ગુજરાતમાં મળેલા કોંગ્રેસ મહાઅધિવેશન બાદ પાર્ટીએ રાજ્યની 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને વિશેષ ઠરાવ પસાર કર્યો છે. આ દરમિયાન ચૂંટણી પહેલાં ગુજરાતના સંગઠનમાં પાર્ટી ખૂબ મોટા સુધારા કરવા જઇ રહી છે. રાહુલ ગાંધીએ જેમને લગ્નોમાં નાચતાં ઘોડાં સાથે સરખાવ્યા હતા તેમને પાર્ટી કાઢી મૂકવાને બદલે સાઇડલાઇન કરી તબેલામાં પૂરી રાખશે, જ્યારે રેસના ઘોડાંને ચૂંટણીની સ્પર્ધામાં દોડાવવા તૈયાર કરાશે. હાલ પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભામાં પક્ષના નેતા અમિત ચાવડાને યથાવત્ રખાશે, પરંતુ બાકીના માળખામાં મોટો ફેરફાર જોવા મળશે. કોંગ્રેસની વર્કિંગ કમિટીમાંથી પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરને ખસેડીને તેમને સ્થાને બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરને સમાવિષ્ટ કરાશે. જ્યારે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને વર્કિંગ કમિટી અથવા રાષ્ટ્રીય સંગઠનમાં મોટી જવાબદારી મળશે. જગદીશ ઠાકોર ઉપરાંત પાર્ટી ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર અને તુષાર ચૌધરીને સાઇડલાઇન કરશે જેથી વર્ષોથી પાર્ટીમાં રહેલા આ નેતાઓનું વજૂદ હવે ખતરામાં આવશે. પાર્ટી ગુજરાતમાં નવી યુવાન કેડરને આગળ કરશે, કિરીટ પટેલ વિધાનસભામાં ઉપનેતા બનશે
સંગઠન માળખામાં વર્ષોથી તે જ જૂના ચહેરાંઓને સ્થાને હવે નવયુવાન ચહેરાં આગળ કરાશે. તે પૈકી શૈલેષ પરમારને સ્થાને પાટણના ધારાસભ્ય અને વિધાનસભામાં પાર્ટીના દંડક ડો. કિરીટ પટેલને ઉપનેતા બનાવાશે. ગેનીબેન અને મેવાણી સિવાય નવા ચહેરાંઓમાં વર્તમાન ધારાસભ્યો અનંત પટેલ અને વિમલ ચુડાસમા તથા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી જેવા નેતાઓનો સમાવેશ. બીજી હરોળના સિનિયર નેતાઓને કમાન સોંપાશે
હાલ કોંગ્રેસ પાર્ટીમાં બીજી હરોળના નેતા ગણાતા કોળી સમાજના લીડર પૂંજા વંશ, પાટીદાર સમાજના વીરજી ઠુંમર અને પરેશ ધાનાણીને પ્રદેશ સંગઠનમાં મહત્ત્વના હોદ્દા મળશે. આ નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સાથે રહીને પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા અને નવા સદસ્યો જોડવા માટે મદદ કરશે. ટૂંક સમયમાં પાર્ટીનું નવું માળખું પણ જાહેર થશે. ખડગેએ ગોહિલને પ્રમોટ કરતા ઘણાં નારાજ થયા
{ અધિવેશનમાં મંચ પરથી બોલતા કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને કહ્યું હતું કે, આપ અપની શક્તિ દિખાઓ, સોનિયા ગાંધી ઔર રાહુલ ગાંધી આપ કે સાથ હૈ. આ શબ્દો સાંભળીને હાઇકમાન્ડ પાર્ટીનું ભવિષ્ય જુએ છે એવા યુવાન નેતાઓને નિરાશા થઈ હતી. તેમના મતે પ્રમુખ બદલવા જરૂરી છે. પ્રિયંકા ગાંધી, મધુસૂદન મિસ્ત્રી, શશિકાંત સૈંથિલને ગુજરાતની જવાબદારી, ટીમ રાહુલ તરીકે કામ કરશે
{ ગુજરાતમાં મોટાભાગની પોલિટિકલ અફેર્સની બાબતો સ્થાનિક સંગઠનને માથે જવાબદારી તરીકે રહેશે. પરંતુ મોવડીમંડળની સાથે સીધી રીતે જોડાયેલા પ્રિયંકા ગાંધી, પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી તથા તામિલનાડુના સાંસદ અને પૂર્વ આઇએએસ શશિકાંત સૈંથિલ ગુજરાતની ધૂરા સંભાળશે. તેઓ અહીં ટીમ રાહુલ ગાંધી તરીકે કામ કરશે.