ફૂડ કે ગ્રોસરીની ડિલિવરીની એપ બનાવીએ ને હજારો ડિલિવરી બોય કામે લાગી જાય એને આપણે સ્ટાર્ટઅપ કહીએ છીએ? સ્ટાર્ટઅપ જોવું હોય તો જુઓ કે ચીન શું કરે છે… સ્ટાર્ટઅપમાં ભારત ક્યાં છે? કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ આવું બોલી ગયા એટલે દેશભરના સ્ટાર્ટઅપ્સ ફોરમમાં વિવાદ જાગ્યો. કોઈએ પીયૂષ ગોયલના નિવેદનને વખોડ્યું તો કોઈ સંમત થયા, પણ તેમણે સ્ટાર્ટઅપ વિશે જે વાત કરી એ વિચારવા જેવી ખરી. સવાલ એ છે કે ચીન જેવાં સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે ભારતે શું શું કરવું પડશે? નમસ્કાર, 2016થી ભારતમાં સ્ટાર્ટઅપ કલ્ચર શરૂ થયું. છેલ્લાં નવ વર્ષનું સરવૈયું કાઢીએ તો ખ્યાલ આવે કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભારતનો નંબર વિશ્વમાં ત્રીજો છે. કેન્દ્રીય મંત્રી એવું તે શું બોલી ગયા, જેના કારણે વિવાદ થયો…
દિલ્હીમાં સ્ટાર્ટઅપ મહાકુંભ 2025: આ નામથી યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ પહોંચ્યા હતા. તેમણે જે સંબોધન કર્યું એમાં એવી વાતો કરી, જેના કારણે દેશભરમાં ચર્ચા જાગી ગઈ છે. પીયૂષ ગોયલે શું કહ્યું એ વાંચો,
ભારતનાં સ્ટાર્ટઅપ્સ આજના સમયમાં શું કરી રહ્યાં છે? આપણું ધ્યાન ફૂડ ડિલિવરી એપ તરફ વધારે છે. આપણે ભણેલા-ગણેલા બેરોજગાર યુવાનોને ફૂડ ડિલિવરી કરાવીને મજૂર બનાવી રહ્યા છીએ, એટલે અમીરોને ઘરની બહાર નીકળ્યા વગર ભોજન મળી જાય. તમે જુઓ… ચીનના સ્ટાર્ટઅપ્સ શું કરી રહ્યાં છે? એ લોકો ઇલેક્ટ્રિક મોબિલિટી અને બેટરી ટેક્નોલોજીને ડેવલપ કરવા માટે કામ કરી રહ્યા છે, જેના કારણે ચીન આજે ઈલેક્ટ્રિક મોબિલિટી ઈકો સિસ્ટમ ક્ષેત્રમાં ખૂબ આગળ છે. ભારતે જે અત્યારસુધી જે કર્યું છે એના પર મને ગર્વ છે, પણ શું આપણે દુનિયાથી સારું ન કરીએ છીએ? એનો જવાબ છે- ના. હજી તો નથી કરતા. શું આપણે હજી સારું કરવાની અપેક્ષા રાખવી જોઈએ કે ડિલિવરી બોય કે ડિલિવરી ગર્લ બનીને સંતોષ માની લેવો જોઈએ? હેલ્ધી આઇસક્રીમ, ઝીરો ગ્લૂટન ફ્રી વીગનના નામે બધું બનાવીને સારું પેકેજિંગ કરીને બિઝનેસ કરીએ છીએ. એને આપણે સ્ટાર્ટઅપ કહીએ છીએ? આ સ્ટાર્ટઅપ નથી. ઓન્ટ્રપ્રેન્યોરશિપ (ઉદ્યોગ કરવાનું સાહસ) છે. બીજી તરફ સેમિકન્ડક્ટર ફિલ્ડ ગ્રોથ કરી રહ્યું છે. AI સિસ્ટમ આપણા પોતાના દેશની બની રહી છે. અલગ અલગ ચિપ્સ, AI મોડલ્સ દુનિયાના દરેક દેશ બનાવી રહ્યા છે. આ ટેક્નોલોજી દેશના ભવિષ્યનું નિર્માણ કરશે. ભારતે શું બનાવવું છે? આઇસક્રીમ બનાવવો છે કે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવી છે? આના માટે આપણે બધાએ હિંમત કરવી પડશે. હું જાણું છું કે મારા નિવેદન પછી ઘણાને તકલીફ પડશે કે તમે બીજા દેશ સાથે કેમ કમ્પેર કરો છો? ભલે તકલીફ પડે. મને કોઈ વાંધો નથી. આપણે શીખવા માટે તૈયાર રહેવું જોઈએ. આપણે શ્રેષ્ઠ બનવું પડશે અને એના માટે સાહસી બનવું પડશે. આપણે કોમ્પિટિશનથી ડરવું ન જોઈએ. આપણે પાસે વિશ્વની ત્રીજા નંબરની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છીએ. આપણે વર્લ્ડ લાર્જેસ્ટ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બનવાનું છે. મેં ઘણાં સફળ સ્ટાર્ટઅપ્સ આપણા દેશમાં જોયાં છે. ફેન્સી આઇસક્રીમ અને કૂકીઝ. આ 3થી 4 બિલિયનનો બિઝનેસ છે. યંગ સ્ટર્સ આવું બધું બનાવે છે. મને તેની સામે વાંધો નથી. ભલે બનાવે, પણ શું આ જ ભારતનું ભવિષ્ય છે? પીયૂષ ગોયલના નિવેદન પછી સ્ટાર્ટઅપ ફર્મનાં રિએક્શન આવ્યાં… કોંગ્રેસે તક ઝડપી, ગોયલે ગોળગોળ જવાબ આપ્યો
પીયૂષ ગોયલના નિવેદન પછી પોલિટિકલ સ્ટેટમેન્ટ પણ આવ્યાં. કોંગ્રેસે એક્સ પ્લેટફોર્મ પર લખ્યું કે પીયૂષ ગોયલ પોતે જ મોદી સરકારની પોલ ખોલી રહ્યા છે. પીયૂષ ગોયલે સ્વીકાર્યું છે કે ભારત જે કરે છે એ સ્ટાર્ટઅપ નથી. સ્ટાર્ટઅપમાં ચીન બહુ આગળ છે. કોંગ્રેસના આરોપો પછી પીયૂષ ગોયલે કહ્યું હતું કે સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ ઊંચાઈએ પહોંચશે. મેં મારી વાત મૂકીને નવી દિશા આપવાની અને પ્રેરણા આપવાની વાત કરી હતી. કેટલાક લોકોએ મારા નિવેદનને વિવાદાસ્પદ ગણાવી દીધું. કોઈએ કોંગ્રેસના મોઢે સ્ટાર્ટઅપ શબ્દ સાંભળ્યો પણ નહોતો. તેને માત્ર ટીકા કરતાં જ આવડે છે. 9 વર્ષમાં 500 સ્ટાર્ટઅપમાંથી 1.70 લાખ સ્ટાર્ટઅપ થઈ ગયાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 વર્ષ પહેલાં 16 જાન્યુઆરી 2016માં સ્ટાર્ટઅપ ઈન્ડિયા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. 2022થી આ દિવસને ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ તરીકે મનાવાય છે. એ વખતે ભારતમાં માત્ર 500 સ્ટાર્ટઅપ કામ કરી રહ્યાં હતાં. અત્યારે ભારતમાં સ્ટાર્ટઅપની સંખ્યા 1 લાખ 70 હજાર થઈ ગઈ છે. આ સ્ટાર્ટઅપથી 16 લાખ 67 હજાર લોકોને રોજગારી મળી રહી છે, પણ કરુણતા એ છે કે આપણા જ દેશમાં શરૂઆતનાં પાંચ વર્ષમાં જ કેટલાંક સ્ટાર્ટઅપ બંધ થઈ જાય છે. ભારતમાં સમસ્યા એ છે કે મોટા ભાગના યુવાનો પાસે પાયાનું ભણતર તો છે, પણ કોઈ સ્કિલ નથી અને રોજગાર નથી. દુનિયાભરની મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓએ અને ભારતના સ્ટાર્ટઅપ્સ એવું જ સમજે છે કે આ બેરોજગારો જ ભારતની તાકાત છે. આ કંપનીઓએ વિચાર્યું કે આ બેરોજગાર યુવાનોનો એવો ઉપયોગ કરવો જોઈએ કે તેને ડિલિવરી બોય બનાવી દેવામાં આવે, ડ્રાઈવર બનાવી દેવામાં આવે અથવા તો કોલ સેન્ટરમાં કામ કરાવી શકાય. આટલું સસ્તું લેબર દુનિયાના કોઈપણ દેશમાં નહીં મળે. ગ્રેજ્યુએટ બેરોજગાર સૌથી વધારે, અભણ સૌથી ઓછા બેરોજગાર
ભારતમાં 18% બેરોજગાર એવા યુવાનો છે, જે માત્ર સ્કૂલ સુધી જ ભણ્યા છે. ગ્રેજ્યુએટ યુવાનોમાં 29% બેરોજગાર છે. જે અભણ છે તેવા લોકોમાં બેરોજગારી દર 2.4% જ છે. એનો મતલબ એવો થયો કે જે ગ્રેજ્યુએટ છે એનો બેરોજગારી દર સૌથી વધારે છે અને જે અભણ છે તેનો બેરોજગારી દર સૌથી ઓછો છે, એટલે જ ભારતમાં ફૂડ ડિલિવરી એપમાં કામ કરનારા 10 લાખ યુવાનોમાંથી દોઢ લાખ યુવાનો ગ્રેજ્યુએટ છે. આ એવા ગ્રેજ્યુએટ છે, જે ડિલિવરી બોય બનવા તૈયાર થઈ જાય છે. એનું કારણ એ કે તેની પાસે કોઈ સારી નોકરી નથી અને નોકરી એટલા માટે નથી, કારણ કે તેની પાસે કોઈ સ્કિલ નથી. આવા ડિલિવરી બોયની મહિને આવક 15થી 18 હજાર રૂપિયા છે. પીયૂષ ગોયલે ચીન સાથે આપણી બીજી તુલના કરવાની જરૂર છે
આમાં ભૂલ સ્ટાર્ટઅપ્સ કંપનીઓની નથી કે બેરોજગાર યુવાનોની નથી. આમાં ભૂલ છે આપણા દેશની સિસ્ટમની. દેશની ઈકોસિસ્ટમ નબળી છે એટલે ક્યારેય એજ્યુકેશન પર પૂરતું ધ્યાન ન આપ્યું, ન તો સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કર્યું. પીયૂષ ગોયલે ચીનના સ્ટાર્ટઅપની તુલના તો કરી દીધી, પણ ત્યાંની સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન સિસ્ટમની તુલના ન કરી. આપણે આપણા દેશની ઈકોસિસ્ટમને સુધારવી પડશે. આપણા દેશની એજ્યુકેશન સિસ્ટમમાં જડમૂળથી ફેરફાર કરવા પડશે. ત્યારે આપણા દેશમાં એવાં સ્ટાર્ટઅપ બનશે, જે AI પર કામ કરશે, જે EV પર કામ કરશે. ભવિષ્યની ટેક્નોલોજી પર કામ કરશે. અત્યારે તો આપણો દેશ ડિલિવરી બોયના દેશથી જ ઓળખાય છે, કારણ કે ભારતમાં 10 લાખ ડિલિવરી બોય છે. ભારતનું પોતાનું કોઈ ગ્લોબલ પ્રોડક્શન નથી
પીયૂષ ગોયલની વાત ખોટી છે એવું નથી, પણ જ્યારે તેઓ બીજા દેશ સાથે તુલના કરે છે ત્યારે એ સમજવું પડે કે બીજા દેશો પાસે પોતાની આઇડેન્ટિટી બતાવતું પ્રોડક્શન છે. ભારતની પોતાની કોઈ પ્રોડક્ટ નથી, જે ગ્લોબલ હોય. ગૂગલ, એમેઝોન, માઈક્રોસોફ્ટ, સેમસંગ, મેટા, ડીપસિકની જેમ ભારતની કોઈ પોતાની કંપની નથી. INC4 નામની વેબસાઈટ છે. તેણે 2024ના વર્ષને ભારતના સ્ટાર્ટઅપ માટે કબ્રસ્તાનનું વર્ષ કહ્યું છે. ભારતમાં 80 સ્ટાર્ટઅપ એવાં છે, જેની વેલ્યુ 1 અરબ ડોલરથી વધારે માનવામાં આવે છે. એને યુનિકોર્ન કહે છે. આ 80માંથી 17 સ્ટાર્ટઅપ જ એવાં છે, જે નફો કરે છે. બાકીના તો બંધ થવાના આરે છે. છેલ્લે,
પીયૂષ ગોયલે બોટ સ્પીકર કંપનીના ફાઉન્ડર અમન ગુપ્તાને પણ સંભળાવ્યું. તેઓ શાર્ક ટેન્કમાં જજ તરીકે આવે છે. પીયૂષ ગોયલે કહ્યું હતું કે અમન ગુપ્તા, શાર્ક ટેન્કમાં તમારી નજર બદલો… સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચઃ યશપાલ બક્ષી)