ગોધરા શહેરમાં આજે એક આગની ઘટના સામે આવી હતી. આરટીઓ કચેરી પાસે આવેલી પાણી પુરવઠા કચેરીની પાછળના વિસ્તારમાં આકસ્મિક રીતે આગ લાગી હતી. ઘટના સ્થળે આવેલા જૂના મકાન પાસેના ઝાડી-ઝાંખરામાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના સ્થાનિક રહેવાસીઓએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. રાહતની વાત એ રહી કે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. વધુમાં, કોઈ મોટું નુકસાન પણ થયું ન હોવાનું જાણવા મળ્યું છે.