અમદાવાદના ATS પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદને આધારે 7 આરોપીઓની ધરપકડ કરીને તેમના 14 દિવસના રિમાન્ડ માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓના 19 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે. આ કેસ નાગાલેન્ડ અને મણિપુરના નકલી હથિયાર પરવાના અંગેનો છે. કેસને વિગતે જોતા હરિયાણાના સોકતઅલી, ફારુકઅલી, આસિફ અને સોહીમખાને ગુજરાતીઓને નાગાલેન્ડ અને મણીપુરમાં રહેતા હોવાનું દર્શાવી ખોટા હથિયાર લાયસન્સ બનાવ્યા હતા. આ લાયસન્સધારકોને આરોપીઓએ, રિવોલ્વર, પિસ્તોલ ગન અને કારતુસોનું વેચાણ કર્યું હતું. આરોપીઓએ 37 ઇસમોને ખોટા હથિયાર લાયસન્સો બનાવી આપ્યા હતા. જે અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ નોંધણી કરવામાં આવી નહોતી. સદ્દામ હુસેને 6 ઇસમોને ખોટા લાયસન્સ તથા હથિયારો આપવામાં મદદગારી કરી હતી. બ્રિજેશ કુમાર મહેતાએ 4 ઇસમોને વિશાલ પંડ્યા મારફતે ખોટા હથિયાર લાઇસન્સ બનાવી આપ્યા હતા તથા હથિયારો લાવી આપવામાં મદદગારી કરી હતી. મુકેશ ભરવાડે 10 ઈસમોને તથા સેલા ભરવાડે 17 ઇસમોને સોકત અલી તથા આસિફ મારફતે ખોટા હથિયાર લાયસન્સ અને હથિયારો અપાવવામાં મદદગારી કરી હતી. વિશાલ પંડ્યાએ 6 ઇસમોને ફારુક અલી મારફતે હથિયાર લાયસન્સ અપાવવામાં મદદગારી કરી હતી. પોલીસે ઉપરોક્ત ગુનામાં અમદાવાદમાં રહેતા વિશાલ પંડ્યા,અર્જુન અલગોતર, ધૈર્ય ઝરીવાલા, સદ્દામ હુસેન રંગરેજ, બ્રિજેશ કુમાર મહેતા અને મુકેશ ભરવાડની ધરપકડ કરી હતી. તો સુરતના આરોપી સેલા ભરવાડ સહિત કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરોક્ત આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગતા રજૂઆત કરવામાં આવી હતી કે વિશાલ પંડયા પાસેથી 2 હથિયાર અને કુલ 54 કારતુસ સાથે નાગાલેન્ડનું લાયસન્સ મળી આવ્યું છે. વિશાલે એક હથિયાર માટે 100 કારતુસ ખરીદ્યા હતા. જેમાંથી 44 તેની પાસેથી મળી આવ્યા હતા. ત્યારે બાકીના 56 કારતુસ ક્યાં છે, તેની તપાસ કરવાની છે. અર્જુન અલગોતર પાસેથી પણ 2 હથિયાર અને કુલ 26 નંગ કારતું સાથે નાગાલેન્ડનું હથિયાર લાયસન્સ મળી આવ્યું હતું. આરોપીઓ હથિયાર કયા કારણોથી રાખતા હતા? આરોપીઓએ કોઈ આર્થિક લાભ મેળવ્યો છે કે, કેમ? ઉપરાંત આરોપીઓ પૂર્વ ગુના ધરાવતા રીટા ગુનેગારો છે. અર્જુન અલગોતર સામે અડાલજ પોલીસ મથકે વર્ષ 2015માં ધાડનો ગુનો, તેમજ વર્ષ 2021માં ક્રિકેટ સટ્ટાના કેસમ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધાયેલો છે. તો આનંદ નગર પોલીસ સ્ટેશન એ વર્ષ 2019 થી 20માં મારામારીનો ગુનો નોંધાયેલ છે. આરોપી સેલાભાઈ ભરવાડ સામે આ આંકલાવ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019-20માં ફાયરિંગનો ગુનો અને વિરમગામ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયેલો છે. આરોપી મુકેશ ભરવાડ સામે વર્ષ 2016માં વટવા GIDC પોલીસ મથકે મારામારીનો ગુનો અને વર્ષ 2019માં સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવવાનો ગુનો નોંધાયેલ છે.