ચિંતન રાવલ, જૈનુલ અંસારી
અમદાવાદમાં વાહનોની સંખ્યામાં સતત વધારો, સાંકડા રસ્તા, આડેધડ પાર્કિંગ, લારી-ગલ્લાનાં દબાણોને કારણે થતાં ટ્રાફિકમાં દિવસભર 108 એમ્બ્યુલન્સ ફસાતી રહે છે. સવારે અને સાંજે પીક અવર્સમાં તો 108ને કોલ મળ્યા બાદ દર્દી સુધી પહોંચતા અને ત્યાંથી હોસ્પિટલ પહોંચાડવામાં સરેરાશ કરતાં 3થી 4 મિનિટનો વિલંબ થઈ રહ્યો છે.
‘દિવ્ય ભાસ્કર’એ પીકઅવર્સ દરમિયાન 108માં બેસીને ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરતાં આ બાબત જાણવા મળ્યું કે, નરોડા, કાલુપુર, સરખેજમાં તો 5થી 7 મિનિટ સુધી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ રહે છે. 2023ની સરખામણીએ 2024માં એમ્બ્યુલન્સને સ્પોટ પરથી દર્દી સુધી પહોંચવામાં સરેરાશ એક મિનિટનો વધારો નોંધાયો છે. જ્યારે પીક અવર્સ એટલે સવારે 8થી 11 અને સાંજે 5થી 8ના ગાળામાં આ સમય વધીને 2થી 4 મિનિટ સુધીનો થઈ ગયો છે. અમદાવાદમાં 120 પોઇન્ટ એવા છે, જ્યાં 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાય છે, જેમાંથી 101 પોઇન્ટ પરથી દર્દી સુધી પહોંચવામાં 2થી 4 મિનિટનો વિલંબ થાય છે. નરોડા પાટિયા : ઈમર્જન્સી કોલ મળતાં જ 10 મિનિટમાં દર્દી સુધી પહોંચ્યા. દર્દીને લઈને હોસ્પિટલ પહોંચવામાં 31 મિનિટ લાગી, કારણ કે 108 ટ્રાફિકમાં ફસાઈ હતી. નરોડા પાટિયા પાસે રસ્તા પર કામ ચાલી રહ્યું હતું અને સિગ્નલ હોવા છતાં લોકો નિયમ ભંગ કરી રહ્યા હતા જેના કારણે રસ્તો જામ થઈ ગયો અને 108 ફસાઈ ગઈ.
કાલુપુર : કોલ મળતા જ લોકેશનથી ચાર મિનિટમાં 108 દર્દી સુધી પહોંચી ગઈ. પરંતુ સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે કાલુપુર રેલવે સ્ટેશન પાસે ડાઈવર્ઝન આપેલા રસ્તા પર રિક્ષાઓ આડેધડ ઊભી રહી જતાં રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેના કારણે પાંચ મિનિટ 108 ટ્રાફિકમાં ફસાઈ રહી અને કુલ 36 મિનિટ હોસ્પિટલ પહોંચતા લાગી.
સરખેજ : કોલ મળતા એસજી હાઈવે પરથી નીકળ્યા ત્યારે સિગ્નલ બંધ હોવાથી 108ને સર્વિસ રોડ પર દોડાવી હતી. આગળ જતા આડેધડ રીતે પાર્ક કરેલી કારોના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. અહીં 7 મિનિટ સુધી 108 ફસાયેલી રહી. ધીમે ધીમે ટ્રાફિક ક્લિયર થતાં આગળ વધ્યા હતા અને 18 મિનિટે દર્દી સુધી પહોંચ્યા. ત્યારબાદ 1 મિનિટની અંદર દર્દીને બેસાડી 11 મિનિટમાં હોસ્પિટલ પહોંચાડ્યો. કોલ મળતાં 30 સેકન્ડમાં એમ્બ્યુલન્સ નીકળી જાય છે
ઇમર્જન્સીનો કોલ મળતાં 108 એમ્બ્યુલન્સ તેના પોઇન્ટ પરથી 30 સેકન્ડની અંદર જ નીકળી જાય છે. તેમાં ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશિયનની ટીમ, જરૂરી મેડિકલ કિટ રાખવામાં આવે છે, જેથી હોસ્પિટલ પહેલાં પ્રાથમિક સારવાર આપી શકાય. CTM : અહીં આડેધડ પાર્કિંગને લીધે અડચણ
આ રોડ પર બીઆરટીએસ ટ્રેકનો ઉપયોગ કરવો 108 માટે શક્ય નથી, કેમ કે ઘણાં વાહનો ટ્રેકમાં ઘૂસી જતાં હોય છે. રોડ સાઇડ પાર્ક થતાં વાહનોના કારણે અડચણ થાય છે.
અજિત મિલ : રોંગસાઇડ વાહનોને લીધે મુશ્કેલી
બ્રિજની નીચે બંને બાજુ રિક્ષાઓ પાર્ક કરી દેવાતી હોવાથી રસ્તો બ્લોક થઈ જાય છે. આ રસ્તા પર રોંગસાઇડ મૂવમેન્ટ હોવાના કારણે ટ્રાફિક ફ્લો અટવાય છે.
થલતેજ : દરેક વળાંકે રિક્ષાને કારણે ટ્રાફિક જામ
મેટ્રો સ્ટેશનની નીચે રસ્તો એકદમ સાંકડો થઈ ગયો હોવાને કારણે ટ્રાફિક મૂવમેન્ટ અટકી જાય છે. દરેક ટર્ન પર રિક્ષાઓ ઊભી રહે છે. રિસ્પોન્સ ટાઈમ વધવાના સૌથી મોટાં 3 કારણ… સાંકડા રસ્તા, આડેધડ પાર્કિંગ અને દબાણ