રાજપીપળામાં નર્મદા પંચકોશી પરિક્રમા શરૂ થયાને 12 દિવસ થયા છે. આ દરમિયાન 4 લાખથી વધુ ભક્તોએ પરિક્રમા કરી છે. સ્થાનિક લોકો અને સંસ્થાઓ દ્વારા પરિક્રમાવાસીઓની સેવા માટે 24 કલાક સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. જયભોલે ગ્રુપ છેલ્લા ચાર વર્ષથી પરિક્રમાવાસીઓને મફત સેવા આપી રહ્યું છે. આ ગ્રુપ ચા-નાસ્તો, બિસ્કિટ, વેફર્સ તેમજ ખીચડી, કઢી, શાક-દાળ-ભાત અને મીઠાઈ જેવી વાનગીઓ પીરસે છે. ગ્રુપના સભ્યો ત્રણ પાળીમાં નિઃશુલ્ક સેવા આપે છે. જયભોલે ગ્રુપના કલમભાઈ વસાવાના જણાવ્યા મુજબ, માત્ર 11 દિવસમાં 8000 કિલો ચોખા, 1200 લીટર દૂધ અને 1400 કિલો શાકભાજીનો વપરાશ થયો છે. આ ઉપરાંત 50 કાર્ટૂન બિસ્કિટ અને 200 કિલો વેફર્સનો પણ ઉપયોગ થયો છે. અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ પરિક્રમાવાસીઓએ આ સેવાનો લાભ લીધો છે. ગત વર્ષે આખી પરિક્રમા દરમિયાન 10-12 હજાર કિલો અનાજનો વપરાશ થયો હતો. આ વર્ષે માત્ર 12 દિવસમાં જ 10 હજાર કિલો ચોખાનો વપરાશ થવા આવ્યો છે, જે પરિક્રમાવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.