સરકારી દવાખાના માટે દવા, ઇન્જેક્શન અને વિટામિનની દવાઓની ખરીદીને મંજૂરી આપતી જીએમએસસીએલની છેલ્લા 3 મહિનામાં મળેલી 5 બોર્ડ બેઠકમાં 23 ફાર્મા કંપનીની 42 પ્રોડક્ટની ખરીદી 1 વર્ષથી લઇને 3 વર્ષ સુધી નહીં કરવાની કડકાઇ દાખવાઈ છે. ચોંકાવનારી વાત તો એવી છે કે, છેલ્લાં 3 વર્ષમાં જે ફાર્મા કંપની પર 3થી 5 વર્ષ સુધી ખરીદી પર પ્રતિબંધ લદાયા હતા, તેની અન્ય પ્રોડક્ટ્સમાં પણ છીંડાં ખુલ્લાં પડતાં ફરી વખત તેના પર પ્રતિબંધનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી છે. રાજ્યનાં સરકારી દવાખાનાંમાં દર્દીઓની સારવાર માટે દવા અને ઇન્જેક્શનનો જથ્થો સરકાર ખરીદતી હોય છે. આ જથ્થો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સરકારી સાહસ ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના માધ્યમથી ખરીદવામાં આવે છે. જોકે દવાઓની ખરીદીને લીલીઝંડી આપતાં પહેલાં પ્રિ ડિસ્પેરિંગ પરીક્ષણ તેમજ દસ્તાવેજોની ખરાઇ કરાય છે. જેમાં ઘણી વખત મોટાં છીંડાં ઝડપાતાં જે તે કંપની સામે કાર્યવાહી કરાય છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ.ની 3 મહિનામાં 5 વખત બોર્ડ મિટિંગ મળી હતી. જેમાં 23 જેટલી ફાર્મા કંપનીની 23 ટેબ્લેટ, 13 ઇન્જેક્શન, 2 નીડલ, 2 ફોલિક એસિડ, 2 આર્યન ટેબ્લેટ, 1 વિટામિન બી કોમ્પ્લેક્સ, 1 કાનનું મશીન, નાકનાં 2 ટીપાં સહિત 42 પ્રોડક્ટ મામલે લાલ આંખ કરાઈ હતી. જેમાં એક વર્ષથી લઇને 3 વર્ષ સુધી તેમની પાસેથી સંબંઘિત દવા-ઇન્જેક્શનનહીં ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે 5 કંપની એવી છે કે, જેની સામે અગાઉના વર્ષોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ 5 પૈકી 4 કંપની ગુજરાતની અને 1 હરિયાણાની છે. એક વર્ષના પ્રતિબંધવાળી 8 કંપની છે, 2 વર્ષના પ્રતિબંધવાળી 9 તો 3 વર્ષના પ્રતિબંધવાળી 5 કંપની છે. જેમાંયે હરિયાણાના ફરિદાબાદની સાઇકોમેટ્રિક્સ પ્રા.લિ.ની તો 14 પ્રોડકટની ખરીદી પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ કંપનીનાં 14 ઉત્પાદનો પર મધ્ય પ્રદેશ સરકારના સાહસ એમપી પબ્લિક હેલ્થ સર્વિસીસ દ્વારા ખરીદી નહીં કરવાનો નિર્ણય કરાયો હતો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી ભારત પેરન્ટરલ્સ લિમિટેડના સંચાલકોએ ભૂતકાળમાં ફ્રોડ દસ્તાવેજ પૂરા પાડયા હોવા છતાં તેને અન્ય દવાઓની ખરીદીની ટેન્ડર પ્રક્રિયામાં એન્ટ્રી મળી હતી. જોકે ફરીથી દવાની ગુણવત્તાનો મામલો સપાટી પર આવતાં તેની પર ફરી પ્રતિબંધ મૂકાયો છે. અલબત્ત, ભૂતકાળમાં 5 કંપનીઓનાં છીંડાં બહાર આવ્યાં હોવા છતાં તેવી કંપનીઓ માટે મોકળું મન રાખીને અન્ય દવા ખરીદી કરવા દરવાજા ખુલ્લા રાખ્યા હતા. જોકે, વડોદરાની ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં થયેલા પરીક્ષણમાં કવોલિટીનો મુદ્દો સપાટી પર આવ્યો હતો. સરકારી સાહસ જીએમએસસીએલની 2 જાન્યુઆરીથી 7 માર્ચ સુધીમાં 5 બોર્ડ મિટિંગ મળી હતી, જેમાં સૌથી વધુ 35 પ્રોડક્ટ મામલે 2 જાન્યુઆરીએ મળેલી બેઠકમાં કઠોર નિર્ણય લેવાયા હતા. 3 વર્ષ પૂર્વે પણ આ કંપની પકડાઈ હતી બોર્ડ બેઠકમાં પ્રિ ડિસ્પેરિંગ ટેસ્ટના રિપોર્ટ રજૂ થાય છે
કંપની દ્વારા જે કોન્ટ્રાક્ટર પાસેથી દવા-ઇન્જેક્શન સહિતની ખરીદી કરવાની હોય, તેના પ્રિ ડિસ્પેરિંગ ટેસ્ટના રિપોર્ટ રજૂ થાય છે. લેબ રિપોર્ટમાં ક્વોલિટી ફેઇલરનો ઉલ્લેખ હોય તો નિર્ણય લેવાય છે. > ગંગાસિંઘ, એમડી, GMSCL, ગાંધીનગર દીપ ફાર્મા પર 8મી સુધી પ્રતિબંધના ઠરાવ પર સ્ટે
ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ.ની મિટિંગમાં આર્યન, ફોલિક એસિડની દવા સપ્લાયનો કોન્ટ્રાક્ટ ધરાવતી દીપ ફાર્મા પર પ્રતિબંધ લાદતો ઠરાવ કર્યો હતો. જોકે 8 એપ્રિલ સુધી ઠરાવના પાલન પર સ્ટે આવ્યો છે.