જૂનાગઢના માંગનાથ રોડ પર ગઈકાલે સાંજે એક સામાન્ય પાર્કિંગ વિવાદે હિંસક ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં બંને પક્ષે ફરિયાદ નોંધાઈ છે. શક્તિ સોડા સેન્ટરના માલિક મહેશભાઈ પોપટ (51)ની ફરિયાદ મુજબ, આદિલ ફયુમભાઈ ઈબ્રાહિમે તેમની દુકાન સામે મોટરસાયકલ પાર્ક કરી હતી. મહેશભાઈએ પાર્કિંગની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપી આદિલ, તેના પિતા ફયુમભાઈ અને માતા મેમુનાબેને ઝઘડો કર્યો હતો. ફયુમભાઈએ ડોલથી મહેશભાઈની જમણી આંખ પર હુમલો કર્યો હતો. આદિલે ખાંડની ચાસણીના કાચના શીશાથી હુમલો કર્યો હતો. સામા પક્ષે, આદિલભાઈ ફયુમભાઈ (25)એ મહેશ પોપટ અને તેના ભાઈ ભવનેશ પોપટ સામે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, બંને ભાઈઓએ તેમને અને તેમના માતા-પિતાને ગાળો આપી મારપીટ કરી હતી. ભવનેશે ટેબલથી ફયુમભાઈ મેમણ પર હુમલો કર્યો હતો. એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે. પીઆઈ એ.એ. પરમાર કેસની તપાસ કરી રહ્યા છે.