JITO(જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા 9 એપ્રિલે ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્વપૂર્ણ આયોજન જૈન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે. જે અદભૂત ક્ષણ સાબિત થશે. નવકાર મહામંત્રનો મૂળ સંદેશ બધા જીવો પ્રત્યે સ્નેહ અને આદરનો છે. આ મૂલ્ય ઘણા ધર્મોના મૂળ સિદ્ધાંતો સાથે મેળ ખાય છે. એટલું જ નહીં, નવકાર મહામંત્ર અહિંસાનો મજબૂત સંદેશ આપે છે. આ મૂલ્ય જૈન ધર્મ ઉપરાંત હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને અન્ય ઘણા ધર્મોમાં પણ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. આ મંત્રોચ્ચાર થકી આત્મ- શુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસના માધ્યમથી વિશ્વનું કલ્યાણ પણ થશે. આ નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનશે. આ કાર્યક્રમ 9 એપ્રિલના રોજ સવારે 8-01 વાગ્યાથી અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે આવેલા ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ-GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે. મોદી JITO એપેક્સના દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે હાજર રહેશે
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી JITO એપેક્સના દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ રહેલા મુખ્ય કાર્યક્રમથી ઉપસ્થિત રહી સમગ્ર ભારતને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતા તેમજ તમામ જૈન સમુદાય જેમ કે, શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ, સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુની આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહેશે. ગચ્છાધિપતિ, આચાર્ય, સાધુ-સાધ્વીજી ભગવંતો નવકાર મહામંત્રના આશીર્વાદ આપવા માટે પધારશે. જીતો અમદાવાદના હોદ્દેદારો તેમજ વિવિધ સંઘોના અગ્રણીઓ પણ હાજરી આપશે. સંઘો મોટી સંખ્યામાં કળશ લઈને આવશે
કાર્યક્રમ પહેલા જ શહેરમાં કળશયાત્રા શરુ કરાઈ છે. જે જીએમડીસી ખાતે પૂર્ણ થશે. આ કળશયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં કળશ આપવામાં આવ્યા છે. અમદાવાદના તમામ જૈન મંદિરોમાંથી કળશ જૈન સમુદાયના લોકો દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે, આ કળશની પૂજા કરી નવકાર મંત્રના જાપની પણ માળાઓ કરવામાં આવી રહી છે. 9 એપ્રિલે રોજ મોટી સંખ્યામાં સંઘો કળશને લઈને આવશે અને સામૂહિક નવકાર મંત્રનો જાપ કરશે. મુખ્યમંત્રીને કળશ અર્પણ કરાયો
વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને JITO, અમદાવાદના ચેરમેન ઋષભ શાહ, ચીફ સેક્રેટરી મનીષ ડી. શાહ તથા નવકાર દિવસ કન્વીનર તથા પૂર્વ ચેરમેન આસિત શાહે મંગલ કળશ અર્પણ કર્યું હતું. નવકાર મંત્ર કેમ મહત્વપૂર્ણ મંત્ર?
નવકાર મંત્ર એ જૈન ધર્મનો એક મહત્વપૂર્ણ મંત્ર છે આ આયોજન કરવાના અનેક હિતકારી કારણો છે, નવકાર મંત્રનો નિયમિત જાપ કરવાથી મન શાંત અને સ્થિર બને છે. ચિંતા, તણાવ અને ઉદાસીથી રાહત અને માનસિક શાંતિ આપે છે, પાપોનો નાશ થાય છે, પૂણ્ય વધે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં મંત્ર જાપથી આત્મજ્ઞાન મળે છે, લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે તથા સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. એટલા માટે જ તો રોજિંદા જીવનમાં નવકાર મહામંત્રનું જૈન ધર્મમાં ખૂબ જ મહત્વ છે, જે અન્ય ધર્મોમાં પણ ખૂબ આદર પામે છે. તેના મૂલ્યો અને સંદેશની ઘણા ધર્મોમાં પ્રશંસા કરવામાં આવી છે. અન્ય ધર્મોમાં નવકાર મહામંત્ર પ્રત્યે દ્રષ્ટિકોણ જોઈએ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. 6000થી વધુ દેરાસર અને સ્થાનક પર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ
ઉલ્લેખનીય છે કે, આ પાવન દિવસ પર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 25000થી વધુ લોકો જોડાશે. ભારત સહિત વિશ્વના વિવિધ.. દેશોમાંથી લાખોની સંખ્યામાં લોકો જોડાશે. આ ઉપરાંત 100થી વધુ અનુષ્ઠાન અને 6000થી વધુ દેરાસર અને સ્થાનક પર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ દેરાસરો, ઉપાશ્રયો તથા વિવિધ જગ્યાએ કરાશે જેનો વિશ્વભરના લોકો લાભ લેશે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો જોડાવા માટે ખૂબ આતુર છે. કેમ કે, આ આયોજન જાતીય બંધનોને તોડીને તમામ સમુદાયના લોકોને સાથે લાવશે અને એકતા તેમજ સદભાવનાનો સંદેશ વિશ્વભરના લોકો સુધી પહોંચશે. આ આયોજન થકી જૈન સમાજ અને જીતો પરિવાર વિશ્વ કલ્યાણ્યના આ વિચારને જન જન સુધી પહોંચાડવાનું એક માધ્યમ બનશે. GMDCમાં 7-30 વાગ્યે બેઠક ગ્રહણ કરી લેવી
આ કાર્યક્રમને લઇને બે દિવસ પહેલાં અમદાવાદ શહેરના ઇન્કમટેક્ષ ખાતે અમદાવાદ જુદા જુદા જૈન સંઘો સાથે યોજાયેલી મિટિંગમાં આ અંગે JITO અમદાવાદના ચેરમેન ઋષભ શાહે જણાવ્યું કે, 9 એપ્રિલની સવારે 8-01 મિનિટે કાર્યક્રમ શરૂ થશે. પ્રસંગ મોટો છે એટલે આપણે 7-30 વાગ્યે બેઠક ગ્રહણ કરી લઇશું. 25 હજાર વ્યક્તિ પધારવાના હોવાથી ઝીણામાં ઝીણી તૈયારીઓ કરી છે. આટલું મોટું ગેધરીંગ અને સમૃધ્ધ પરિવાર હોય વાહન લઇને આવે અને ઓટોમેટેડ એપથી પાર્કીંગનું એલોકેશન થઇ જાય અને સેલ્ફ ડ્રાઇવ કરીને લાવ્યા હોય કોઇપણ વ્હીકલને નજીકમાં નજીક જગ્યાએ પાર્કિંગ મળી જશે. પાર્કિંગ પ્લોટથી મંડપ સુધી મૂકવાની પણ વ્યવસ્થા કરી છે. સમાજના બીજા વર્ગને બસ થકી આવવા માગે છે. તેવા સંજોગોમાં બસ પહોંચાડવાનું કામ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને એસ.ટી. વિભાગે આપણને ખાતરી આપી છે. આપણે 450થી વધુ બસનું પ્લાનિગ કર્યું છે. એ પણ ઓટોમેટેડ એપ અને સંઘના માધ્યમથી અમે સિસ્ટમાઇઝ કર્યું છે. એ પ્રકારની વ્યવસ્થાથી કોઇપણ નોર્મલ માણસ કોઇપણ વ્યથા વગર નવકાર મંત્રના જાપ કરવા પહોંચી જશે. તેમણે ખાતરી આપતાં કહ્યું કે, આ પ્રસંગ આપણાં સૌના માટે લ્હાવો થઇ જશે. આવો પ્રોગ્રામ તમે કયારે અનુભવ ના કર્યો હોય તેવો અનુભવ કરાવવાની જવાબદારી અમે લઇએ છીએ. સંઘર્ષના સમયના સાથી આપણાં સૌ માટે તો નવકાર મંત્ર જ છે: હર્ષ સંઘવી
જૈન સંઘોને સંબોધતાં ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ખૂબ સારો અવસર છે. સંઘર્ષના સમયના સાથી આપણાં સૌ માટે તો નવકાર મંત્ર જ છે. JITOને એટલા માટે અભિનંદન આપું છું અને JITOના કાર્યને હું એટલા માટે દિલથી સહયોગ કરુ છું કે જૈન સમાજના કયારેય કોઇ ભાગની અંદર JITO નથી પડયું. JITO જૈન સમાજના પ્રત્યેક વ્યક્તિ માટે હંમેશા ઊભું રહ્યું છે. PM મોદી આવી રહ્યા છે એ ગૌરવની વાત: JITO એપેક્ષના વાઇસ ચેરમેન
આ કાર્યક્રમમાં JITO એપેક્ષના વાઇસ ચેરમેન હિંમાંશુ શાહે જણાવ્યું છે કે, 2600 વર્ષથી આપણું શાસન છે. ચારેય ફિરકા જોડે અને ચારેય ફિરકાના મનમાં નવકાર, નવકાર, નવકાર છે. સૌથી વધારે દેશોમાં થઇ રહ્યું છે. સૌથી મોટી વાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે. આપણાં જૈન સમાજ માટે ગૌરવની વાત છે. બેંગ્લોર, ચેન્નાઇ, પુના, નાગપુર, બધાના ઘરે ઘરે નવકારના કારણે JITO પહોંચ્યું છે. એક પરિવારે પાંચ પરિવારને લઇને આવવાનું છે. આટલા મોટા ગ્રાઉન્ડમાં આપણે બધાં ભેગાં થઇને નવકારનો એક નાદ ગુંજાવીશું તો એની એનર્જી, એની શક્તિ બહુ અલગ છે. સૌથી મોટી વાત આપણને પહેલીવાર આપણાં જન્મમાં નવકારની પ્રભાવના કરવાનો લાભ મળ્યો છે. તો બસ મારી એટલી વિનંતી છે કે ચોક્કસ 9 તારીખે આપણે સમૂહમાં બધાં લોકો જોડાઇએ. જ્યારે JITO, અમદાવાદના વાઇસ ચેરમેન વૈભવ શાહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, 9 એપ્રિલ નવકાર મંત્ર મહાદિવસ. આ દિવસે 100થી વધારે દેશોમાંથી તેમજ ભારત વર્ષમાંથી લાખ્ખો લોકો નવકાર મંત્રના સામૂહિક જાપમાં જોડાઇ રહ્યાં છે. આપણાં અમદાવાદમાં પણ લગભગ 25 હજાર લોકો જીએમડીસી ગ્રાઉન્ડમાં સામૂહિક જાપ કરવા જઇ રહ્યાં છે. આ જાપમાં જોડાવવાનું સૌને આમંત્રણ પાઠવતાં તેમણે વધુમાં કહ્યું કે, આ માટે સૌએ સવારે 7 વાગ્યે જીએમડીસી ગ્રાઉન્ડમાં પહોંચી જવાનું છે અને આ પહોંચવા માટેના પાસ તેમ જ સ્થળ પર પહોંચવા માટેની વ્યવસ્થા તમારે તમારા સંઘના કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી છે. તો સાથે મળી વિશ્વ કલ્યાણ અને વિશ્વા શાંતિ માટે આ જાપમાં જોડાઇએ. વિશ્વશાંતિ માટે નવકાર મંત્રનું આયોજન: જૈનિક વકીલ
JITO, અમદાવાદના બોર્ડ મેમ્બર તેમજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કાઉન્સિલર તથા સી.એ. જૈનિક વકીલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, નવકાર મંત્રનું સ્મરણ કરવાનું ખૂબ મોટાપાયે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ઇન્ડિયા તથા વર્લ્ડના તમામ JITO ચેપ્ટરમાં અને ખાસ કરીને અમદાવાદમાં પણ તેનું આયોજન કરવામાં આવ્યું છે. JITO એપેક્ષના વાઇસ ચેરમેન હિંમાશુભાઇ શાહ આ આખાય પ્રસંગનું નેતૃત્વ કરે છે. તેમની સાથે JITO અમદાવાદ ચેપ્ટરના ચેરમેન ઋષભ શાહ ખભાથી ખભા મિલાવી રહ્યાં છે. નવકાર મંત્રનું આ આયોજન વિશ્વની શાંતિ માટે કરવામાં આવ્યું છે. એક સાથે આટલાં બધાં નવકાર ગણાય એનાથી કેટલી ઉર્જા ઉત્પન્ન થાય, કેટલાં તેના સ્પંદનોથી વર્લ્ડમાં શાંતિ ફેલાય ફક્ત આ જ હેતુથી આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામમમાં ખાસ કરીને એક કળશનું આયોજન કરવામાં આવ્યું છે. તે કળશ દરેક જૈનોના સંઘમાં આપવામાં આવ્યાં છે. જે કળશના વાઠુંક હોય જેમને નવકાર ગણવા હોય કળશ સંઘમાંથી પોતાના ઘરે લઇ જઇને નવકાર ગણવાનું હાલ આયોજન ચાલી રહ્યું છે. 450થી વધુ કળશ જીએમડીસી ગ્રાઉન્ડમાં મૂકવામાં આવશે. આ કળશની સામે જ બધાં નવકાર ગણશે. કળશ પર મહારાજ સાહેબ વાસ્કેપ નાંખશે
આ કળશ પર મહારાજ સાહેબ વાસ્કેપ નાંખશે. વિશ્વની શાંતિ માટે આ એક ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને જૈનોના મહારાજ સાહેબોએ પણ કહેવું પડ્યું છે કે આ આયોજન કરવાનું અમારા મગજમાં પણ નથી આવ્યું. પરંતુ JITO સંસ્થાએ કર્યું એ ખૂબ પ્રશંસનીય છે. આનાથી ભવિષ્યમાં 9 એપ્રિલ વર્લ્ડ નવકાર દિવસ તરીકે જાહેર થાય તેના માટે પણ પ્રયત્ન કરવામાં આવશે. 9મી એપ્રિલના દિવસે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને જૈન સમાજની લાગણી ના દુભાય અને તેમની લાગણીને ઠેસ ના પહોંચે તેના માટે સ્લોટર હાઉસ, મટન શોપ, ફીશ શોપ, ચીકન શોપ બંધ રાખવાનો પણ નિર્ણય કર્યો છે. તે પણ ખૂબ સરાહનીય છે. ‘આ આયોજનનો પ્રભાવ વિશ્વના દરેક લોકો અને દરેક જીવો પર પડશે’
આમ કુલ મળીને આખો પ્રસંગ જીવદયા અને વિશ્વની શાંતિ માટેનો છે. આ સ્કેલ પર આયોજન પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે. આપ વિચારી શકો છો કે ફક્ત અમદાવાદ શહેરમાં જો 25 હજાર લોકો એક જ દિવસે એક સામટા નવકાર ગણે તો આખા હિન્દુસ્તાન અને આખા વિશ્વમાં કેટલાં લોકો નવકાર ગણે એટલે આ જે આયોજન છે તે પહેલી વખત થઇ રહ્યું છે. મને ચોક્કસ ખાતરી છે આ આયોજનનો પ્રભાવ વિશ્વના દરેક લોકો અને દરેક જીવો પર પડશે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, કેટલાં નવકાર મંત્ર ગણાશે તે નક્કી થયું નથી. પરંતુ કેટલાં લોકો ઉપસ્થિત રહે છે. ઘણાં લોકો સ્થળ પર જ નહીં ઘરે પણ નવકાર ગણી શકે છે. પણ આયોજન એવું છે કે કરોડો નવકાર મંત્ર એકસાથે ગણાય. કળશ ખૂબ સુંદર રીતે બનાવવામાં આવ્યો છે. આ કળશમાં જુદા જુદા મહારાજ સાહેબના વાસ્કેપ પણ નાંખવામાં આવ્યા છે. આ કળશ બનાવ્યા પછી કળશમાં પણ એક કળશ સામે જ્યારે હજારો-લાખ્ખો નવકાર મંત્ર ગણાતાં હોય. અત્યારે પણ તે પ્રક્રિયા ચાલુ છે. ‘દસ દિવસ પહેલાથી જુદી જુદી જગ્યાએ કળશ મૂકી દેવામાં આવ્યા’
દસ દિવસ પહેલાથી જુદી જુદી જગ્યાએ કળશ મૂકી દેવામાં આવ્યા છે. જે લોકો પોતાના ઘરે લઇ જાય છે. અને નવકાર મંત્ર ગણાય છે. એટલે એવું માની શકાય કે એક કળશ સંઘવાળા પોતાને ત્યાં લઇ જશે ત્યારે એક કળશમાં લાખ્ખો મંત્રો ગણાયા છે.એટલે ચોક્કસપણે તે કળશનું એક સાબદુ મહત્વ છે. અને આગામી દિવસોમાં વિશ્વ શાંતિ માટે સારો પ્રયાસ JITO, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યો છે. કળશનું શું કરવું તે દરેક સંઘે નક્કી કરવાનું છે કોને આપવો અને સંઘ પોતાની પાસે રાખી શકે છે અને સંઘને લાગે કે કોઇ વ્યક્તિને આપવો છે તો તેને પણ આપી શકે છે. પરંતુ આ કળશ પધરામણી નથી કરવાની, સંઘ પોતાની પાસે રાખી શકે છે. આ કાર્યક્રમને ગ્રીનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા માટેનો ચોક્કસ પ્રયાસ કરીશું નોર્મ્સ પ્રમાણે ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય તો તે દરેક જૈન માટે આ તો જૈન નહીં બલ્કે જૈનેતરો પણ નવકાર ગણતાં હોય છે. આ જૈન અને જૈનેતર માટે ખૂબ મોટી પ્રશસ્તિની વાત કહી શકાય.