એપ્રિલ મહિનો શરૂ થતાં જ ગરમીએ કરંટ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં ગરમીનો પારો રોજેરોજ ઊંચો જઈ રહ્યો છે. અત્યારે એ હાલ છે કે દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. રવિવારે કંડલા એરપોર્ટ પર દેશમાં સૌથી વધુ 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રવિવારે 11 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 44.2 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર શહેર વધુ એકવાર અગનભઠ્ઠી બની ગયું. અમદાવાદમાં પણ તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું હતું. આજે પણ હવામાન વિભાગ દ્વારા 10 શહેરમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં આજે સતત ત્રીજા દિવસે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ અમદાવાદ દ્વારા આગામી 10 એપ્રિલ સુધી રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 08 એપ્રિલ સુધી કચ્છમાં સીવિયર હીટવેવ યથાવત રહેશે.ઉતર ગુજરાતમાં પણ આગામી 04 દિવસ હિટવેવ યથાવત રહેશે. 11 એપ્રિલથી રાજ્યમાંથી હીટવેવ દૂર થાય તેવી શકયતાઓ છે. આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહતમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે ગરમીથી બચવા પુષ્કળ પાણી પીવા, શરીરને સુતરાઉ કપડાથી ઢાંકવા અને માથું ખાસ ઢાંકવા સૂચન કર્યું છે. ઉતર પશ્ચિમી પવનોથી રાજ્યમાં તાપમાનમાં વૃદ્ધિ થઈ છે. જો કે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો પણ આવશે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહીવત છે. ત્યારબાદ તાપમાન 02 થી 04 ડિગ્રી જેટલું ઘટે તેવી સંભાવના છે. 10 એપ્રિલ સુધી ગુજરાત ક્ષેત્ર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સીયસ જેટલું રહેવાની સંભાવના છે. ગુજરાત ક્ષેત્રમાં 10 એપ્રિલ અને કચ્છ તેમજ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 09 એપ્રિલ સુધી હીટવેવ યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા હીટવેવને પગલે આજે કચ્છમાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ, તેમજ સુરેન્દ્રનગર, બોટાદ,ભાવનગર, જૂનાગઢ અને સુરતમાં યેલો એલર્ટ આપવામાં આવેલ છે. આવતીકાલે પણ કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવેલ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. બોટાદ, ભાવનગર અને સુરતમાં આવતીકાલે યલ્લો એલર્ટ આપવામાં આવેલ છે. 09 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં હીટવેવને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. તો મોરબી,સુરેન્દ્રનગર અને રાજકોટમાં હીટવેવને પગલે યલો એલર્ટ આપવામાં આવેલ છે 10 એપ્રિલના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠા ખાતે યલો એલર્ટ આપવામાં આવેલ છે. હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ ગુજરાતના ઇતિહાસમાં એપ્રિલ મહિનામાં કંડલા એરપોર્ટ ખાતે વર્ષ 2019 માં 46.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયેલું છે. જ્યારે અમદાવાદમાં 1958 માં 46.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયેલું છે. 6 એપ્રિલે રાજ્યમાં નોંધાયેલું મહત્તમ તાપમાન વડોદરામાં 41.8 ડિગ્રી ગરમી, ડામર ઓગળ્યો વડોદરા શહેરમાં આજે તાપમાન વધીને 41.8 ડિગ્રીએ પહોંચતાં ડામર ઓગળવા લાગ્યો હતો. આકરી ગરમીને કારણે લોકો અકળાયા રહ્યા છે.