં 13 માર્ચ, 2025ની રાત્રે થયેલ ‘રક્ષિત કાંડ’ તો તમને યાદ જ હશે. જેમાં નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આવી જ એક ઘટના કોલકાતાથી સામે આવી છે. જેમાં ટીવી ડિરેક્ટરે નશાની હાલતમાં લોકો પર કાર ચડાવી દીધી હતી. આ ઘટનામાં એકનું મોત થયુ છે અને છ ઘાયલ થયા છે. પોલીસે ટીવી ડિરેક્ટરની ધરપકડ કરી
કોલકાતાના ઠાકુરપુર બજારમાં એક બંગાળી ફિલ્મ ડિરેક્ટરે પોતાની કારથી 7 લોકોને કચડી નાખ્યા હતા. આરોપી ફિલ્મ ડિરેક્ટર સિદ્ધાંત દાસ ઉર્ફે વિક્ટોની પોલીસે ધરપકડ કરી છે. જોકે, પોલીસ તેની ધરપકડ કરે તે પહેલાં, ગુસ્સે ભરાયેલા ટોળાએ સિદ્ધાંત અને બંગાળી ચેનલના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર શ્રિયા બાસુ, જેઓ તેની સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા, તેમને ઘટના સ્થળ પર જ ધીબેડી નાખ્યા હતા. પોલીસે બંનેને ભીડમાંથી સુરક્ષિત રીતે બચાવ્યા. ચોક્કસથી આ કિસ્સો વડોદરાના ‘રક્ષિત કાંડ’ જેવો છે, તેમાં પણ ભીડે આરોપીને મેથીપાક ચખાડ્યો હતો. મૃતકની ઓળખ અમીનુર રહેમાન તરીકે થઈ છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર ઉપરાંત, તેઓ રાજકારણમાં પણ સામેલ હતા. તેમની ઓળખ CPIMના નેતા તરીકે પણ થઈ હતી. ઘાયલોમાંથી બેને CMRI હોસ્પિટલમાં અને ચારને કસ્તુરી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, ડિરેક્ટર અને ફિલ્મ મેકર શ્રિયા બાસુ તેના ડેલી સોપની સફળતાનું સેલિબ્રેશન કરી રહ્યા હતા. કોલકાતાના સાઉથ સિટી મોલમાં બંનેએ મધ્યરાત્રિ સુધી પાર્ટી કરી. પછી બંને નશાની હાલતમાં શહેરમાં ફરતા હતા. સવારે 9:30 વાગ્યે નશામાં ધૂત સિદ્ધાંતે ડાયમંડ હાર્બર રોડ પાસે પોતાની કાર લોકો પર ચડાવી દીધી. પોલીસનું કહેવું છે કે- બંને એટલા નશામાં હતા કે તેઓ યોગ્ય રીતે ઊભા પણ રહી શકતા નહોતા. નશાના કારણે શ્રિયાની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે જ્યારે પોલીસ તેને કારમાં બેસાડવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તે રસ્તા પર જ બહોશ થઈ પડી ગઈ. પોલીસે આરોપી ડિરેક્ટર સાથે કારને કસ્ટડીમાં લીધી છે. ઉપરાંત, કારમાંથી દારૂની ચાર બોટલો પણ મળી આવી હતી. આરોપી ડિરેક્ટરને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કોલકાતાની ઘટના ગુજરાતના ‘રક્ષિતકાંડ’ને મળતી આવે છે
13 માર્ચ, 2025 હોળીની રાત્રે વડોદરામાં નશો કરી પૂરપાટ ઝડપે કાર દોડાવી રક્ષિત ચૌરસિયાએ આમ્રપાલી રોડ પાસે 8 લોકોને ઉડાવ્યા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 7ને ઈજા થઈ હતી. ઘટના બની ત્યારે કારચાલક રક્ષિત ચૌરસિયા સાથે આગળની સીટ પર બેઠેલો તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ તેનો કોઈ વાંક નથી કહી ભાગી ગયો હતો. અકસ્માત કર્યા પછી પણ રક્ષિતે ‘અનધર રાઉન્ડ’ એવી બૂમો પાડી હતી. પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયાની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. બંને ઘટનાની સામ્યતા વિશે વાત કરવામાં આવે તો કોલકાતામાં બનેલી ઘટનામાં પણ કારમાં બે લોકો સવાર હતા, ગુજરાતમાં પણ બે લોકો સવાર હતા. બંને આરોપી નશાની હાલતમાં ગાડી સ્પીડમાં ભગાવી અને લોકો પર ચડાવી. કોલકાતા એકનું મોત અને 6 ઘાયલ થયા, જ્યારે ગુજરાતમાં એકનું મોત અને 7 ઘાયલ થયા હતા. અકસ્માત પછી બંને ઘટનામાં લોકોએ આરોપીને ધીબેડી નાખ્યો હતો.