આજે વણકહી વાર્તામાં અમે તમને એક ટીવી એક્ટ્રેસની હત્યાની એક ભયાનક વાર્તા જણાવી રહ્યા છીએ, જેણે દરેક સંબંધને શરમજનક બનાવી દીધા. હત્યાની રીત એટલી ભયાનક હતી કે સાંભળનારા પણ સ્તબ્ધ રહી ગયા. આ કુરુગંતી અપ્સરાની વાર્તા છે. કુરુગંતી એક ટીવી એક્ટ્રેસ હતી. તેના પહેલા પતિએ આત્મહત્યા કરી લીધી હતી. આ આઘાતમાંથી બહાર આવ્યા પછી, તે પોતાનું જીવન નવેસરથી શરૂ કરવા માંગતી હતી, તેવામાં એક દિવસ તે અચાનક ગુમ થઈ ગઈ. તે તેના મિત્રો સાથે કોઈમ્બતુર જવાની હતી, તે ઘરેથી નીકળી ગઈ, પણ ન તો તે તેના મિત્રો પાસે પહોંચી કે ન તો તે ક્યારેય ઘરે પાછી ફરી. થોડા દિવસો પછી તેનો મૃતદેહ એક સરકારી ઓફિસ પાસેના સેપ્ટિક ટાંકીમાંથી સડેલી હાલતમાં મળી આવ્યો હતો. ચહેરો ખરાબ રીતે છુંદાઈ ગયો હતો. વાંચો એક્ટ્રેસ કુરુગંતી અપ્સરા હત્યા કેસની વાર્તા, જે એક ગુમનામી જીવન, પૂજારી, લગ્નેત્તર સંબંધ અને કાવતરા સાથે જોડાયેલી હતી- 3 જૂન 2023 ટીવી એક્ટ્રેસ કુરુગંતી અપ્સરાએ તેની બહેનપણીઓ સાથે કોઈમ્બતુરના ભદ્રાચલમ જવાનો પ્લાન બનાવ્યો હતો. મોડી રાત્રે ઘરેથી નીકળવાનું હોવાથી તેણે તેના પાડોશી અયાગરી સાંઈ કૃષ્ણ પાસે બસ સુધી પહોંચાડવા માટે મદદ માંગી. અયાગરી હૈદરાબાદના સરૂરનગરમાં બાંગારુ મિયાસમ્મા મંદિરના પૂજારી હતા. કુરુગંતી લગભગ દરરોજ તેની માતા અરુણા સાથે મંદિરમાં જતી હતી, આમ તેણીની પુજારી અયાગરી સાથે સારી વાતચીત થતી હતી. તેની માતા પણ પૂજારીને પોતાનો ભાઈ માનતી હતી. માતાએ તેને કહ્યું હતું કે, બસમાં બેસતાની સાથે જ ફોન કરીને જાણ કરી દેજે. મોડી રાત્રે લગભગ સાડા 10 વાગ્યે કુરુગંતી, અયાગરી સાથે ઘરની બહાર નીકળી. તે ઘણીવાર તેના મિત્રો સાથે બહાર જતી હતી, તેથી માતાને બહુ ચિંતા નહોતી. નંબર બંધ થઈ જતાં પરિવારે શોધખોળ હાથ ધરી બીજા દિવસે સવારે જ્યારે માતાએ તેને ફોન કર્યો ત્યારે તેનો નંબર બંધ હતો. તેમને ચિંતા થવા લાગી અને ગભરાતા તે મંદિરના પૂજારી પાસે પહોંચી. પૂજારી અયાગરીએ કહ્યું કે, તે મોડી રાત્રે કુરુગંતી તેની બહેનપણીઓ સાથે છોડીને ઘરે પાછો ફર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે, કુરુગંતી બસમાં નહીં પણ કારમાં નીકળી હતી. આ સાંભળીને માતા ચિંતિત થઈ ગઈ. તેણે વારંવાર પૂજારીને પૂછ્યું કે, જો કુરુગંતીએ બસને બદલે કારમાં જવાનું વિચાર્યું હોય, તો તેણે તાત્કાલિક ફોન કરીને જાણ કેમ ન કરી? ત્યારે પૂજારીએ જવાબ આપ્યો કે, તે ઉતાવળમાં પાછો ફર્યો અને ફોન કરવાનું ભૂલી ગયો. 4 જૂનના રોજ કુરુગંતીની માતા અરુણા, પૂજારી અયાગરી સાથે દીકરીને શોધતી રહી. નંબર સતત બંધ આવતો હતો અને તેના વિશે કોઈ સમાચાર પણ મળી રહ્યાં નહતા. પૂજારીની મદદથી માતાએ ફરિયાદ નોંધાવી 5 જૂનના રોજ કંટાળીને અરુણાએ તેની દીકરીના ગુમ થવાની ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. પાડોશીને મુશ્કેલીમાં જોઈને પાદરીએ પણ મદદ કરી અને તેની સાથે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા. કુરુગંતીને જોનાર છેલ્લી વ્યક્તિ પૂજારી હોવાથી, તેમના નિવેદનથી તપાસ શરૂ કરવામાં આવી. પુજારીના નિવેદન મુજબ, તે કુરુગંતીને પોતાની ભાણેજ માનતો હતો, તેની માતા મંદિરમાં આવતી હતી, જેના કારણે તેણે તેને બહેનનો દરજ્જો આપ્યો હતો. 3 જૂનના રોજ રાત્રે 10:30 વાગ્યે, તે કુરુગંતી સાથે નીકળો અને તેને શમશાબાદમાં તેની બહેનપણી પાસે છોડી દીધી. ત્યાર થી જ તેનો ફોન બંઘ છે. CCTV ફૂટેજથી હત્યાનું રહસ્ય ખૂલ્યું પોલીસ તપાસ દરમિયાન, જ્યારે કુરુગંતીના મિત્રોનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે, તે શમશાબાદ તો ગઈ જ નહતી. જેથી પોલીસની સંપૂર્ણ શંકા પૂજારી પર ગઈ. આ શંકાને વિશ્વાસમાં ફેરવવા માટે, પોલીસે સરૂરનગરથી શમશાબાદ સુધીના 21 કિલોમીટરના રૂટના તમામ સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી. ફૂટેજમાં ચોંકાવનારા ખુલાસા થયા. પાદરી કુરુગંતીને લઈને ઘરેથી તો નીકળ્યો હતો પરંતુ તેની બહેનપણી પાસે છોડી ન હતી. ફરિયાદ નોંધાવનાર પૂજારી જ હત્યારો નીકળ્યો બીજા દિવસે, જ્યારે તેની ધરપકડ કરવામાં આવી, ત્યારે તે વારંવાર પોતાનું નિવેદન બદલવા લાગ્યો. થોડા કલાકો વિત્યા જ હતા કે તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. એક પૂજારીની કબૂલાત સાંભળીને દરેક વ્યક્તિ સ્તબ્ધ રહી ગયા. તેની કબૂલાત મુજબ, તે કુરુગંતીને લઈને નીકળો હતો. રસ્તામાં તેને ઊંઘ આવવા લાગી તો તેણે કુરુગંતીનું માથું કારના ડેશબોર્ડ સાથે અથડાવ્યું. જ્યારે તેણી મદદ માટે બૂમો પાડવા લાગી તો તેણે કારમાં રાખેલા એક ભારે પથ્થરથી તેણીના ચહેરાને કચડી હત્યા કરી નાખી. તેણે પહેલાથી જ કુરુગંતીની હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું. પૂજારીએ બે દિવસ સુધી લાશને પાર્કિંગમાં રાખી હત્યા કર્યા પછી પૂજારીએ કુરુગંતીનો મૃતદેહ કારના કવરથી ઢાંકી દીધો અને તેને કારની ડેકીમાં મૂકી દીધો. ઘરે પાછા ફર્યા પછી તેણે પાર્કિંગમાં કાર પાર્ક કરી. જે દિવસે તે તેની માતા સાથે કુરુગંતીને શોધવા માટે ભટકતો હતો, તે દિવસે તેનો મૃતદેહ કારમાં જ પડ્યો હતો. તે થોડી થોડી વારે ઘરે પરત ફરતો હતો અને રૂમ ફ્રેશનર છાંટીને જતો રહેતો હતો. એક તરફ તેણે શોધખોળનો ડોળ કર્યો, બીજી તરફ લાશને ઠેકાણે લગાવી 5 જૂનના રોજ પોતે જાતે પોલીસ સ્ટેશન જઈને ગુમ થયાની ફરિયાદ નોંધાવી તે જ રાત્રે પૂજારીએ પોતાના ઘર અને મંદિર પાસે આવેલી સરકારી મંડળ મહેસૂલ કચેરી પાસેના સેપ્ટિક ટેંકમાં લાશને ફેંકી દીધી. તે જગ્યાએ કોઈ પણ વ્યક્તિ આવતી-જતી ન હતી, જેથી લાશને છુપાવવી તેના માટે ખૂબ સરળ હતી. જ્યારે લાશ સડવાની ગંધ આવવા લાગી, ત્યારે તેણી જાહેરમાં સિમેન્ટથી તેને સીલ કરાવી દીધી. બીજા દિવસે સફાઈના બહાને, તેણે લાલ માટીના બે ટ્રક ટાંકીમાં ઠાલવી દીધા. એક દિવસ પછી, જ્યારે મૃતદેહ સડવાની ગંધ વધવા લાગી, ત્યારે તેણે નજીકના લોકોને ગંધની ફરિયાદ કરી અને ટાંકીને સિમેન્ટથી સીલ કરાવી. એક તરફ પૂજારી અયાગરી, કુરુગંતી શોધવાનો ડોળ કરતો રહ્યો અને બીજી તરફ તે પોતાના રોજિંદા જીવનમાં એટલો વ્યસ્ત રહ્યો કે તેના પર શંકાને કોઈ અવકાશ નહોતો, પરંતુ કમનસીબે, સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા પછી, તેણે પોતે જ પોતાનો ગુનો કબૂલ કરી લીધો. હત્યા કેવી રીતે કરવી તે અંગે ગૂગલ પર શોધતો હતો પૂજારી અયાગરી સાંઈ કૃષ્ણ છેલ્લા ઘણા દિવસોથી કુરુગંતિની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. તેણે ગૂગલ પર ઘણી વખત કેવી રીતે હત્યા કરી શકાય તે સર્ચ કરતો હતો. તેણે મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો અને તેને કેવી રીતે સાચવવું તે પણ જોઈ રાખ્યું હતું. દુનિયાની સામે પૂજારી, પણ ભાણેજ સમાન કુરુગંતી સાથે અફેર હતું હત્યા માટે પૂજારી અયાગરીએ જે કારણ આપ્યું તે પોલીસ તેમજ બંને પરિવારો માટે ખૂબ જ આઘાતજનક હતું. તેણે જણાવ્યું કે, 2023 ની શરૂઆતમાં કુરુગંતી વારંવાર મંદિરે આવતી હતી. કેટલીક સામાન્ય વાતચીતથી શરૂ થયેલી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ, જ્યારે તે દુનિયા સામે કુરુગંતીને ભાણેજ કહીને બોલાવતો હતો. અયાગરી એક્ટ્રેસની માતાને પોતાની બહેન માનતો હતો. કુરુગંતી અને અયાગરી ઘણીવાર સમાજ અને પરિવારથી છુપાઈને સાથે સમય વિતાવતાં હતાં. ઘણી વખત, બંને પોતાના પરિવારને ખોટું બોલીને શહેરની બહાર ફરવા જતા હતા. થોડા અઠવાડિયા પહેલા જ, બંને ગુજરાતના સોમનાથ અને દ્વારકા મંદિરે સાથે ગયાં હતાં. કુરુગંતીનો ગર્ભપાત કરાવ્યો હતો, તેણી લગ્ન માટે દબાણ કરી રહી હતી મે 2023માં, કુરુગંતી ગર્ભવતી થઈ. આ સમય દરમિયાન, તે પૂજારી અયાગરી પર લગ્ન માટે દબાણ કરી રહી હતી, પરંતુ તે આ સંબંધને લોકોથી છુપાવવા માંગતો હતો. કારણ એ હતું કે, તે પહેલાથી જ પરિણીત હતો અને તેને બાળકો પણ હતા. તેણે કુરુગંતીને ગર્ભપાત કરાવવા માટે મનાવી લીધી. આ સમયે પૂજારીએ તેની પત્નીને કહ્યું કે, એક દિવસ કુરુગંતી મંદિરમાં બેભાન થઈ ગઈ હતી અને તે તેને હોસ્પિટલ લઈ ગયો હતો. ગર્ભપાત પછી પણ કુરુગંતી સતત લગ્ન વિશે વાત કરતી હતી. જ્યારે પૂજારીએ તેની પહેલી પત્ની અને બાળકોને છોડવાનો ઇનકાર કર્યો, ત્યારે કુરુગંતીએ ધમકી આપવાનું શરૂ કર્યું કે, જો તે તેની સાથે લગ્ન નહીં કરે, તો તે બધાને બંનેના સંબંધ વિશે જણાવી દેશે. બદનામીના ડરથી, પૂજારી અયાગરીએ કુરુગંતીની હત્યાનું કાવતરું ઘડ્યું. કુરુગંતી એક ટીવી અભિનેત્રી હતી. તે તમિલનાડુના કોઈમ્બતુરની રહેવાસી હતી. તેના પિતાનું વર્ષો પહેલા અવસાન થયું હતું, તેથી તે તેની માતા સાથે એકલી રહેતી હતી. કોઈ ભાઈ-બહેન નહોતા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, કુરુગંતીએ ટીવી શોમાં નાની-મોટી ભૂમિકાઓ કરી. તે તમિલ ફિલ્મોમાં પોતાનો હાથ અજમાવવા માંગતી હતી, જેના કારણે તે અને તેની માતા વારંવાર પ્રોડ્યૂસર્સ અને ડિરેક્ટર્સને મળવાં જતાં. આ દરમિયાન, સોફ્ટવેર એન્જિનિયર કાર્તિક રાજાએ કુરુગંતીના જીવનમાં પ્રવેશ કર્યો. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને લગ્ન કરી લીધાં. લગ્ન પછી પણ કુરુગંતીની માતા અરુણા તેની સાથે જ રહેતી રહી. પહેલા પતિએ આત્મહત્યા કરી, સાસુએ ગંભીર આરોપ લગાવ્યાં હતાં આ લગ્ન ફક્ત થોડા મહિના જ ટક્યા અને એક દિવસ કુરુગંતી તેના પતિને છોડીને ચાલી ગઈ. થોડા દિવસો પછી કુરુગંતીના પતિએ આત્મહત્યા કરી લીધી. સાઉથ પોસ્ટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં, કુરુગંતીના સાસુએ આરોપ લગાવ્યો કે, તે તેના પતિના પૈસાનો દુરુપયોગ કરતી હતી. કુરુગંતીના ખર્ચને પહોંચી વળવા માટે પતિ કાર્તિકે 25 લાખ રૂપિયાની લોન લીધી હતી, પરંતુ જ્યારે પૈસા પૂરા થઈ ગયા, ત્યારે તેઓ સતત ઝઘડવા લાગ્યા. કુરુગંતીની સાસુએ આરોપ લગાવ્યો કે, તેણીએ પોતાના મોંઘા શોખ પૂરા કરવા માટે કાર્તિકનો ઉપયોગ કર્યો. જ્યારે કાર્તિક પાસે પૈસા ખતમ થઈ ગયા, ત્યારે તેણીએ કોર્ટમાં તેના વિરુદ્ધ દહેજ માટે ઉત્પીડનનો ખોટો કેસ દાખલ કર્યો. આ કેસમાં કાર્તિકને 15 દિવસ જેલમાં રહેવું પડ્યું. જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો, ત્યારે કુરુગંતીએ છૂટાછેડા અને ભરણપોષણ માટે કેસ દાખલ કર્યો. કાર્તિક આ કેસથી માનસિક રીતે તૂટી ગયો અને આત્મહત્યા કરી લીધી. કાર્તિકનો પરિવાર કુરુગંતી વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ દાખલ કરવા માંગતો હતો, પરંતુ તેણી તે પહેલાં જ કોઈમ્બતુર શહેર છોડીને ચાલી ગઈ. તેણે બધા નંબરો પણ બંધ કરી દીધાં. તેણીએ તેના સંબંધીઓને પણ કહ્યું ન હતું કે તે તેની માતા સાથે સરૂરનગરમાં રહે છે. જ્યારે કુરુગંતીની હત્યાના સમાચાર અખબારોમાં છપાયા, ત્યારે કાર્તિકના પરિવારને ખબર પડી કે તે હૈદરાબાદમાં રહે છે. પૂજારીને આજીવન કેદની સજા કુરુગંતી અપ્સરાની હત્યાના દોષી સાબિત થયા બાદ માર્ચ 2025માં રંગારેડ્ડી કોર્ટે પૂજારી અયાગરી સાંઈ કૃષ્ણને આજીવન કેદની સજા ફટકારી છે. ઉપરાંત તેના પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી 9 લાખ 75 હજાર રૂપિયા કુરુગંતીના પરિવારને આપવામાં આવશે.