સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025-26થી એટલે કે, નવા વર્ષથી પરીક્ષા ફીમાં 10%નો વધારો કરવામાં આવ્યો છે, જેનો માર અઢી લાખ વિદ્યાર્થીઓ ઉપર પડશે. જેમાં રૂ.30થી રૂ.200નો વધારો કરવામાં આવ્યો છે. જેને યુનિવર્સિટીની સર્વોપરી બોડી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનુ કહેવું છે કે, આ ફી વધારો અંદાજે 20 વર્ષ પછી કરવામાં આવ્યો છે. ફી વધારો નવા શૈક્ષણિક વર્ષથી લાગૂ પડશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના OSD નિલેશ સોનીના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષા ફીમાં અંદાજે 20 વર્ષ પછી મામૂલી ફી વધારો કરવામાં આવેલો છે. જે ફી વધારાને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મંજૂરી આપવામાં આવેલી છે, જે નવા શૈક્ષણિક વર્ષથી લાગૂ પડશે. એમબીએ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સની ફીમાં 200નો વધારો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો, એજયુકેશન અને હ્યુમન રાઇટ્સ સહિતની ફેકલ્ટીમાં ચાલતા કોર્સમાં પરીક્ષા ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બીએ અને બીકોમની પરીક્ષા ફી રૂ. 270થી વધારી રૂ. 300 કરવામાં આવી છે. તો એમબીએ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી રૂ. 1000થી વધારી રૂ.1200 કરવામાં આવી છે.