ગીર સોમનાથ એલસીબીએ સંઘ પ્રદેશ દિવથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે બાતમીના આધારે ઉના એચડી શાહ સ્કૂલ નજીક એક બોલેરો પિક-અપ વાન (GJ 32 T 7077)ને રોકી તપાસ કરી હતી. વાહનની તપાસ દરમિયાન પોલીસને પ્લાસ્ટિકના કેરેટમાં શાકભાજી નીચે છુપાવેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ઉનાના કોળીવાડા વિસ્તારમાં રહેતા અરવિંદ ઉર્ફે બકાલીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વાહન અને 26 બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂ. 3.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમ 65(એ)(એ), 98(2), 99 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથને જોડતા સંઘ પ્રદેશ દિવમાંથી બુટલેગરો અવનવા કિમિયા અપનાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે. જોકે, પોલીસ દ્વારા સતત નિગરાની રાખી આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે.