સાઉદી અરેબિયાએ 14 દેશો માટે વિઝા સર્વિસ હંગામી રીતે રદ કરવામાં આવી છે. આ દેશોમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ઉમરાહ, બિઝનેસ અને ફેમિલિ વિઝિટ માટેના વિઝા જૂનના મધ્ય સુધી પ્રતિબંધિત રહી શકે છે. આ સમય દરમિયાન, મક્કામાં હજ યાત્રા થશે. માહિતી મુજબ, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી સંપૂર્ણ રજિસ્ટ્રેશન કર્યા વગર હજ પર જતા લોકોને રોકી શકાય. જોકે, જેમની પાસે ઉમરાહ વિઝા છે તેઓ 13 એપ્રિલ સુધી સાઉદી અરેબિયા પહોંચી શકે છે. આ વર્ષે હજ યાત્રા 4 જૂનથી 9 જૂન સુધી ચાલશે. અહેવાલો અનુસાર, અસરગ્રસ્ત મુસાફરોને નવા નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરે છે, તો તેના સાઉદી અરેબિયામાં પ્રવેશ પર આગામી પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. આનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર રીતે હજ કરનારાઓને રોકવાનો છે અહેવાલો અનુસાર, આ પ્રતિબંધ એટલા માટે લગાવવામાં આવ્યો છે કારણ કે ઘણા વિદેશી નાગરિકો ઉમરાહ અથવા વિઝિટ વિઝા પર સાઉદી અરેબિયા આવે છે અને પછી હજમાં ભાગ લેવા માટે ગેરકાયદેસર રીતે ત્યાં રહે છે. આનાથી ભારે ભીડ થાય છે અને ગરમી પણ વધે છે. 2024ના હજ દરમિયાન આવી જ ઘટનામાં ઓછામાં ઓછા 1,200 યાત્રાળુઓ માર્યા ગયા હતા. સાઉદી અરેબિયામાં હજ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે, એક ક્વોટા સિસ્ટમ અમલમાં છે જેના હેઠળ દરેક દેશના હજ યાત્રીઓની નિશ્ચિત સંખ્યામાં મુસાફરી કરવાની મંજૂરી છે. પરંતુ ઘણી વાર લોકો તેને અવગણે છે. હજ મંત્રાલયે કહ્યું – નિર્ણય પાછળ કોઈ રાજકીય વિવાદ નથી આ પ્રતિબંધ પાછળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ એક મુખ્ય કારણ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક વિદેશી નાગરિકો સાઉદી અરેબિયામાં ગેરકાયદેસર રીતે વ્યવસાયિક અથવા પારિવારિક વિઝાનો ઉપયોગ કરીને કામ કરી રહ્યા હતા, વિઝા નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા અને શ્રમ બજારમાં અસંતુલન ઉભુ કરી રહ્યા હતા. સાઉદી હજ અને ઉમરાહ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ પગલું કોઈ રાજદ્વારી વિવાદ સાથે સંબંધિત નથી, પરંતુ હજ યાત્રાને સુરક્ષિત અને વધુ સારી રીતે ગોઠવવા માટે લેવામાં આવેલ નિર્ણય છે.