વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીએ ભાજપ શાસિત નગરપાલિકા સામે ગંભીર આરોપો મૂક્યા છે. આપના નેતા મહેન્દ્ર ડોબરીયાએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકામાં રોડ, ભૂગર્ભ ગટર, બાંકડા અને ભીંત ચિત્રોના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તેમણે કહ્યું કે સારી રીતે કામ કરતા કર્મચારીઓને છૂટા કરી, ભાજપના સગા-વહાલાઓની ભરતી કરવામાં આવી છે. જો આ ભ્રષ્ટાચાર નાબૂદ નહીં થાય તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે. બીજી તરફ, ભાજપના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકા સભ્ય નિલેશ દવેએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે કરાર આધારિત કર્મચારીઓનો સમયગાળો પૂરો થતાં તેમને છૂટા કરાયા છે. હજુ નવી ભરતી કરવામાં આવી નથી. તેમણે ઉમેર્યું કે બે દિવસ પહેલા ચીફ ઓફિસરને બદલવામાં આવ્યા છે. નિલેશ દવેએ વધુમાં જણાવ્યું કે વહીવટદાર શાસન દરમિયાન થયેલી કોઈપણ કામગીરીની તપાસ કરાવવામાં આવશે. તેમણે આરોપ મૂકનારાઓને પુરાવા રજૂ કરવા પડકાર ફેંક્યો છે. ચૂંટણી નજીક આવતા વિપક્ષો માત્ર આક્ષેપબાજી કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું છે.