ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં આજે ડબલ હેડર એટલે કે એક દિવસમાં બે મેચ છે. દિવસની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. આ સીઝનમાં અત્યાર સુધી, બંને ટીમે 4-4 મેચ રમી છે. બંનેએ 2-2 જીત મેળવી છે અને 2 હારનો સામનો કરવો પડ્યો છે. IPLમાં અત્યાર સુધી, કોલકાતા અને લખનઉ વચ્ચે ઇડન ગાર્ડન્સ ખાતે 2 મેચ રમાઈ છે, જેમાંથી બંનેએ 1-1 મેચ જીતી છે. KKR એ છેલ્લી મેચ 2024 માં જીતી હતી. પહેલી મેચની પ્રીવ્યૂ… મેચ ડિટેઇલ્સ, 21મી મેચ
KKR Vs LSG
તારીખ- 8 એપ્રિલ
સ્ટેડિયમ- ઈડન ગાર્ડન્સ કોલકાતા
સમય: ટૉસ – બપોરે 3:00 વાગ્યે, મેચ શરૂ – બપોરે 3:30 વાગ્યે લખનઉ હેડ ટુ હેડમાં આગળ હેડ ટુ હેડના આંકડાઓમાં લખનઉનો હાથ ઉપર છે. અત્યાર સુધીમાં IPLમાં બંને ટીમ વચ્ચે કુલ 5 મેચ રમાઈ છે. લખનઉએ 3 અને કોલકાતાએ 2 જીત મેળવી છે. જેમાં કોલકાતાને છેલ્લી જીત મે 2024માં મળી હતી. અંગક્રિશ રઘુવંશી KKRનો ટૉપ સ્કોરર આ સીઝનમાં અત્યાર સુધીમાં, KKRના 4 અલગ-અલગ ખેલાડીઓએ ટીમ માટે અડધી સદી ફટકારી છે. જ્યારે બેટર અંગક્રિશ રઘુવંશી ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 4 મેચમાં કુલ 128 રન બનાવ્યા છે. તેણે છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 50 રનની ઇનિંગ રમી હતી. તેના પછી, કેપ્ટન અજિંક્ય રહાણે બીજા સ્થાને છે, જેણે 4 મેચમાં કુલ 123 રન બનાવ્યા છે. તેણે RCB સામે 56 રનની ઇનિંગ રમી હતી. બોલિંગમાં વરુણ ચક્રવર્તી ટોચ પર છે. તેણે ટીમ માટે 4 મેચમાં કુલ 6 વિકેટ લીધી છે. તેણે છેલ્લી મેચમાં SRH સામે 4 ઓવરમાં 3 વિકેટ લીધી હતી. જ્યારે બોલર વૈભવ અરોરાએ પણ 3 મેચમાં 6 વિકેટ લીધી છે. તેણે હૈદરાબાદ સામે 29 રન આપીને 3 વિકેટ લીધી હતી. LSG માટે નિકોલસ પૂરન ફોર્મમાં લખનઉ સુપર જાયન્ટ્સના નિકોલસ પૂરન અત્યાર સુધી IPL 2025માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે પહેલી 4 મેચમાં 201 રન બનાવ્યા છે. તેણે દિલ્હી કેપિટલ્સ સામે 75 રનની ઇનિંગ રમી હતી. તેમના પછી, બેટર મિચેલ માર્શે 4 મેચમાં 184 રન બનાવ્યા છે. માર્શે DC સામેની પહેલી મેચમાં 76 રન બનાવ્યા હતા. તો શાર્દૂલ ઠાકુર લખનઉના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે. શાર્દૂલે અત્યાર સુધી 4 મેચમાં 7 વિકેટ લીધી છે. તેણે SRH સામે 34 રન આપીને 4 વિકેટ લીધી. તેના પછી બોલર દિગ્વેશ રાઠીએ 4 મેચમાં 6 વિકેટ લીધી છે. તેણે દિલ્હી સામે 2 વિકેટ લીધી હતી. પિચ રિપોર્ટ
ઈડન ગાર્ડન્સની પિચ બેટર્સ માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે. જોકે, જેમ જેમ રમત આગળ વધે છે, સ્પિનરોને પણ અહીં ઘણી મદદ મળી શકે છે. અત્યાર સુધીમાં અહીં 95 IPL મેચ રમાઈ ચૂકી છે. પ્રથમ ઇનિંગમાં પહેલા બેટિંગ કરનારી ટીમ 39 મેચમાં જીતી છે અને ચેઝ કરતી ટીમ 56 મેચમાં જીતી છે. વેધર અપડેટ
મંગળવારે કોલકાતામાં હવામાન ગરમ રહેશે. આજે અહીં ખૂબ તડકો રહેશે. વરસાદની બિલકુલ આશા નથી. તાપમાન 25 થી 34 ડિગ્રી સેલ્સિયસ સુધી હોઈ શકે છે. પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), એડન માર્કરમ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, દિગ્વેશ રાઠી, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, આવેશ ખાન, શાર્દૂલ ઠાકુર, આકાશ દીપ.