સુરત શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં આજે લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. કોઈ માતા પોતાના ત્રણ મહિનાની બાળકીને લઈ ગોલ્ડ મેડલ લેવા પહોંચી હતી તો બીજી તરફ એક પિતા પોતાના પુત્રના મરણોઉપરાંત મળેલી ડિગ્રી લેવા માટે હાજર રહ્યા હતા. મૃત પુત્રની ડિગ્રી અને મેડલ લેવા પહોંચ્યા પિતા
એક પિતા માટે આ ક્ષણ માત્ર ગૌરવની જ નહીં પરંતુ પીડાની પણ હતી. વલસાડના ઇમ્તિયાઝ અહેમદ પોતાના મૃતક પુત્ર નકીબ્રઝાની ડિગ્રી લેવા આવ્યા હતા. તેમના પુત્રનું છ મહિના પહેલાં એક અકસ્માતમાં નિધન થયું હતું. નકીબ્રઝાએ B.SCમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત થયો હતો. દુ:ખદ ઘટના પછી પણ પિતાએ પુત્રના સપનાને જીવંત રાખવા માટે યુનિવર્સિટીમાં આવીને તેની ડિગ્રી અને મેડલ પ્રાપ્ત કર્યો હતો. એસટી બસ સાથે થયેલા અકસ્માતમાં પુત્ર ગુમાવ્યો
ઇમ્તિયાઝ અહેમદે જણાવ્યું હતું કે, મારો પુત્ર પીએચડી કરવા માગતો હતો. ગત વર્ષે ફિઝિક્સમાં તે પ્રથમ ક્રમે આવ્યો હતો. આ માટે તને ગોલ્ડ મેડલ મળ્યો છે. 15 સપ્ટેમ્બરના રોજ એક રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. વલસાડ ખાતે નદી નજીક એક એસટી બસ સાથે થયેલા અકસ્માતમાં મેં મારા પુત્રને ગુમાવ્યો છે. આ ઘટના અંગે મારાથી બોલાતું નથી. દીકરાની ડિગ્રી જોઇને ખૂબ જ ગર્વ અનુભવ થઈ રહ્યો છે. જ્યારે જીવિત હોત ત્યારે નાનપણથી કોઈપણ પરીક્ષા માટે મેડલ લઈને આવતો હતો. આજે તે નથી તેમ છતાં તેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. દીકરી સાથે માતા પહોંચી ડિગ્રી અને ગોલ્ડ મેડલ લેવા
બીજી તરફ નવસારીની નિરાલી શાહે ત્રણ મહિનાની દીકરી ‘અવધી’ને ખોળે લઈને મંચ ઉપર પોતાને ગુજરાતી લિટરેચરમાં મળેલા ગોલ્ડ મેડલને પોતાના નામે કર્યો હતો. નિરાલીએ લગ્ન પછી પોતાનું ભણતર ચાલુ રાખ્યું હતું. પહેલાં કોર્મસની વિદ્યાર્થિની રહી ચૂકેલી નિરાલીએ લગ્ન બાદ ગુજરાતી વિષય પંસદ કરી BA, BEd અને માસ્ટરની ડિગ્રી પૂર્ણ કરી હતી. આજે તેના પરિવારના સહકારના કારણે તે ગોલ્ડ મેડલ મેળવી શકી હતી. હું મારી દીકરીને લઇ ગોલ્ડ મેડલ લેવા આવી છું
નિરાલી શાહે જણાવ્યું હતું કે, મારી માટે આ ખુશીની પળ છે કે ડિગ્રી લેવા માટે હું મારી દીકરીને લઈને આવી છું. લગ્ન પછી મારી આ જર્ની સ્ટાર્ટ થઈ હતી. હું પહેલાં કોર્મસની વિદ્યાર્થિની હતી. પરંતુ સિલેબસ ટફ રહેશે તેથી ગુજરાતીમાં એડમિશન મેળવ્યું. ગુજરાતી ભાષા મારો પહેલેથી જ પસંદગીનો વિષય રહ્યો છે. હું મારી દીકરી અવધીને લઇને અહીં ગોલ્ડ મેડલ લેવા માટે આવી છું. હું જોઇન્ટ ફેમિલીમાં રહું છું અને તમામ લોકોએ મારી ખૂબ જ મદદ કરી છે. જોઇન્ટ ફેમિલીના જ કારણે આજે હું આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શકી છું. ચાર પેઢી એક સાથે રહે છે. મારો મુખ્ય ઉદ્દેશ છે કે ગુજરાતમાંથી ગુજરાતી ભાષા હું ડિલીટ થવા નહીં દઉં. હું મારી દીકરીને પણ ગુજરાતી ભાષામાં જ ભણાવીશ. વિદ્યાર્થીઓને કેસરી સાફા પહેરાવવામાં આવ્યા હતા
આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તમામ મહાનુભવો પરંપરાગત ધોતી-કુર્તામાં મંચ પર જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓને કેસરી સાફા પહેરાવવામાં આવ્યા હતા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સમારોહની શરૂઆત થઈ હતી. વિવિધ ફેકલ્ટીમાં પદવી એનાયત કરાઈ
મહાનુભાવોના હસ્તે સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. જેમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સના 1,459, ફેકલ્ટી ઓફ એજ્યુકેશનમાં 189, ફેકલ્ટી ઓફ સાયન્સમાં 1,502, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી ઇન્કલુડિંગ એન્જિનિયરિંગમાં 2, ફેકલ્ટી ઓફ લોમાં 204, ફેકલ્ટી ઓફ મેડિસિનમાં 390, ફેકલ્ટી ઓફ હોમિયોપેથીમાં 173, ફેલક્ટી ઓફ કોમર્સમાં 5,207, ફેકલ્ટી ઓફ રૂરલ સ્ટડીમાં 44, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટમાં 21, ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સમાં 1,132 અને ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચરમાં 92 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.