શહેરની મધ્યમાં આવેલા અને શહેરની શાન સમા ઐતિહાસિક માંડવીના 16 પિલર પૈકી ગેંડીગેટ તરફનો પિલર ક્રેશ થતાં તંત્ર દોડતું થયું છે. 291 વર્ષ જૂની ઇમારતના તમામ પિલર પૈકી માત્ર એક જ પિલર કેવી રીતે ક્રેશ થયો તે અંગે તજ્જ્ઞો માથું ખંજવાળી રહ્યા છે. ત્યારે સ્ટ્રક્ચરને વધુ નુકસાન ન થાય અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે આ ઐતિહાસિક ધરોહરને જાળવવા પાલિકા દ્વારા હેરિટેજના જાણકાર કોન્ટ્રાક્ટર પાસે લોખંડના 10 પિલર ઊભા કરાવી કામચલાઉ સપોર્ટ અપાયો છે. હેરિટેજ અંગેનું કામ કરતા અને માંડવી ઇમારતમાં ટેકા મૂકનાર ડો.રામ સવાણીએ કહ્યું કે, સામાન્ય રીતે કોઈ સ્ટ્રક્ચરમાં સેટલમેન્ટ થાય તો તમામ પિલરમાં અસર દેખાય, પરંતુ માત્ર એક પિલર કેવી રીતે ક્રેશ થયો તે સમજાતું નથી. આ માટે સુરતના આર્કિટેક્ટ સુમેશ મોદી એક સપ્તાહમાં પિલર અને સ્ટ્રક્ચર પર રિસર્ચ કરશે. માંડવીનો આધાર મુખ્ય 4 પિલર પર છે અને બાકીના સાઈડ પિલર તરીકે સપોર્ટમાં છે. નોંધનીય છે કે, તાજેતરમાં ન્યાય મંદિર અને અન્ય દરવાજામાં રેસ્ટોરેશન કરાયું હતું, પરંતુ જાળવણી ન થતાં ધૂળ ખાઈ રહ્યા છે. ડો.રામ સવાણીએ જણાવ્યું કહ્યું કે, હેરિટેજ ઈમારતોની યોગ્ય જાળવણી કરવી જોઈએ. જેથી તે ફરી ડેમેજ ન થાય. શું છે હિસ્ટરી | 1734માં મલ્હારરાવે માંડવીનું નીચેનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું
હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટીલે કહ્યું કે, માંડવી બિલ્ડિંગ બનાવતાં પહેલાં ચાર દરવાજા અને કોટ બનાવાયો હતો. તે પછી દામાજીરાવ બીજાના પિતરાઇ મલ્હારરાવ ગાયકવાડ દ્વારા 1734માં માંડવીનું નીચેનું સ્ટ્રક્ચર બનાવાયું હતું. ચાર દરવાજામાં આવતા લોકોને માંડવી થઈને જવું પડે અને ત્યાં ટેક્સ કલેક્શન ચોકી હતી. 1850માં મહારાજા ગણપતરાવ ગાયકવાડે ઉપરનું બિલ્ડિંગ બનાવ્યું હતું. 50 વર્ષ કંઈ ન થાય તેવું કામ કરાશે
ગાયકવાડી સમય અગાઉની ધરોહર અને શહેરની મધ્યમાં રહેલું આકર્ષણ એવા માંડવીને સાચવવા અને આગામી 50 વર્ષ સુધી કંઈ ન થાય તે પ્રમાણે રિસ્ટોરેશન કરવા કોર્પોરેશન દ્વારા આયોજન કરાયું છે. આ કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. રિસ્ટોરેશનમાં કેટલો સમય લાગશે, કયું મટિરિયર વપરાશે તે કહેવું મુશ્કેલ
સુરતના આર્કિટેક્ટ દ્વારા સમગ્ર વિષય પર રિસર્ચ કર્યા બાદ આગળનો નિર્ણય કરાશે. હાલના તબક્કે રિસ્ટોરેશનમાં કેટલો સમય લાગશે, કયું મટિરિયલ વાપરવું, કેટલો ખર્ચો થશે તે કહેવું મુશ્કેલ છે. પિલર વચ્ચેથી કેવી રીતે ક્રેશ થયો તે અંગે પીએચડી કરવું પડે તેવા આર્કિટેક્ટના ઉદગાર હતા. – રાજેન્દ્ર વસાવા, કા.ઈ. ફ્યૂચરિસ્ટિક સેલ, પાલિકા ઐતિહાસિક ઇમારતમાં લોખંડના ટેકા ન મૂકાય તો તૂટી જવાનો ડર હતો
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હેરિટેજ બિલ્ડિંગ સહિત દેશમાં અનેક બિલ્ડિંગોનું રિસ્ટોરેશન કર્યું છે. જોકે આ હેરિટેજ પ્રોપર્ટીમાં આવું ક્રેશ કેવી રીતે થયું તે સમજાતું નથી. જો લોખંડના ટેકા મૂકવામાં ન આવે તો સ્ટ્રક્ચર એક બાજુથી કોલેપ્સ થવાનો પણ ડર હતો. – ડો. રામ સવાણી, સવાણી હેરિટેજ કંપની