રશિયાએ રાજદ્રોહના ગુનામાં 12 વર્ષની સજા ભોગવી રહેલી રશિયન-અમેરિકન નાગરિક કેસેનિયા કારિલીનાને મુક્ત કરી દીધી છે. કેસેનિયા પર યુક્રેનને મદદ કરવા માટે $50નું દાન આપવાનો આરોપ હતો. ગયા વર્ષે રશિયામાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને સજા ફટકારવામાં આવી હતી. કેસેનિયાના બદલામાં, અમેરિકાએ જર્મન-રશિયન નાગરિક અને કથિત દાણચોર આર્થર પેટ્રોવને મુક્ત કર્યો છે, જેને લશ્કરી સાધનોની દાણચોરી અને મની લોન્ડરિંગ સહિતના આરોપોમાં અમેરિકામાં જેલમાં બંધ કરવામાં આવ્યો હતો. પેટ્રોવ પર અમેરિકામાં બનેલા માઇક્રો-ઇલેક્ટ્રોનિક્સને રશિયામાં દાણચોરી કરવાનો આરોપ છે. આનો ઉપયોગ રશિયન સેના માટે શસ્ત્રો બનાવવા માટે થતો હતો. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કેસેનિયાની મુક્તિની પુષ્ટિ કરી હતી અને તેમણે કહ્યું હતું કે તે અમેરિકા જવા રવાના થઈ ગઈ છે. આ કેદીઓની અદલાબદલી ગુરુવારે અબુ ધાબીમાં થઈ હતી. સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. કેસેનિયા તેની દાદીને મળવા રશિયા આવી હતી ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયન શહેર યેકાટેરિનબર્ગમાં કેસેનિયાની ધરપકડ કરવામાં આવી હતી. તે મોસ્કોથી 1600 કિમી પૂર્વમાં સ્થિત છે. તે અહીં તેની દાદીને મળવા આવી હતી. લગ્ન પહેલા તેનું નામ કેસેનિયા કરીલીના હતું. ગયા વર્ષે તેના પર કેસ ચલાવવામાં આવ્યો અને તેને દોષિત ઠેરવવામાં આવી. યુક્રેન સ્થિત ચેરિટી સંસ્થા રઝોમને 50 ડોલર (લગભગ 4200 રૂપિયા)નું દાન આપવામાં આવ્યું હતું. આ મહિલાનું નામ કેસેનિયા ખાવાના (ઉં.વ.33) છે. તેમની પાસે અમેરિકન નાગરિકતા છે. કોર્ટમાં કેસેનિયા પર યુક્રેનિયન સંગઠનને પૈસા આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જે યુક્રેનિયન સેનાને શસ્ત્રો અને દારૂગોળો ખરીદવામાં મદદ કરે છે. જ્યારે ફોન જપ્ત કરવામાં આવ્યો, ત્યારે તેણી પકડાઈ ગઈ કેસેનિયાના વકીલના જણાવ્યા અનુસાર, તેણીએ પૈસા ટ્રાન્સફર કરવાની પોતાની ભૂલ સ્વીકારી હતી, પરંતુ તેણીને ખબર નહોતી કે આ સંગઠન યુક્રેનિયન સેનાને પૈસા મોકલે છે જેનો ઉપયોગ રશિયા સામે થાય છે. તેમને કહેવામાં આવ્યું હતું કે આ ભંડોળનો ઉપયોગ રશિયા-યુક્રેન યુદ્ધના પીડિતોને મદદ કરવા માટે કરવામાં આવશે. કેસેનિયા ભૂતપૂર્વ બેલે ડાન્સર છે. તેણીએ એક અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા અને 2021માં યુએસ ગયા પછી યુએસનું નાગરિકત્વ લીધું. કેસેનિયા જાન્યુઆરી 2024માં રશિયા આવી હતી. અમેરિકાથી આવવા બદલ પોલીસે તેનો ફોન જપ્ત કર્યો હતો. પોલીસને ફોનમાં ફંડિંગના પુરાવા મળ્યા. તે અમેરિકા પરત ફરવાની હતી પણ તે પહેલાં જ તેની ધરપકડ કરવામાં આવી. તેમના પર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો અને તેમને 12 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.