ચૈત્ર માસમાં યોજાતી ઉત્તરવાહિની નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામપુરા ખાતે રણછોડજી મંદિરે દર્શન કર્યા હતા. જ્યાં તેઓએ નર્મદા ઘાટ પર મૈયાની પૂજા-અર્ચના કરી હતી. ભૂપેન્દ્ર પટેલ પ્રથમ મુખ્યમંત્રી છે કે જેઓએ આ પરિક્રમા સ્થળની મુલાકાત લીધી છે. આ બાદ મુખ્યમંત્રી ધરમપુર પહોંચ્યા હતા. જ્યાં બરૂમાલ ધામમાં રજતોત્સવમાં ભાગ લઇ ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો છે. જે બાદ અંબાજીમાં સાંજે 4 વાગે આર્ચરી રમત સ્પર્ધાને ખુલ્લી મૂકશે. ભાવભાવેશ્વર મંદિરમાં રજત જયંતી મહોત્સવ
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા બરૂમાલ ધામના ભગવાન ભાવભાવેશ્વર મંદિરમાં રજત જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 8થી 12 એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય ‘સંકલ્પ સનાતન સમારોહ 2025’માં દેશભરના દિગ્ગજો ઉપસ્થિત રહેશે. આજે કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો બાદ શિવભક્તોને સંબોધન કર્યું હતું. ‘સદગુરુ ધામે ઘરે ઘરે જઇને સનાતન ધર્મની જ્યોત જગાવી’
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભાવભાવેશ્વર ભગવાનનું મંદિર પ્રેરણાનો સ્ત્રોત છે. આજનો આ કાર્યક્રમ રાષ્ટ્રને વિશ્વ ગુરુ બનાવવાના સંકલ્પને સાકાર કરતો કાર્યક્રમ છે. આ વિસ્તારમાં પહેલાં વ્યસન, કુરિવાજ જેવી અનેક બદીઓ જોવા મળતી પણ સદગુરુ ધામે ઘરે ઘરે જઇને સનાતન ધર્મની જ્યોત જગાવી છે. અત્યારે દરેક ઘરમાં ગીતા અને ગંગા જોવા મળે છે. ‘શિક્ષણની સાથે આરોગ્ય સેવામાં પણ યોગદાન’
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ સંસ્થાએ શિક્ષણની સાથે આરોગ્ય સેવામાં પણ યોગદાન આપ્યું છે, આ સંસ્થા અંતરિયાળ વિસ્તારમાં જઇને સેવા કરે છે. જે સનાતન સંસ્કૃતિનું ઉદાહરણ છે. આપણી સંસ્કૃતિ ગૌ-ગંગા અને ગાયત્રીની સંસ્કૃતિ છે. અહીં 250થી વધુ ગાયોની સેવાનો યજ્ઞ ચાલે છે. આપણે સૌ વિશ્વ કલ્યાણના સંકલ્પ સાથે આગળ વધીશું તો વિકસિત ભારત 2047 અને વિશ્વ ગુરુ જરૂર બનશે. ‘ભારતને વિશ્વગુરુ બનાવવાનું વૈચારિક આંદોલન’
બરૂમાલ ધામના મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું કે, ભાવભાવેશ્વર મહાદેવ ત્રયોદશ જ્યોતિર્લિંગ છે. આ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પણ ભારતને વિશ્વગુરુ બનાવવાનું વૈચારિક આંદોલન છે. મહોત્સવમાં દરરોજ હોમ-હવન અને કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ વિવિધ દિગ્ગજો હાજરી આપશે
‘સંકલ્પ સનાતન સમારોહ 2025’માં આજે મુખ્યમંત્રીએ હાજરી આપી છે. આવતીકાલે એટલે કે 9 એપ્રિલે રાજસ્થાન ભાજપ અધ્યક્ષ મદન રાઠોડ, 10 એપ્રિલે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, 11 એપ્રિલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે. જ્યારે 11 એપ્રિલે પંડિત વિનાયક શર્મા હનુમાન ચાલીસા અને હનુમાન ચરિત્ર પર કથા કરશે. જ્યારે 12 એપ્રિલે RSS પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે. મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે દેશ-વિદેશના ભક્તો અને સંતો આ ઉત્સવમાં પધારી રહ્યા છે. આ કાર્યક્રમ ભારતની સનાતન પરંપરાને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો અવસર બનશે. મુખ્યમંત્રીએ પરિક્રમાર્થીઓ સાથે સંવાદ કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું. જે બાદ તેઓએ પરિક્રમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. છેલ્લા દસ દિવસમાં 4 લાખથી વધુ પરિક્રમાવાસીએ દર્શનનો લાભ લીધો છે. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, હજારો વર્ષોથી ચાલતી આ પરિક્રમા છેલ્લા દસ વર્ષમાં વધુ પ્રખ્યાત બની છે. નર્મદામૈયાના અવતરણથી ગુજરાત હરિયાળુ થયું : CM
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નર્મદામૈયાના અવતરણથી ગુજરાત કેટલું હરિયાળુ થયું છે તે આપણે સૌ જાણીએ છીએ. નર્મદાના આવવવાથી આપણા ગુજરાતમાં વર્ષોથી જે પાણીની તંગી હતી તે, દૂર થઇ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ લાંબુ વિચારીને વ્યવસ્થિત રીતે આયોજન કરી નહેરને છેક કચ્છ સુધી પહોંચાડી અને લોકોની બધી તરસ દૂર કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપ સૌએ આ પરિક્રમા કરી છે અથવા કરવાના હશો. તો આપ સૌનું પણ કાંઇ સૂચન હોય તો જણાવી શકો છો. આ ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર છે. ભારતભરના લોકો અહીં આવે છે. તો આપના સૂચનો તમામ પરિક્રમાવાસીઓને મદદરૂપ થશે. યાત્રાળુઓની સુવિધા માટે આ વર્ષે વિશેષ વ્યવસ્થા
ગત વર્ષોમાં લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓની સુવિધા માટે આ વર્ષે ગુજરાત સરકારે વિશેષ વ્યવસ્થા કરી છે. ગુજરાત પ્રવાસન યાત્રાધામ બોર્ડને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના નેતૃત્વમાં વહીવટી તંત્રએ સુંદર આયોજન કર્યું છે. સ્થાનિક ગ્રામજનો પણ યાત્રાળુઓની સેવામાં જોડાયા છે. નિયમિત અંતરે વિસામો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. લેડી કોન્સ્ટેબલ ઢળી પડી
મુખ્યમંત્રીના આગમનમાં પોલીસ બંદોબસ્તમાં પોલીસજવાનો ખડેપગે રહે છે. ત્યારે, આજરોજ મુખ્યમંત્રી આગમ સમયે જ એક લેડી પોલીસકોન્સ્ટેબલને ચક્કર આવતાં તે ઢળી પડી હતી. પોલીસજવાનો તેમને હાજર મેડિકલ સ્ટાફ પાસે લઇ ગયા હતા. જ્યાં તાત્કાલિક તેમને સારવાર આપવામાં આવી હતી