રાજકોટમાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર ઝૂંપડું બાંધી દારૂનો ધંધો કરતી મહિલા બૂટલેગર પંખુ વેરસીંગ સોલંકીના ઝૂંપડા અને ધાર્મિક દબાણને હટાવી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. મહિલા બૂટલેગર સામે 20 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. જ્યારે પોલીસ દબાણ હટાવવા પહોંચી ત્યારે પોલીસ અને મહિલા બૂટલેગર વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયાં હતાં. જ્યારે દબાણ હટાવતા સમયે ઝૂંપડામાંથી દારૂ ભરેલો કોથળો મળી આવતા પોલીસે વધુ એક ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. દબાણ દૂર ન કરતા બુલડોઝર ફેરવી દેવાયું
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાવડી પોલીસ ચોકીથી નજીક સરકારી જગ્યા ઉપર દબાણ કરી જુદાં જુદાં ઝૂંપડાં બનાવી અંદર જ દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હતું. આ દારૂનું વેચાણ મહિલા બૂટલેગર પંખુ વેરસીંગ સોલંકી દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જેથી પોલીસે તેને નોટિસ પાઠવી આ દબાણ દૂર કરવા સૂચના આપી હતી, પરંતુ દબાણ દૂર કરવામાં ન આવતા આજે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા મામલતદાર તેમજ પીજીવીસીએલ ટીમને સાથે રાખી બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ડિમોલિશન સમયે અંદરથી દારૂનો કોથળો મળ્યો
મહિલા બૂટલેગર પંખુ વિરુદ્ધ પ્રોહિબિશનના 20 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. તેમજ પાછલી લોકસભાની ચૂંટણી સમયે પણ તેના વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે તેનો પરિવાર લૂંટના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસ જ્યારે ડિમોલિશન કરવા પહોંચી ત્યારે પણ ઝૂંપડામાં અંદરથી દેશી દારૂની પોટલીઓ ભરેલો કોથળો મળી આવ્યો હતો. જે કબજે કરી અલગથી ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. બૂટલેગર અને પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયાં
ડિમોલિશન દરમિયાન મહિલા બૂટલેગર અને પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં અને ઝૂંપડા સાથે સાથે એક નાનું મંદિર પણ બનાવવામાં આવ્યું હતું. જેનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ જ જગ્યા ઉપર લગભગ છેલ્લાં દોઢ વર્ષ કરતાં વધુ સમયથી ઝૂંપડામાં દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયું
આ ઉપરાંત ગઇકાલે મોડી રાત્રે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ઝોનમાં આવેલા રૈયા ધાર મેઇન રોડ પર એક દરગાહ અને બે ડેરીનાં દબાણો રોડ પરથી તોડી પાડવામાં આવ્યાં હતાં. સરકારના આદેશથી રસ્તા પરનાં ધાર્મિક દબાણો તોડવા માટે સમયાંતરે કાર્યવાહી થતી રહે છે. એ જ રીતે ગત સપ્તાહ દરમિયાન કુવાડવા રોડ પર આવું જ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. બાદ ગઇકાલે રાત્રે મનપા અધિકારીઓની ટીમે ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી રૈયાધાર રોડ પર ડિમોલિશન કર્યુ હતું. અનેક દબાણો દૂર કરી જગ્યા ખૂલી કરાઈ
વોર્ડ નં.1માં રૈયાધાર મેઇન રોડ પર એટલાન્ટિસ હિલ બિલ્ડિંગ પાસે આવેલા ગેબનશાહ પીરની દરગાહનું 10 ચો.મી.માં પથરાયેલું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. આ દબાણ ટીપી શાખાના લિસ્ટમાં લાંબા સમયથી હતું, પરંતુ ડિમોલિશનમાં વિલંબ થતો હતો. આ સાથે જ આ રોડ પર સાગર ડેરી પાસે આવેલ રોકડિયા હનુમાનજી મંદિરની દેરી અને આગળ ધરમનગર મેઇન રોડના ખૂણે આવેલી હનુમાનજીની ડેરીનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન મોડી રાત્રે કરવામાં આવ્યું હોવા છતાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને શાંતિથી દબાણ હટાવવામાં આવ્યાં હતાં.