મિહિર ભટ્ટ
અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આગામી દિવસમાં કાર્તિક પટેલ વિરૂધ્ધ ચાર્જશીટ કરવા જઈ રહી છે. ક્રાઈમ બ્રાન્ચે સરકાર વતી નિમવામાં આવેલા CA ના રિપોર્ટ સાથેની ચાર્જશીટ તૈયાર કરી લીધી છે. જેના કેટલાક ગુપ્ત તારણો અને તપાસના મુદ્દા ‘દિવ્ય ભાસ્કર’ પાસે છે. જેમાં કાર્તિક પટેલ અને ટોળકીને પોલીસ સજા કરાવી શકે તેટલા મજબૂત પુરાવા હોવાનો દાવો ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. બીજી તરફ આ તપાસ અને CA ના રિપોર્ટમાં ખ્યાતિ ગેંગ કેવી રીતે સરકાર પાસેથી રૂપિયા પડાવતી? બોર્ડ ડિરેક્ટર કેવી રીતે તેમની પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા અને હોસ્પિટલ અને સરકારના આયુષ્યમાન વિભાગ વચ્ચેની કડીઓની કામગીરી શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલનો ડિરેક્ટર કાર્તિક પટેલની 18 જાન્યુઆરીએ ધરપકડ બાદથી તે જેલમાં છે. તેના વિરૂધ્ધ ક્રાઈમ બ્રાન્ચે કરેલી તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં એક જ આઈ.ડીના આધારે બે પેશન્ટની સારવાર કરી લેવાતી અને બિલના રૂપિયા વધુ બતાવી સરકાર પાસેથી વસૂલવામાં આવતા. એટલું જ નહીં હોસ્પિટલનો આયુષ્યમાનમાં સારવારનો ખર્ચ સરેરાશ 25 થી 30 ટકા હોવા છતાં 50-50 ટકા ખર્ચ બતાવી રૂપિયા વસૂલવામાં આવતા હતા. આ ઉપરાંત જે રૂપિયા હોસ્પિટલમાં આવતા તે પૈકી મસમોટી રકમ હોસ્પિટલના બોર્ડ ડિરેક્ટર સંજય પટોળીયાએ તેની પત્નીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતુ. જ્યારે આજે ક્રાઈમ બ્રાન્ચને મળેલા CA રિપોર્ટમાં પણ આ પુરાવા સામે આવતા તેની નોંધ પણ ચાર્જશીટમાં કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચના આધારભૂત સૂત્રોનું કહેવું છે કે, આ ચાર્જશીટ આધારે કાર્તિક પટેલ અને ગેંગને સજા પડે તેટલા મજબૂત પુરાવા છે. ખ્યાતિકાંડ… ચાર્જશીટમાં કાર્તિક પટેલ અને ગેંગ વિરુદ્ધ મહત્ત્વના મુદ્દા { બે દર્દીઓ વચ્ચે એક જ આઈ.ડીથી ઓપરેશન કરી આયુષ્યમાનનાં બિલ મોટા બનાવ્યાં
{ ‘આયુષ્યમાન’ ઈન્સ્યોરન્સ પાસ કરનારી કંપનીના તપાસ અધિકારીઓએ બે અલગ દર્દીઓ હોવા છતાં બિલ કેવી રીતે મંજૂર કર્યા? તે શંકાસ્પદ
{ હોસ્પિટલનો સરેરાશ ખર્ચ 25થી 30 ટકા છતાં 50 ટકા સુધી ખર્ચ બતાવી સરકાર પાસેથી ખોટી રીતે રૂપિયા વસૂલ્યાં
{ કાર્તિક પટેલ સિંગલ સિગ્નેચર ઓથોરીટી, તેની જાણમાં તમામ ઘટનાક્રમ હતો
{ ખ્યાતિ હોસ્પિટલે સરેરાશ દર મહિને 50 લાખથી વધુ રૂપિયા સતત ત્રણ વર્ષ સુધી સરકારમાંથી વસૂલ્યાં { બોર્ડ ડિરેક્ટર સંજય પટોળીયાએ હોસ્પિટલના રૂપિયા તેની પત્નીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા તેના પુરાવા CAના રિપોર્ટમાં પણ ક્રિટિકલ કેસ નહીં હોવા છતાં ઓપરેશન કરવાની પરવાનગી કાર્તિક પટેલની જ હતી ED કાર્તિક અને ગેંગના વ્યવહારો તપાસી રહી છે! સિનિયર અધિકારીઓનું કહેવું છે કે, અમને કેટલાક રોકડ વ્યવહારોના પુરાવા નથી મળ્યાં. પરંતુ, ED કાર્તિક પટેલ સહિતના આરોપીઓના રોકડ ઉપરાંત ઈન્વેસ્ટમેન્ટ સહિતના વ્યવહારો તપાસી રહી છે. શક્ય છે કે નિયમ વિરૂધ્ધ જ ઈન્વેસ્ટ કે સગેવગે કર્યા હશે. જેમાંવધુ કાર્યવાહી થઈ શકે છે. બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આગામી દિવસમાં કાર્તિક પટેલ વિરૂધ્ધ ચાર્જશીટ કરવા જઈ રહી છે.