ધોલેરા તાલુકાના ઓતારીયા ગામમાં એક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનના એક ભાગમાં પશુઓના ચારા માટે રાખવામાં આવેલા કડબના જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. લગભગ દોઢ કલાકની સખત મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. જો કે, મકાનની છત સહિતનો મોટો ભાગ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.