રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગેસના બાટલાના પોસ્ટરો સાથે કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. જ્યાં ગેસનો ભાવ વધારો પરત ખેંચવાના બેનરોમાં ભાજપનાં કમળના નિશાનને ઉલટું બતાવવામાં આવ્યુ હતું. કેન્દ્ર સરકાર દ્વારા ભાવ વધારો પરત ખેંચવામાં આવે અથવા તો સબસિડી આપવામાં આવે તેવી માગ કરી હતી. આ સાથે દેશભરમાં રસ્તા રોકો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ભાવ વધારો થયો નથીઃ દિનેશ જોશી
આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટ કલેકટર કચેરીમાં મોંઘવારી વિરુદ્ધ અમે પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ. કેન્દ્ર સરકારના પુરવઠા અને પેટ્રોલિયમ વિભાગ દ્વારા ગેસના બાટલાના ભાવમાં રૂ. 50નો વધારો કરવામાં આવેલો છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. ભય, ભ્રષ્ટાચાર અને મોંઘવારીની આ સરકાર પાસે બીજી અપેક્ષા આપણે શું રાખી શકીએ. આંતરરાષ્ટ્રીય ભાવ વધારો થયો નથી, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ગેસના બાટલાના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ‘અન્ય રાજ્યોમાં રૂ.500માં બાટલો આપવાની ભાજપની વાતો’
ગૃહિણીઓને બે છેડા ભેગા કરવા મુશ્કેલ પડી રહ્યા છે, જેથી સરકાર ભાવ વધારો પરત ખેંચે અથવા તો સબસીડી આપે. જો આ માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોકો અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ગેસના બાટલાના ભાવમાં વધારો થતા બહેનોને લાકડાથી રસોઈ કરવી કે શું તેવો સવાલ ઉપસ્થિત થયો છે. ગુજરાત રાજ્યમાં ગેસના બાટલાનો ભાવ વધારે છે. કારણ કે, અહીં લોકોએ ભાજપને મત આપેલા છે, જ્યારે અન્ય રાજ્યોમાં આ જ ભાજપ સરકાર રૂ. 500માં ગેસનો બાટલો આપવાની વાતો કરે છે. ભાજપનાં મહિલા નેતાઓ ક્યા છે?: રાજલ બારોટ
જ્યારે આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તા રાજલ બારોટે જણાવ્યું હતુ કે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગેસના બાટલાના ભાવમાં રૂપિયા 50નો વધારો કરવામાં આવ્યો છે. આટલું જ નહીં જીવન જરૂરી તમામ ચીજ-વસ્તુઓના ભાવ પણ વધ્યા છે. લોકો વિરોધ પ્રદર્શન કરે એટલે નજીવો ભાવ ઘટાડો કરવામાં આવે, પરંતુ લોકો પર ભાવવધારાનો બોજ કાયમનો છે. આજે તકલીફ એ છે કે, ભાઈઓની સાથે બહેનોને પણ કમાવવા માટે જવું પડે છે. રામનવમીએ રામના નામ સાથે ભાજપની મહિલાઓ રસ્તા પર નિકળી હતી, ત્યારે ગૃહિણીઓની સમસ્યા સમયે ભાજપનાં મહિલા નેતાઓ કેમ બહાર નથી આવતા? તેવો સવાલ પણ કર્યો હતો.