ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. દેશભરથમાં કોંગ્રેસના નેતાઓ ગુજરાતના મહેમાન બન્યા છે. ત્યારે તેઓને આવકારવા માટે ગુજરાત કોંગ્રેસે કોઈ કસર છોડી નથી. ગુજરાતી આવી રહેલા રાહુલ, સોનિયા, પ્રિયંકા સહિતના નેતાઓ ગુજરાતી ભોજનનો સ્વાદ માણી શકે તે માટે નાસ્તામાં ગરમાગરમા ફાફડા-જલેબી, ભજીયા જ્યારે બપોરના ભોજનમાં ગુજરાતી ઊંધિયું અને ખમણ સહિતના વ્યજંન પીરસાશે. ભોજન ઉપરાંત દેશભરમાંથી પધારેલા નેતાઓને ગુજરાતમાં ભાષાને લઈ કોઈ તકલીફ ન પડે તેનું પણ ગુજરાત કોંગ્રેસે ધ્યાન રાખ્યું છે. આ સમગ્ર આયોજન બાબતે કોંગ્રેસના નેતાઓએ ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. કોંગ્રેસના નેતાઓ નાસ્તમાં ફાફડા અને ભોજનમાં ઊંધિયાની મોજ માણશે
આ અધિવેશનમાં આવનારા ડેલિગેટ્સને ભોજન અને નાસ્તામાં શું શું પિરસવામાં આવશે એ અંગે હિંમતસિંહે કહ્યું કે, આ બધા જ લોકો ગુજરાતમાં આવી રહ્યાં છે ત્યારે સ્વાભાવિક રીતે અમારો બધાનો અને તમામ આગેવાનોની પણ લાગણી છે કે, અમને ગુજરાતી ભોજન ખવડાવજો એટલે ભોજનમાં ખાસ કરીને ઉંધિયું, ઢોકળા, ખમણ અને બાકીનું રેગ્યુલર મેનું છે. જ્યારે નાસ્તામાં ફાફડા, જલેબી અને ભજિયા સહિતની વેરાયટી નાસ્તામાં આપવામાં આવશે. ખાસ કરીને આ મહેમાનોને ફાફડા, જલેબી ગરમ ગરમ ખાવા મળે એ માટે સ્થળ ઉપર જ લાઈવ બનાવવામાં આવશે. જે બાદ બપોરના સમયે ભોજન પીરસવામાં આવશે જ્યારે રાત્રીનું ભોજન તેમની હોટલમાં રહેશે. ભાષાની તકલીફ ન પડે તે માટે અલગ અલગ રાજ્યોની ભાષાની કમિટી બનાવવામાં આવી
અહીં આવનારા ડેલિગેટ્સ અલગ અલગ રાજ્યોમાંથી આવી રહ્યાં છે ત્યારે તેમને ભાષાકીય કોઈ મુશ્કેલી ન આવે તેની પણ ખાસ તકેદારી રખાઈ છે. આ અંગેની વિગતો આપતાં ગુજરાત મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે કહ્યું, આ અધિવેશનમાં 38 રાજ્યોમાંથી અંદાજે 1700 કરતાં વઘારે ડેલિગેટ્સ આવવાના છે. તેમને આમંત્રણ આપવા માટે જે તે રાજ્યની જે તે ભાષાના સભ્યોની એક કમિટિ બનાવી હતી. ગુજરાતથી જ્યારે આમંત્રણ મોકલવામાં આવ્યું ત્યારે એ લોકોને તેમની ભાષામાં આમંત્રણ મળે એ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેનીબેન ઠુમ્મરે કહ્યું, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડું કે જ્યાં ભાષાની ડિફિકલ્ટી આવતી હોય છે એટલે નાનામાં નાની બાબતનું પણ ધ્યાન રાખીને જે તે ભાષાના જાણકાર ડેલિગેટ્સ પાસે અમે ફોન કરાવ્યાં છે. આવું જોઈને એ ડેલિગેટ્સ પણ ખૂબ જ ખુશ થઈ ગયા છે કે અમે આટલાં વર્ષોથી અધિવેશનોમાં જઈએ છીએ પણ આવું પહેલી વાર જોવા મળ્યું છે. આ કામગીરીમાં અમારા શક્તિસિંહની ખૂબ જ અવાર નવાર ટકોર હતી કે, બધા જ મેમ્બર્સને આમંત્રણ પત્રિકામાં મારે હ્યુમન ટચ આપવો છે એટલે અમે પ્રયાસ કર્યો છે. આ ટીમમાં કેવા ક્રાઈટેરિયાના આધારે સભ્યોની નિમણૂક કરવામાં આવી એ અંગે પૂછતાં જેનીબેન ઠુમ્મરે કહ્યું, સૌથી પહેલાં અમે આ કામગીરી માટે 117 લોકોની પસંદગી કરી હતી. જેમાંથી 57 લોકોની પસંદગી કરી હતી. પસંગદગીના ધોરણમાં પણ અમે એવું રાખ્યું હતું કે જે પોતે કોંગ્રેસ પાર્ટીમાં હોય અને તેનો પરિવાર પણ કોંગ્રેસ પાર્ટીમાં હોય સાથે જ એ જે-તે સ્ટેટના છે અને હાલ ગુજરાતમાં વસે છે પણ તેમના તે રાજ્યના ફેમિલિ મેમ્બર્સ કોંગ્રેસની વિચાર ધારા સાથે સંકળાયેલા હોય તેમની પસંદગી કરી હતી. સાથે જ જે-તે રાજ્યની ભાષા સાથે હિન્દી અને અંગ્રેજી પણ આવડું હોય એટલે આ બે પ્રકારના ક્રાઈટેરિયાના આધારે અમે પસંદગી કરી હતી. જેનીબેન ઠુમ્મરે કહ્યું, એક વાર તેમની ભાષામાં તેમને આમંત્રણ તો અપાઈ ગયું પરંતું અહીં આવે ત્યારે પણ તેમને કોઈ મુશ્કેલી ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે અહીં આવીને જો કોઈ ડેલિગેટ્સને કોઈ મુશ્કેલી થાય અને તે એ વ્યક્તિનો સંપર્ક કરશે તો તેમની મદદ માટે ચોક્કસથી એ જ વ્યક્તિ પહોંચશે.