સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભાજપના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સક્રિય કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળ, ઉમરપાડા તાલુકો અને તરસાડી નગર ભાજપના ત્રણ મંડલોના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ પટેલે પાર્ટી ગાઈડલાઈન અનુસાર માર્ગદર્શન આપ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ આઝાદી સમયના ભારતના ભાગલા અને કોંગ્રેસના 50 વર્ષના શાસન વિશે વાત કરી હતી. તેમણે ભાજપની સફળ યાત્રા અને છેલ્લા દસ વર્ષમાં થયેલા ઐતિહાસિક કામોનો ઉલ્લેખ કર્યો હતો. દર્શનાબેન જરદોશે કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ જેવી કે જનધન બેંક એકાઉન્ટ, ઉજ્વલા યોજના અને રોજગારલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક, જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી અર્જુનસિંહ રણાએ કર્યું હતું.