back to top
HomeગુજરાતGhbli ટ્રેન્ડ બની શકે છે ખતરો:ફ્રી ઇમેજ બનાવવાની આવતી લિંક-મેસેજ ખોલતા પહેલાં...

Ghbli ટ્રેન્ડ બની શકે છે ખતરો:ફ્રી ઇમેજ બનાવવાની આવતી લિંક-મેસેજ ખોલતા પહેલાં સાવચેત રહેવું હિતાવહ; ફુલ એક્સેસ આપવાથી ડેટા ચોરીની પ્રબળ શક્યતા

સોશિયલ મીડિયાના યુગમાં રોજ-બરોજ માર્કેટમાં નવી એપ્લિકેશન અને નવી-નવી વેબસાઈટ ઉપલબ્ધ થઇ રહી છે. તેવામાં હાલમાં છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર Ghbli આર્ટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં કોઈ પણ સાદી તસવીરને એકદમ જાદુઇ Ghbli ફિલ્મ જેવી અથવા એક પ્રેમાળ કાર્ટૂન જેવી અલગ જ એનિમેટેડ ઇમેજ તૈયાર થઇ જાય છે. ચેટજીપીટીએ Ghbli સ્ટાઇલ ફીચર લોન્ચ કર્યું, તેમાં માત્ર એક જ કલાકની અંદર 10 લાખ યૂઝર્સ જોડાયા હતા. જો કે, હવે આ Ghbli ટ્રેન્ડથી લોકોની ગોપનીયતાનો પણ ખતરો બની શકે છે. કારણ કે, માત્ર બેથી ત્રણ ઇમેજ નિઃશુલ્ક બનાવી આપ્યા બાદ વધુ ઇમેજ જનરેટ કરવા માટે સબ્સ્ક્રિબશન લેવું ફરજીયાત બની જાય છે. આ તકનો લાભ લઈને ફ્રીમાં તસવીર બનાવવાની લાલચ આપી સાયબર માફિયાઓ લોકોના મોબાઈલ ફોન પર એક્સેસ મેળવી તેમના ડેટાનો દુરૂપયોગ કરી બ્લેકમેઇલ કરી રૂપિયા પણ પડાવી શકે છે. આ માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા ખાસ લોકોને અપીલ કરી લાલચમાં આવી નાણાકીય ફ્રોડનો શિકાર ન બનવા સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ફ્રીની લાલચમાં લોકો તમામ એક્સેસ આપી દેશેઃ ACP
રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસના ઇન્ચાર્જ એસીપી ચિંતન પટેલે જણાવ્યું હતું કે, હાલમાં Ghbli ટ્રેન્ડ પર જે એનિમેટેડ ઈમેજીસ બનાવવામાં આવે છે. કેટલીક સાઈટ ઉપર બેથી ત્રણ ઈમેજીસ ફ્રી બનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ સબ્સ્ક્રિબસન લેવું પડતું હોય છે. લોકો જયારે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરે અથવા ટેલિગ્રામ કે વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર મેસેજ આવે અને લિંક આવે જેની મદદથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કે વેબસાઈટ એક્સેસ કરવા માટે કહેવામાં આવે છે. તેમાં ફ્રી Ghbli ઇમેજ ક્રિએટ કરી આપવાની લાલચ આપવામાં આવે છે. ‘અનનોન વ્યક્તિ ફોટા-વીડિયો મોર્ફ કરી બ્લેકમેઇલ કરી શકે’
તેમને વધુમાં જણાવ્યું હતું કે, ફ્રીની લાલચમાં લોકો અનનોન એપ્લિકેશન કે અનનોન વેબસાઈટ પર જતા હોય છે, જેમાં ગેલેરી તેમજ કોન્ટેક્ટ્સ જેવી ઈમ્પોર્ટન્ટ ડેટા એક્સેસ આપી દેતા હોય છે. આ પછી ફોટા-વીડિયો મોર્ફ કરી બાદમાં તેનો દૂર ઉપયોગ કરી બ્લેકમેઇલ કરી રૂપિયાની માંગણી પણ કરવામાં આવી શકે છે. ફ્રોડ ન થાય તેના માટે લોકોએ ખાસ કાળજી રાખવી જરૂરી છે. લોકોએ ટ્રસ્ટેડ એપ્લિકેશન સ્ને વેબસાઇટનો જ ઉપયોગ કરવો જોઈએ. ફ્રીની લાલચ ન કરવી જોઈએ અને જે ટ્રસ્ટેડ રજીસ્ટર્ડ એપ્લિકેશન વેબસાઈટ હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ. એટલે કોઈ પણ અજાણી લિંક કે મેસેજ મારફત એપ્લિકેશન કે વેબસાઈટ ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ‘સાયબર માફિયાની જાણમાં ફસાવ તો પોલીસને જાણ કરો’
પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ પણ કરવામાં આવી રહી છે કે, જ્યારે પણ તમને આ પ્રકાર સાયબર માફિયાઓ દ્વારા પોતાની જાળમાં ફસાવી રૂપિયાની માંગણી કરવામાં આવે અથવા બ્લેકમેઇલ કરવામાં આવે તો તેમનાથી ડરવાની કોઈ જરૂર નથી. માત્ર ને માત્ર તાત્કાલિક અસરથી 1930 સાયબર હેલ્પલાઇન નંબર પર કોલ કરી સાયબર ફ્રોડ અંગે જાણ કરવી, જેથી કરી તાત્કાલિક અસરથી પોલીસ સાયબર અપરાધીઓ સુધી પહોંચી શકે અને તમને મદદરૂપ પણ બની શકે. તમે પોતે ફોટો અપલોડ કરો ત્યારે પ્રાઈવસી કાનૂન બદલી જાય
આ ‘Ghbli ઇફેક્ટ’ માત્ર એક કૂલ ટ્રેન્ડ નથી, પરંતુ એક ગ્રે ઝોન છે. અલગ-અલગ દેશોના પ્રાઈવસી કાનૂન હોય છે, પરંતુ જ્યારે તમે પોતે ફોટો અપલોડ કરો છો તો નિયમ બદલાઈ જાય છે. જો OPEN AI જેવી કંપનીઓ ઇન્ટરનેટ પરથી ફોટો ઉઠાવે છે તો તેઓને કડક નિયમો માનવા પડે છે. પરંતુ જો તમે જાતે જ તમારો ફોટો આપો છો તો તેઓના હાથ ખુલી જાય છે. AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટૂલ પર ફોટો અપલોડ કરવા સમયે જો તમે ‘opt-out’ ન કર્યું તો તમારો ડેટા AI મોડલને ટ્રેન કરવામાં ઉપયોગ થઇ શકે છે, ત્યાં સુધી કે તમારા ડેટાનો પર્સનલાઇઝ્ડ એડ્સ તરીકે પણ ઉપયોગ થઇ શકે છે અને AI વીડિયો જનરેશન મારફતે ખતરો બમણો થઇ જાય છે. એટલે જ આપણે ધ્યાનપૂર્વક શરતો અને નિયમો વાંચવા જોઈએ. ભરોસાપાત્ર પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો હીતાવહ
જ્યારે પણ કોઇ AI ટૂલનો ઉપયોગ કરવામાં આવે તો એ સમયે તે જરૂર વિચારવું જોઈએ કે શું ટેક કંપનીઓ તમારો ડેટા વેચી શકે છે? શું તમારો ડેટા તેમની પાસેથી પરત લઈ શકો છો? તેનો જવાબ એ નાની-નાની શરતોમાં છૂપાયેલો હોય છે, જેને કોઇ વાંચતું જ નથી. એઆઇ આર્ટ જનરેટરના નિયમો ખૂબ જ જટિલ હોય છે. તેઓ આપણને ડેટાના ઉપયોગ અંગે વિસ્તારથી જણાવતા નથી એટલે માત્ર ભરોસાપાત્ર પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments