વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માત થંભવાનું નામ લેતા નથી. આજે વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં કારચાલકે નશાની હાલતમાં એક સાથે 10 જેટલા વાહનોને અડફેટે લેતા ભાગદોડ મચી જવા પામી હતી. હાજર લોકોએ ચાલકને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો. કાર ચાલકની કારમાંથી દારૂની બોટલો પણ મળી હોવાનું અને તે નશો કરેલી હાલતમાં હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. એક બાદ એક 10 વાહનોને ટક્કર મારી
આ અકસ્માત શહેરના ખોડીયારનગર ચાર રસ્તાથી એસ.આર. પેટ્રોલ પંપ તરફ જતા માર્ગે, બળીયાદેવના મંદિર નજીક કાર ચાલકે નશાની હાલતમાં રોડ પર રહેલા 10 વાહનોને એકબાદ એક અડફેટે લેતા નાસભાગ મચી જવા પામી હતી. આ અકસ્માતની ઘટના શહેરના મેયર પિન્કીબેન સોનીની સોસાયટીની બહાર બની હતી, જ્યાં દારૂના નશામાં ચકચૂર કારચાલકે એક સાથે 10 વાહનોને અડફેટે લીધા હતા. લોકોએ કહ્યું- ‘ચાલક પીધેલી હાલતમાં હતો’
વડોદરા શહેરમાં દારૂના નશામાં અકસ્માતનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. ફરી એકવાર રક્ષિતકાંડ થતા રહી ગયો છે. નશામાં ધૂત કારચાલક ચિક્કાર પીધેલી હાલતમાં કાર ચલાવી બેફામ ગાડી હંકારતો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો.કાર ચાલક પોતાના પગે ઊભા પણ ન રહી શકાય તેવી નશાની હાલતમાં તેને લોકોએ પોલીસની ગાડીમાં બેસાડ્યો હતો. પોલીસે ચાલકને અટકાયતમાં લઈ તપાસ હાથ ધરી
હાલમાં પોલીસે ચાલકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. આ અકસ્માતની ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે પરંતુ શહરમાં નશામાં ધૂત નબીરા લોકોની જિંદગી સામે રમી રહ્યા છે. ત્યારે આવા કિસ્સાઓમાં ખરેખર દારૂ ક્યાંથી આવે છે અને શા માટે પોલીસ પ્રશાસન અંકુશ નથી લાવી શકતું તે એક સૌથી મોટો સવાલ છે. કોઈ ફરિયાદી નહીં આવે તો સરકાર તરફે ફરિયાદ કરાશે- ACP
આ અકસ્માત અંગે એસીપી એમ.પી. ભોજાણીએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ તે કાર ચાલકને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે. તેના સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે અને ત્યાર બાદ ફરિયાદી કોઈ નહીં આવે તો સરકાર તરફી કરિયર દાખલ કરીશું.