એક સાંજે જયાએ મને ડિનર માટે આમંત્રણ આપ્યું. અમે તેના (અમિતાભ) સિવાય બધી જ વાત કરી, પણ તે દિવસે જતાં પહેલાં, તેણે મને ચોક્કસ કહ્યું, ‘ભલે ગમે તે થાય, હું અમિત (અમિતાભ) ને ક્યારેય છોડીશ નહીં’. જ્યારે રેખાએ સ્ટારડસ્ટ મેગેઝિનને જયા બચ્ચન વિશે આ વાત કહી, ત્યારે દરેક ફિલ્મ મેગેઝિન અને અખબારમાં સમાચાર પ્રકાશિત થવા લાગ્યા કે રેખા અમિતાભ સાથેની નિકટતાને કારણે જયાથી ગુસ્સે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હતા કે અમિતાભના આગમન પહેલા રેખા અને જયા વચ્ચે બહેનો જેવો સુંદર સંબંધ હતો. રેખા જયાને પ્રેમથી દીદી ભાઈ (મોટી બહેન) કહીને બોલાવતી હતી. 70ના દાયકામાં, જયા ભાદુરી ‘ગુડ્ડી’ અને ‘અનામિકા’ જેવી ફિલ્મોથી સ્ટાર બની ગઈ હતી અને રેખા પોતાનું કરિયર બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. તેમની કેટલીક ફિલ્મો હિટ થયા પછી, તેમણે 18 વર્ષની ઉંમરે અજંતા હોટેલ છોડી દીધી અને બોમ્બે (હવે મુંબઈ)ના જુહુમાં એક બીચ એપાર્ટમેન્ટ પર ઘર ખરીદી લીધું. જયા ભાદુરી પણ આ જ ઈમારતમાં રહેતી હતી. સાથે રહેતા હતા ત્યારે જયા ભાદુરી અને રેખા એકબીજાને ઓળખવા લાગ્યા. જયા ઘણીવાર રેખાને તેના ઘરે બોલાવતી, તેઓ સાથે જમતા અને લાંબી વાતચીત કરતા. જ્યારે પણ તેમને નવરાશનો સમય મળતો, ત્યારે તેઓ બંને લાંબા સમય સુધી ફરવા નીકળી પડતા હતા. આ સમયે, જયા ભાદુરીના બોયફ્રેન્ડ અમિતાભ પણ વારંવાર ઘરે આવતા-જતા હતા, જ્યાં રેખા પણ તેમને મળતી હતી. તે સમયે, તે લવ ટ્રાએન્ગલ (પ્રણય ત્રિકોણ) નહોતો, પરંતુ મિત્રોની ત્રિપુટી હતી. અમિતાભ જયાની કારના ડ્રાઇવર બનતા અને જયા તેમની બાજુમાં બેસતી હતી અને પાછળની સીટ રેખા માટે રિઝર્વ રહેતી. એક પ્રખ્યાત કહેવત છે કે ‘કલમમાં ખૂબ શક્તિ હોય છે’, જો આજે આપણે કહીએ કે કલમની શક્તિએ બે બહેનોની જેમ રહેનાર જયા અને રેખાની મિત્રતામાં કડવાશ ભરી દીધી હતી તો તે ખોટું નહીં હોય. આ એ સમય હતો જ્યારે સોશિયલ મીડિયા નહોતું, પણ ફિલ્મ મેગેઝિનોનો યુગ હતો. આ મેગેઝિનોમાં સ્ટાર્સના અંગત જીવન અને જીવનશૈલી વિશે લખાયેલી વાતો ચાહકો માટે તેમના મનપસંદ કલાકારોને નજીકથી જાણવાનો એકમાત્ર રસ્તો હતો. ભલે શબ્દોને તોડી મરોડીને તેનો અર્થ જ કેમ બદલી ન નખાયો હોય. જયા અને રેખા સાથે પણ કંઈક આવું જ બન્યું. એક ઇન્ટરવ્યૂમાં જયાએ કહ્યું હતું કે રેખા પોતાને ગંભીરતાથી લેતી નથી. ગમે તે કહ્યું હોય, પણ તે વાંચીને રેખાને માનસિક આઘાત લાગ્યો. ગુસ્સામાં કે અજાણતામાં, રેખાએ પણ જયા વિરુદ્ધ નિવેદનો આપવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે જ્યારે જયા ભાદુરીએ ‘ઝંજીર’ની સફળતા પછી 3 જૂન 1973 ના રોજ તેના બોયફ્રેન્ડ અમિતાભ સાથે લગ્ન કર્યા, ત્યારે રેખા, જે એક સમયે તેની નજીકની મિત્ર હતી એક જ બિલ્ડિંગમાં રહેતી હતી તેને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આનાથી ગુસ્સે થઈને રેખાએ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું- ‘અમારી મિત્રતા અને પ્રેમ હોવા છતાં, મારું ઘર એ જ બિલ્ડિંગમાં હતું તેમ છતાં તેણે મને તેના લગ્નમાં આમંત્રણ આપવાની તસ્દી લીધી નહીં,’ જરા અમથી કડવાશ ક્યારે મોટા સંઘર્ષમાં ફેરવાઈ ગઈ તેનો ખ્યાલ જ ન રહ્યો. પછી આ લડાઈ વચ્ચે, જ્યારે રેખા અને અમિતાભના અફેરના સમાચાર સામાન્ય થયા, ત્યારે મામલો ફક્ત કડવાશ સુધી મર્યાદિત ન રહ્યો. રેખાએ ઘણી વાર દાવો કર્યો હતો કે, ‘અમિતાભ અને તેમના વચ્ચેનો લવ સીન જોઈને જયા પોતાના આંસુ રોકી શકી નહીં.’ આજે, આ ઘટનાને ઘણા દાયકાઓ વીતી ગયા છે, આ વાર્તાના પાત્રો તેમના જીવનમાં આગળ વધ્યા છે, પરંતુ સમયાંતરે આ બાબતો હજુ પણ સામે આવે છે. આજે જયા બચ્ચન 77 વર્ષનાં થયાં છે. ભલે તેમનું જીવન ઉચ્ચ કક્ષાની ફિલ્મો અને રાજકીય સફરથી ભરેલું હતું, પરંતુ તેમના જીવનમાં સૌથી વધુ ચર્ચા બે પાત્રો – અમિતાભ બચ્ચન અને રેખા – ની આસપાસ થઈ હતી. આજે, તેમના જન્મદિવસના ખાસ પ્રસંગે, તે બે પાત્રોની વાર્તા વાંચો, દોસ્તી, લગ્ન, પરિવારની નારાજગી અને તે પ્રણયત્રિકોણ, જેનો ક્લાયમેક્સ ફિલ્મ સિલસિલા સાથે મેળ ખાય છે- જ્યારે દરેક હિરોઈન અમિતાભ સાથે કામ કરવાનો ઇનકાર કરતી હતી, ત્યારે જયા તેમનો સહારો બની હતી 70ના દાયકાની શરૂઆત હતી, જ્યારે અમિતાભની લગભગ ૧૨ ફિલ્મો ફ્લોપ ગઈ હતી, બીજી તરફ, જયા બચ્ચનને ‘બાવર્ચી’ અને ‘પરિચય’ જેવી ફિલ્મોથી સફળતા મળી રહી હતી. આ દરમિયાન, અમિતાભને પ્રકાશ મેહરાની ફિલ્મ ‘ઝંજીર’માં મુખ્ય ભૂમિકા મળી. તેમની સામે મુમતાઝને કાસ્ટ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે તેમના લગ્ન નક્કી થયા ત્યારે તેમણે ફિલ્મ છોડી દીધી. મુમતાઝ પછી, પ્રકાશ મહેરાએ જે પણ હિરોઈનનો સંપર્ક કર્યો તેમણે અમિતાભ સાથે કામ કરવાનો ઇનકાર કર્યો. અમિતાભ પહેલેથી જ પોતાની ફિલ્મોના સતત ફ્લોપ થવાને કારણે પરેશાન હતા, તેથી જ્યારે તેમને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ વધુ ચિંતિત થઈ ગયા. એક દિવસ અમિતાભ જયાને મળવા આવ્યા. અમિતાભે કહ્યું- કોઈ હિરોઈન મારી સાથે કામ કરવા તૈયાર નથી. જયાએ જવાબ આપ્યો- જો પ્રકાશ મેહરા મને કહે તો હું ‘ઝંજીર’ કરવા તૈયાર છું. અમિતાભે આ વાત પ્રકાશ મેહરાને જણાવી અને આમ જયા અને અમિતાભની જોડી ‘ઝંજીર’માં પડદા પર જોવા મળી. ફિલ્મ ‘ઝંજીર’ 11 મે 1973 ના રોજ રિલીઝ થઈ હતી અને તેની શરૂઆત ઠંડી રહી હતી. અમિતાભે દિગ્દર્શકને કહ્યું કે જો ફિલ્મ ફ્લોપ જશે તો તે ફિલ્મ જગત અને બોમ્બે છોડીને અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) પોતાના પિતા પાસે જતો રહેશે. આ ફિલ્મ રિલીઝ થયાના 4 દિવસમાં એટલી હિટ થઈ ગઈ કે 5 રૂપિયાની ટિકિટ 100 રૂપિયામાં વેચાઈ રહી હતી. આ રીતે, ફ્લોપ અમિતાભ બચ્ચને એંગ્રી યંગ મેન તરીકે સ્ટારડમ મેળવ્યું. સ્વાભાવિક છે કે, આનો ઘણો શ્રેય જયા બચ્ચનને પણ જાય છે. જ્યારે અમિતાભે ફિલ્મની સફળતાની ઉજવણી કરવા માટે જયા સાથે વિદેશ જવાની પરવાનગી માગી, ત્યારે તેમના પિતા હરિવંશરાય બચ્ચને તેમને કહ્યું કે જો તેઓ જવા માગતા હોય તો તેમણે લગ્ન કરીને પછી જવું જોઈએ. આ જ કારણ હતું કે બંનેએ 3 મે, 1973 ના રોજ તાત્કાલિક લગ્ન કરી લીધા, હકીકતમાં તેમના લગ્ન ઓક્ટોબર 1973 માં થવાના હતા. તમને એ પણ જણાવી દઈએ કે જયા બચ્ચન એક સમયે તેમના સસરા હરિવંશ રાય બચ્ચનના ચાહક હતા. વાસ્તવમાં, હરિવંશરાય બચ્ચન એક લેખક હતા અને જયા બચ્ચનના પિતા તરુણ કુમાર ભાદુરી પણ એક જાણીતા લેખક હતા. બાળપણથી જ જયાના ઘરમાં અભ્યાસને ઘણું મહત્ત્વ આપવામાં આવતું હતું. જયા બચ્ચને થોડા વર્ષો પહેલા સંસદ ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના ઘરમાં એક પરંપરા હતી કે કોઈ પણ બાળક પુસ્તકમાંથી એક કે બે પાના વાંચીને જ સૂવે. આ જ કારણ હતું કે ઘરના બાળકો હરિવંશરાય બચ્ચનથી વાકેફ હતા. જયાનો પરિવાર લગ્નથી ખુશ નહોતો, તેમણે અમિતાભના પિતાને કહ્યું હતું – અમારો પરિવાર બરબાદ થઈ ગયો છે અમિતાભ બચ્ચનના પિતા અને પ્રખ્યાત લેખક હરિવંશ રાય બચ્ચને તેમની આત્મકથા ‘ઇન ધ આફ્ટરનૂન ઓફ ટાઇમ ‘ માં લગ્નના દિવસે બચ્ચન અને ભાદુરી પરિવાર વચ્ચેના અણબનાવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે લગ્નને સનસનાટીભર્યા ન બનાવવા માટે, જયા ભાદુરીના બીચ હાઉસ ફ્લેટને બદલે, પરિવારે મલબાર હિલ્સમાં સ્કાયલાર્ક બિલ્ડિંગના ઉપરના માળે લગ્નની તૈયારીઓ કરી હતી, જે એક પારિવારિક મિત્રનો ફ્લેટ હતો. મહેમાનોમાં ફક્ત બચ્ચન, ભાદુરી પરિવારના પસંદગીના સભ્યો અને ઇન્દિરા ગાંધીના પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઈન્દિરા ગાંધી અમિતાભ બચ્ચનની માતા તેજી બચ્ચનના નજીકના મિત્ર હતા. જોકે, તેમના વ્યસ્ત સમયપત્રકને કારણે, તેઓ પોતે જઈ શક્યા નહીં, તેથી તેમના પુત્ર સંજય ગાંધી ત્યાં ગયા. હરિવંશ રાય બચ્ચને લખ્યું હતું કે જયા ભાદુરી સિવાય તેમના પરિવારનો બીજો કોઈ સભ્ય તે લગ્નમાં ખુશ દેખાતો ન હતો. જ્યારે જાન પહોંચી ત્યારે ભાદુરી પરિવારે તેમનું સ્વાગત પણ ન કર્યું. કોઈક રીતે મોડી રાત સુધીમાં લગ્ન પૂર્ણ થયા. મોટાભાગના મહેમાનો ચાલ્યા ગયા હતા અને ફક્ત થોડા લોકો જ બાકી હતા. જતાં પહેલાં, હરિવંશ રાય બચ્ચન તેમના વેવાઈ તરુણ ભાદુરી પાસે પહોંચ્યા, તેમને ગળે લગાવ્યા અને કહ્યું – ‘અમિત જેવો જમાઈ મળવા બદલ અભિનંદન.’ ત્યાં હાજર લોકોને લાગ્યું કે હવે જયાના પિતા પોતાનો ગુસ્સો ભૂલી જશે અને તેમને પણ અભિનંદન આપશે, પરંતુ તેમણે એવું કંઈ કર્યું નહીં. બદલામાં તેણે કહ્યું- ‘મારો આખો પરિવાર બરબાદ થઈ ગયો છે.’ આ સાંભળીને બધાને નવાઈ લાગી, પણ વાત ત્યાં સુધી જ રહી ગઈ. અમિતાભ-જયાના લગ્નની પસંદગીની તસવીરો જુઓ- આ લગ્નમાં થોડા જ લોકો હતા, તેથી સ્પષ્ટ છે કે રેખા, જે તે જ બિલ્ડિંગમાં રહેતી હતી, તેને પણ આ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જોકે, એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક મતભેદોને કારણે તેમને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. લગ્ન પહેલા જયા બચ્ચન બીચ હાઉસ બિલ્ડિંગમાં રહેતા હતા, જ્યાં રેખા પણ રહેતી હતી. બંને વચ્ચે સારી મિત્રતા હતી. રેખા અને જયા ભલે મિત્રો હતા, પણ ફિલ્મ ઉદ્યોગમાં તેમને પ્રતિસ્પર્ધી માનવામાં આવતા હતા. એક ઇન્ટરવ્યૂમાં, જ્યારે જયાને રેખા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું, ‘રેખા પોતાને ગંભીરતાથી લેતી નથી’. જ્યારે ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયો, ત્યારે રેખા તેની દીદીભાઈ(જયા)એ જે કહ્યું તે વાંચીને ગુસ્સે થઈ ગઈ. પછી જ્યારે તેણે તેને લગ્નમાં આમંત્રણ ન આપ્યું, ત્યારે આનાથી ગુસ્સાની આગમાં ઘી ઉમેરાયું અને બંને વચ્ચે વાતચીત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. એક ફિલ્મ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં રેખાએ આ અંગે કહ્યું હતું- એક સમય હતો જ્યારે હું જયાને મારી મોટી બહેન માનતી હતી, મને લાગતું હતું કે તે સ્પષ્ટવક્તા છે કારણ કે તે હંમેશા ગંભીરતાથી બોલતી હતી. તે મને ઘણી બધી સુંદર સલાહ આપતી હતી, પણ હવે મને સમજાયું છે કે જયા એક સામાન્ય સલાહકાર છે, તે ફક્ત લોકો પર પ્રભુત્ત્વ મેળવવા માગે છે, તે પણ ત્યાં સુધી જ્યાં સુધી બીજી વ્યક્તિ તેના પ્રમાણે પોતાને અનુકૂળ ન કરે. જ્યારે રેખાનું નામ અમિતાભ સાથે ફિલ્મ કર્યા પછી જોડાવા લાગ્યું બચ્ચન પરિવારની વહુ બન્યા પછી, જયા બચ્ચને ફિલ્મોમાંથી વિરામ લીધો, જોકે તેમણે લગ્ન પહેલાં સાઇન કરેલી ફિલ્મો પૂર્ણ કરી. આમાં ‘શોલે’ પણ શામેલ હતી, જેમાં તે અમિતાભ બચ્ચન સાથે જોડી બનાવવાની હતી. જયા પ્રેગ્નેન્ટ હતી ત્યારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તેણે પ્રેગ્નેન્સી દરમિયાન આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી, પણ જયાના નાના રોલને બહુ ધ્યાન મળ્યું નહીં. દુશ્મન (1972) અને દોસ્ત (1974) ની સફળતા પછી દુલાલ ગુહાએ ‘દો અનજાને’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે હજુ ‘શોલે’નું નિર્માણ ચાલી રહ્યું હતું. આમાં તેણે અમિતાભ બચ્ચનને કાસ્ટ કર્યા. ફિલ્મમાં મુખ્ય નાયિકાની ભૂમિકા નેગેટિવ રીતે દર્શાવવાની હતી, તેથી શર્મિલા ટાગોર અને મુમતાઝે ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો. આવી સ્થિતિમાં દુલાલ ગુહાએ રેખાનો સંપર્ક કર્યો. શરૂઆતમાં રેખા આ ભૂમિકા કરવા માટે સંમત ન હતી, પરંતુ દુલાલ ગુહાની સમજાવટ પછી, તે સંમત થઈ ગઈ. આ પહેલી વાર હતું જ્યારે તે અમિતાભ સાથે રોમાન્સ કરવા જઈ રહી હતી. આ પહેલા બંને ‘નમક હલાલ’માં સાથે આવ્યા હતા, પરંતુ રેખાની જોડી વિનોદ ખન્ના સાથે હતી. 1972માં, અમિતાભ અને રેખા સાથે એક ફિલ્મ કરી રહ્યા હતા, પરંતુ તે ફિલ્મ બંને સાથે બની શકી નહીં. રેખાની બાયોગ્રાફી ‘રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી’ માં લેખક યાસીર હુસૈને લખ્યું છે કે ફિલ્મ ‘દો અનજાને’ ના શૂટિંગ દરમિયાન રેખા અમિતાભને પસંદ કરવા લાગી હતી. સેટ પર હાજર લોકો પણ આ સમજી ગયા હતા. પરિણામ એ આવ્યું કે તે સમયે ફિલ્મ મેગેઝિનોએ પણ આ મુદ્દાને મોટું કવરેજ આપ્યું. તેમાં લખ્યું હતું કે કલકત્તામાં શૂટિંગ દરમિયાન બંને ઘણો સમય સાથે વિતાવે છે. આ ફિલ્મ પછી, બંનેને ‘મુકદ્દર કા સિકંદર’માં સાથે કાસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે રેખા-અમિતાભના અફેરના સમાચાર વધવા લાગ્યા, ત્યારે તેની અસર અમિતાભ બચ્ચન અને જયા વચ્ચેના સંબંધો પર પણ પડી. રેખાએ કહ્યું હતું- મારા અને અમિતાભ વચ્ચેના લવ સીન જોઈને જયા રડી પડી હતી 1978માં, રેખાએ સ્ટારડસ્ટ મેગેઝિનને ‘રેખા: ગર્લ વિધાઉટ અ કોન્સાઇન્સ?’ નામનો એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. રેખાએ કહ્યું- એકવાર બચ્ચન પરિવાર ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’નો ટ્રાયલ શો જોવા આવ્યો હતો. હું પ્રોજેક્શન રૂમમાંથી બચ્ચન પરિવારને જોઈ રહી હતી, જયા બચ્ચન પહેલી હરોળમાં બેઠી હતી અને પરિવાર બીજી હરોળમાં હતો. તે લોકો જયાને એટલી સ્પષ્ટ રીતે જોઈ શકતા ન હતા જેટલી હું તેને જોઈ શકતી હતી. મારા અને અમિતાભ વચ્ચે લવ સીન શરૂ થતાં જ મેં જોયું કે તે(જયા)ની આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં. આ જ ઇન્ટરવ્યૂમાં, રેખાએ દાવો કર્યો હતો કે અમિતાભે તેમને બે વીંટી આપી હતી, જે તેમણે પરત કરી દીધી હતી કારણ કે જયાના આગ્રહ પર, તેમણે બધા પ્રોડ્યુસર્સને કહ્યું હતું કે તેઓ ક્યારેય સાથે કામ કરશે નહીં. આ પણ સાચું સાબિત થયું. ત્યારબાદ બંનેએ સાથે નવી ફિલ્મો સાઇન કરી, પરંતુ ફરી ક્યારેય સાથે જોવા મળ્યા નહીં. રેખા સેંથામાં સિંદૂર લગાવીને ઋષિ કપૂરના લગ્નમાં પહોંચી, જયા બચ્ચન આંખો નીચી રાખીને રડી પડી તે 1980ની 22 જાન્યુઆરી હતી, તે દિવસે રાજ કપૂરના પુત્ર ઋષિ કપૂર અને નીતુ સિંહના લગ્ન હતા. ઉદ્યોગના દરેક વ્યક્તિઓ તેમાં આવ્યા હતા. બચ્ચન પરિવાર પણ પહોંચ્યો હતો. એક તરફ અમિતાભ લોકોને મળી રહ્યા હતા, જ્યારે જયા બચ્ચન તેમની સાસુ તેજી બચ્ચન સાથે બેઠા હતા. આ દરમિયાન, દુલ્હન નીતુ સિંહની નજીકની મિત્ર રેખાએ એન્ટ્રી કરી. સફેદ સાડી પહેરેલી રેખાના સેંથામાં સિંદૂર હતું. બધા કેમેરા તેની તરફ ફરી ગયા. આખા કાર્યક્રમ દરમિયાન રેખાની નજર વારંવાર અમિતાભ તરફ જતી રહી, જેના કારણે મહેમાનોમાં ગુસપુસ વધી રહી હતી. આ દરમિયાન, રેખા અમિતાભની નજીક પહોંચતાંની સાથે જ જયાની નજર પણ તેના પર પડી અને તે માથું નીચું રાખીને રડવા લાગી. બીજા દિવસે સ્ટારડસ્ટ મેગેઝિનમાં સમાચાર છપાયા, જયાએ લાંબા સમય સુધી પોતાની જાતને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો, પણ પછી તેણે માથું નમાવ્યું અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અમિતાભે કહ્યું હતું- હું છૂટાછેડામાં માનતો નથી જ્યારે રેખાના કારણે અમિતાભ અને જયાના લગ્નજીવનમાં અણબનાવ આવવાના સમાચાર આવવા લાગ્યા, ત્યારે અમિતાભે પણ આ અંગે સ્પષ્ટતા આપવી પડી. નાસિર હુસૈનના પુસ્તક ‘રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી’ અનુસાર, અમિતાભે કહ્યું હતું કે, ‘હું ક્યારેય છૂટાછેડા નહીં લઉં.’ હું છૂટાછેડામાં માનતો નથી કારણ કે હું ભારતીય છું. મેં જયાને ફર્સ્ટ ક્લાસ નિર્ણય લઈને જ મારી પત્ની બનાવી છે. રેખાએ દાવો કર્યો- જયાએ મને ઘરે ફોન કરીને કહ્યું- હું અમિતાભને ક્યારેય છોડીશ નહીં સ્ટારડસ્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં રેખાએ દાવો કર્યો હતો કે જયાએ એક દિવસ તેમને પોતાના ઘરે બોલાવી હતી. તેમણે કહ્યું- જયાને આ સંબંધથી કોઈ સમસ્યા નહોતી, જ્યાં સુધી તેમને લાગતું હતું કે તેમના પતિ ફક્ત અફેર કરી રહ્યા છે. જ્યારે તેને ખ્યાલ આવ્યો કે તે ખરેખર મારી સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો છે, ત્યારે જ તેને દુઃખ થવા લાગ્યું. એક સાંજે તેણે મને ડિનર માટે આમંત્રણ આપ્યું અને ભલે અમે તેના (અમિતાભ) સિવાય બધી જ વાત કરી,પરંતુ તે દિવસે જતાં પહેલાં, તેણે મને ખાતરીપૂર્વક કહ્યું, ‘ભલે ગમે તે થાય, હું અમિત (અમિતાભ) ને ક્યારેય છોડીશ નહીં’ યશ ચોપરાની ‘સિલસિલા’થી સમાપ્ત થયો લવ ટ્રાએન્ગલનો સિલસિલો વાત 80ના દાયકાના શરૂઆતના વર્ષોની છે. યશ ચોપરાની અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘કાલા પથ્થર’ (1979) જબરજસ્ત ફ્લોપ રહી હતી. તેને પોતાની કારકિર્દીને પુનર્જીવિત કરવી હતી, જેના માટે તેને એક મહાન ફિલ્મની જરૂર હતી. આ સમયે તેમણે ‘સિલસિલા’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. તેમણે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને કાસ્ટ કર્યા. જ્યારે યશ ચોપરાએ અમિતાભને કહ્યું કે તે રેખાને તેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં લેવા જઈ રહ્યા છે, ત્યારે જયા સાથેના વચન છતાં તેઓ ફિલ્મ કરવા માટે સંમત થયા. જયા બચ્ચનને આ વાતની ખબર અખબારોમાં પ્રકાશિત થતી મોટી જાહેરાતો દ્વારા મળી. જ્યારે આ જોડી અફેર અને ક્યારેય સાથે કામ ન કરવાના અહેવાલો વચ્ચે ફરી મળી રહી હતી, ત્યારે તેમના ચાહકોમાં આશ્ચર્ય અને ખુશી બંને ભાવ હતા. આ દરમિયાન, અમિતાભ બચ્ચન અને ઈરાની એક્ટ્રેસ નતાલી વચ્ચેના અફેરની ચર્ચા સામાન્ય બની ગઈ. આનાથી નાખુશ થઈને રેખાએ અમિતાભ સાથેની ફિલ્મ ‘સિલસિલા’ છોડી દીધી. નિર્માતાઓની મુશ્કેલીઓ વધી ગઈ અને ફિલ્મમાં તેમના સ્થાને પરવીન બાબીને કાસ્ટ કરવામાં આવી અને બીજી ભૂમિકા માટે સ્મિતા પાટિલને કાસ્ટ કરવામાં આવી. તે સમયે અમિતાભ બચ્ચન શ્રીનગરમાં ટીનુ આનંદની ફિલ્મ ‘કાલિયા’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક દિવસ યશ ચોપરા મુંબઈથી શ્રીનગર પહોંચી ગયા. બંને 21 ઓક્ટોબર 1980 ના રોજ એક હોટલમાં મળ્યા હતા. અમિતાભે તેમને પૂછ્યું- ‘શું તમે ‘સિલસિલા’ના કાસ્ટિંગથી ખુશ છો?’ યશ ચોપરાએ જવાબ આપ્યો- ‘હું ખુશ નથી.’ આના પર અમિતાભે ફરીથી પૂછ્યું – ‘મને પ્રામાણિકપણે કહો કે તમને શું લાગે છે કે તેની આઇડિયલ કાસ્ટિંગ કેવી હોવી જોઈએ.’ જવાબ આવ્યો- ‘હું ઇચ્છું છું કે રેખા તમારી ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવે અને જયા તમારી પત્નીની ભૂમિકા ભજવે.’ અમિતાભ 5 મિનિટ સુધી મૌન રહ્યા અને પછી ધીમેથી કહ્યું – ‘તમારે આ વિશે જયા સાથે જાતે વાત કરવી જોઈએ.’ બીજા દિવસે 22 ઓક્ટોબર, 1980 ના રોજ બંને મુંબઈ પાછા ફર્યા. યશ ચોપરા જયા બચ્ચનને મળ્યા અને તેમને પોતાનો વિચાર જણાવ્યો. યશ ચોપરાએ પોતે શાહરુખ ખાનને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. સ્ટારડસ્ટના એક અહેવાલ મુજબ, જયાએ અમિતાભ પાસેથી વચન લીધું હતું કે જો તે ક્યારેય રેખા સાથે કામ કરશે, તો તે પણ ફિલ્મોમાં પાછી ફરશે. આવી સ્થિતિમાં, જયાએ એ પણ નક્કી કર્યું કે જો અમિતાભ પોતાનું વચન તોડે છે તો તે પણ ફિલ્મનો ભાગ બનશે. જ્યારે જયા બચ્ચનને ફિલ્મ ‘સિલસિલા’ની વાર્તા સંભળાવવામાં આવી, ત્યારે તેઓ અનિચ્છાએ સાંભળતા રહ્યા, પરંતુ જ્યારે વાત ક્લાઇમેક્સ પર આવી, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ક્લાઇમેક્સ મુજબ,’સિલસિલા’ના અંતે, જયાને હોસ્પિટલમાં દાખલ જોઈને, અમિતાભ તેની ગર્લફ્રેન્ડને છોડીને તેની પાસે આવે છે અને કહે છે, હું પાછો આવી ગયો છું, હંમેશા માટે. જયા આંખો ખોલે છે અને કહે છે કે મને ખબર હતી કે તું ચોક્કસ પાછો આવીશ. સિલસિલાના આ ક્લાઈમેક્સ સીનને કારણે જયાને ફિલ્મમાં રસ વધ્યો. સ્વાભાવિક છે કે ત્રણેય જણા સારી રીતે જાણતા હતા કે, તેઓ પડદા પર પોતાની વાર્તા જીવી રહ્યા છે, પરંતુ તેમ છતાં, ત્રણેય જણાએ હિંમતથી ફિલ્મ બનાવી અને ફિલ્મ દ્વારા તેમની વાર્તાનો ક્લાયમેક્સ આપ્યો. ‘સિલસિલા’ની રજૂઆત પછી, અખબારો અને સામયિકોમાં સમાચાર આવ્યા – જયા પાછી આવી ગઈ છે . પરંતુ જયા, જે જીદ્દી હતી, તેણે ફરી કોઈ ફિલ્મ સાઇન કરી નહીં. વર્ષો પછી, તેણે 1998માં આવેલી ફિલ્મ ‘હઝાર ચૌરાસી કી મા’ દ્વારા કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે પુનરાગમન કર્યું. ત્યારબાદ તે ‘ફિઝા’, ‘કભી ખુશી કભી ગમ’, ‘કલ હો ના હો’માં જોવા મળી હતી. તેને ત્રણેય ફિલ્મો માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. તે છેલ્લે 2023માં આવેલી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળી હતી. ફિલ્મો ઉપરાંત, જયા બચ્ચન 2004 થી રાજકારણમાં પણ સક્રિય છે. તે સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલી છે અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. સંસદમાં તેમના નિર્ભિક નિવેદનો પણ હેડલાઇન્સમાં રહે છે. ભલે દિવસેને દિવસે જયા બચ્ચનની છબી એક ક્રોધી એક્ટ્રેસ જેવી બનતી જાય છે અને ઘણીવાર ફોટોગ્રાફરો અને લોકો પર ગુસ્સે થાય છે, પરંતુ એક સમય હતો જ્યારે ફિલ્મોમાં સૌમ્યતા લાવવા માટે જયા બચ્ચન ફિલ્મ પ્રોડ્યુસર્સની પહેલી પસંદગી હતી. તે 80ના દાયકાની સૌથી સફળ એક્ટ્રેસ હતી.