back to top
Homeગુજરાતભાજપનું સંગઠન:18 વોર્ડમાં 288 હોદ્દા પર નિમણૂક કરાઈ પ્રમુખ અને મહામંત્રીમાં પાટીદાર-આહીર...

ભાજપનું સંગઠન:18 વોર્ડમાં 288 હોદ્દા પર નિમણૂક કરાઈ પ્રમુખ અને મહામંત્રીમાં પાટીદાર-આહીર સમાજનું વર્ચસ્વ

થોડા દિવસો પહેલાં રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખ, મહામંત્રી સહિતનું માળખું જાહેર કરાયું છે અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ લિસ્ટ જાહેર કર્યું ત્યારથી જ અંદરખાને ઉકળતો ચરુ ધીમે ધીમે બહાર પ્રસરી રહ્યો છે. કેટલાક હોદ્દેદારોએ તો લિસ્ટ જાહેર થયું તેની ગણતરીની કલાકોમાં જ મૌખિક અને લેખિત રાજીનામા આપી દીધા છે. ગુરુવારે તો સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ પ્રભારી અને કોર્પોરેટર વચ્ચે સંગઠનને લઈને જાહેરમાં બોલાચાલી પણ થઈ છે. ત્યારે આગામી દિવસોમાં શહેર ભાજપની મુખ્ય બોડીની રચના થવાની છે તેમાં ક્યા સમાજને કેટલું મહત્ત્વ આપવામાં આવે છે તે લિસ્ટ જોયા બાદ કેટલાક જૂના કાર્યકરો નવા જૂની કરે તો ના નહિ. રાજકોટના 18 વોર્ડના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષની નિમણૂક કરી દેવામાં આવી છે. કુલ 288 કાર્યકરને હોદ્દા આપવામાં આવ્યા છે. દિવ્ય ભાસ્કરે 18 વોર્ડના તમામ હોદ્દાઓમાંથી ક્યા સમાજને કેટલું મહત્ત્વ અપાયું છે તે અંગે એનાલિસિસ કરતાં વોર્ડના માળખામાં સૌથી વધુ પ્રાધાન્ય પાટીદાર સમાજને આપવામાં આવ્યું છે. તેઓને 288માંથી કુલ 62 પદની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે દલિત અને બ્રાહ્મણ સમાજને 26-26 હોદ્દા આપવામાં આવ્યા છે. ત્યારબાદ આહીર સમાજને 24 જ્યારે ક્ષત્રિય સમાજને 20 હોદ્દા આપવામાં આવ્યા છે. અહીંયા કોળી અને લોહાણા સમાજને સૌથી ઓછું પ્રતિનિધિત્વ અપાયું હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. કોળી સમાજને 16 જ્યારે લોહાણા, પ્રજાપતિ અને ભરવાડ સમાજને 14 હોદ્દા જ આપવામાં આવ્યા છે. વણિક સમાજને 10 પદ અપાયા છે. સંગઠનમાં વિશેષ જવાબદારી મહામંત્રીની હોય છે. બાકીના હોદ્દા માત્ર નામ પૂરતા જ હોય છે. પાટીદાર અને આહીર સમાજને બાદ કરતા અન્ય જ્ઞાતિઓને ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષની વિશેષ જવાબદારી સોંપાઈ છે. આટલી જ્ઞાતિને માત્ર કહેવા પૂરતું પ્રતિનિધિત્વ | વોર્ડના સંગઠનના કુલ 288 હોદ્દામાંથી અનુસૂચિત જનજાતિ, ધોબી, સથવારા, મુસ્લિમ, ભાનુશાળી, સગર, લુહાર, સાધુ સમાજ, મેર, ખત્રી, સોની, ઓડ, વોરા, ગઢવી, ભાટિયા અને દેવીપૂજકને માત્ર એક એક હોદ્દો ફાળવવામાં આવ્યો છે. એટલે કે માત્ર કહેવા પૂરતું પ્રતિનિધિત્વ જ અપાયું છે. વોર્ડ પ્રમુખમાં પાટીદાર અને મહામંત્રીમાં આહીર સમાજને સૌથી વધુ પદ અપાયા 18 વોર્ડ પ્રમુખ અને 36 મહામંત્રીની નિમણૂક કરવામાં આવી છે. અહીંયા જ્ઞાતિવાઈઝ આંકડા જોઈએ તો 18 વોર્ડ પ્રમુખમાં સૌથી વધુ પાટીદારોના 7 જ્યારે ભરવાડ અને કોળીના બે બે લોકોને પ્રમુખ બનાવાયા છે. જ્યારે ક્ષત્રિય, સોની, બ્રાહ્મણ, સુથાર, કડિયા અને રજપૂતને પ્રમુખનું એક એક પદ અપાયું છે. આહીર સમાજને પણ એક પદ અપાયું છે, પણ દરેક વોર્ડમાં બબ્બે મહામંત્રીની નિમણૂક કરાઈ છે તેમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ પાટીદારોને જ અપાયું છે 9 લોકોને મહામંત્રી બનાવાયા છે. ત્યારબાદ આહીર સમાજના 7 લોકોને મહામંત્રીનો હવાલો આપવામાં આવ્યો છે. જ્યારે ભરવાડ સમાજને 3, વણિકને 2, લોહાણા અને બ્રાહ્મણને બબ્બે હોદ્દાની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે કાઠી, દલિત, ક્ષત્રિય, કડિયા, મેર, રજપૂત, સગરને એક એક હોદ્દો અપાયો છે. આમ સંગઠનમાં જેની સૌથી વિશેષ જવાબદારી હોય છે અને મહત્ત્વનો હોદ્દો ગણાય છે તેવા મહામંત્રીમાં પાટીદારો બાદ આહીર સમાજને સૌથી વધુ 7 પદ આપવામાં આવ્યા છે. જ્ઞાતિની વસતીના સમીકરણમાં પણ હોદ્દાઓની વહેંચણી અપ્રમાણસર જે વિસ્તારમાં જે જ્ઞાતિની વસતી વધુ હોય ત્યાં સ્વાભાવિકપણે તેને સૌથી વધુ હોદ્દા અપાય છે. તે રીતે જોતા રાજકોટ શહેરમાં પાટીદાર સમાજની બહોળી વસતીને જોતા તેમને સૌથી વધુ હોદ્દા અપાય તે સ્વાભાવિક છે. ત્યારબાદ કોળી સમાજની વસતીનો નંબર આવે પરંતુ તેઓને 288માંથી માત્ર 16 હોદ્દા જ અપાય છે અને પ્રમુખમાં માત્ર 2 જ્યારે મહામંત્રીનો એક જ હોદ્દો અપાયો છે. ત્યારે અહીંયા સંગઠનમાં કોળી સમાજને શા માટે ઓછા હોદ્દા અપાયા તે મુદ્દે રાજકીય આગેવાનોમાં પણ ચર્ચા છે. વસતી મુજબની વાત કરીએ તો લોહાણા, બ્રાહ્મણની વસતી પણ રાજકોટમાં વધુ છે, પરંતુ તેઓને પણ મહત્ત્વના હોદ્દા ઓછા મળ્યા છે. હોદ્દાની સંખ્યામાં બ્રાહ્મણ સમાજને 26 પર નિમણૂક અપાઈ છે પણ મહત્ત્વના હોદ્દાથી દૂર રખાયા છે. જ્યારે આહીર સમાજને 36માંથી 7 મહામંત્રીના પદ સહિત કુલ 24 હોદ્દા અપાયા છે અહીંયા વસતીની દૃષ્ટિએ વધુ હોદ્દા અપાયા હોય તેવું અન્ય સમાજના હોદ્દેદારો ખૂલીને કહી રહ્યા છે. { રાજકોટ શહેર ભાજપના વોર્ડના સંગઠનમાં પાટીદારને 62, બ્રાહ્મણ દલિતને 26-26 જ્યારે આહીર સમાજને 24 હોદ્દા આપી અન્ય મોટા સમાજને કિનારે કરી દેવાયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments