back to top
Homeદુનિયા'સિનેમા પેરાદીસો':દોસ્તીના તાણાવાણામાં ગૂંથાયેલી સર્વકાલીન ક્લાસિક ફિલ્મ

‘સિનેમા પેરાદીસો’:દોસ્તીના તાણાવાણામાં ગૂંથાયેલી સર્વકાલીન ક્લાસિક ફિલ્મ

જિંદગીમાં પ્રથમ જે મૂવી જોયેલું અને જે જોયાની આજે પણ આછી પાતળી યાદ આવે છે એ મૂવી હતું દિલીપકુમાર અને મીનાકુમારીનું ‘યહૂદી’. આ મૂવી IPCL કોલોનીના ઓપન એર થિએટરમાં બેસીને જોયેલું. IPCL કોલોની એ જિંદગીના ઘડતરમાં બહુ મોટો ફાળો આપ્યો છે અને સ્વિમિંગ,સ્કેટિંગ, ડાન્સિંગ જેવા શોખ રોપવામાં નિમિત્ત બની છે પણ એ જગ્યાએ જો કોઇ સૌથી અગત્યનો શોખ ઉછેરવામાં મદદ કરી હોય તો તે છે સિનેમા જોવાનો શોખ. બાળપણથી જ મમ્મી-પપ્પાએ અલગ અલગ પ્રકારના સિનેમા જોવાનું પ્રોત્સાહન આપ્યું. પ્રોત્સાહન આપ્યું એટલું જ નહીં પણ અલગ અલગ ફિલ્મો જોવા લઇ પણ જાય માટે જ પ્યાસા, કાગઝ કે ફૂલ, આવારા, જાગતે રહો, શ્રી 420, ગાઇડ, ગંગા જમુના, મુગલ-એ-આઝમથી લઇને દીવાર, ત્રિશુલ, આનંદ, કુરબાની, ઘર, ઉમરાવ જાન અને દરેક લેટેસ્ટ મૂવીઝ જોવાનું સાંપડ્યું. આથી જ સિનેમા જાણે જીવંત રહેવા માટેનો બીજો ધર્મ બની ગયો. સિનેમા ફક્ત એન્ટરટેઇન્મેન્ટ લેવાની આદત નથી, એ જીવન જીવવાની શૈલી બની ગઇ છે. પછી ઇન્ડિયામાં આવ્યું HBO. રાત્રે બધા સૂઇ જાય પછી તે ચેનલમાં આવતા અંગ્રેજી સિનેમાની એક્સેન્ટ સમજ પડે કે ના પડે જોવાનું શરૂ કર્યું. થોડાં વર્ષો પછી અમેરિકા આવ્યા બાદ તો વર્લ્ડ સિનેમાનું એક આખું વિશ્વ નજર સામે ખુલી ગયું. ઘણી બધી અંગ્રેજી, યુરોપિયન, કોરિયન, જાપાનીઝ મૂવીઝ જોવાની શરુ કરી. એવામાં ખૂબ ગમી ગયેલી એક ફિલ્મની આજે વાત કરવી છે. ‘સિનેમા પેરાદીસો’ ઇટાલિયન ફિલ્મ છે
એ ઇટાલિયન ફિલ્મ છે ‘સિનેમા પેરાદીસો’. બીજા વિશ્વયુદ્ધ પછીના થોડા વરસો પછી ઇટાલીના એક ગામમાં વસતા સાલવાતોર (હુલામણું નામ ‘તોતો’) નામના ટેણીયા અને ગામમાં ‘સિનેમા પેરાદીસો’ નામના મૂવી થિએટરમાં પ્રોજેક્ટર ચલાવવાની જવાબદારી જેને માથે છે એ ‘અલ્ફ્રેડો’ વચ્ચેની અતૂટ અને અનોખી દોસ્તીની કહાની એટલે આ ફિલ્મ. પિતા વગરના તોતો આખો દિવસ ચર્ચમાં માતાને સહાયરૂપ થવા નાના મોટા કામો કરે અને સાંજ પડે આ થિએટરમાં જાય. ફિલ્મો માટેનો આજીવન પ્રેમ અને આકર્ષણ તો અહીંથી શરુ થયું જ પણ એને ખૂબ રસ પડ્યો પ્રોજેક્ટરમાં અને એ કેવી રીતે ચાલે છે. ધીરે ધીરે અલ્ફ્રેડો એને પ્રોજેક્ટર કેવી રીતે ચલાવવું એ શીખવે છે. અલ્ફ્રેડોએ તોતોને ગામ છોડવા સમજાવ્યો
ભવિષ્યમાં એક અકસ્માતના કારણે અલ્ફ્રેડો નિવૃત થાય છે ત્યારે તોતો પ્રોજેક્ટર ચલાવવાનું કામ કરે છે. એ કામની સાથે એ જુવાન થાય છે અને જે ન મળી શકે એવી છોકરીના પ્રેમમાં ઊંધેકાંધ પડે છે. એનામાં શક્યતા જોનારા અલ્ફ્રેડો ત્યારે એને સમજાવે છે કે આ નાના ગામમાં એના સપના સાકાર નહીં થાય. એણે ગામ છોડવું જ રહ્યું. ગામ છોડ્યા પછી બહુ સંઘર્ષ બાદ તે ઇટાલીનો મોટો ફિલ્મકાર બને છે. એને એક દિવસ એની માતા અલ્ફ્રેડોના મૃત્યુના સમાચાર આપે છે અને એ વર્ષો પછી ગામમાં પાછો ફરે છે. તોતો અને અલ્ફ્રેડોની દોસ્તીનું તર્પણ કરવા…..એ વ્યક્તિના ફ્યૂનરલમાં હાજર રહી દોસ્તીનું ઋણ અદા કરવા જેને કારણે એ ઇટાલીનો મહાન ફિલ્મકાર બની શક્યો હતો અને એ વખતે અલ્ફ્રેડોની પત્ની એને અલ્ફ્રેડોએ એને માટે રાખી મુકેલી એક ગિફ્ટ આપે છે. એ ગિફ્ટના રહસ્ય વિષે નહીં કહું કારણ કે તમને આ ફિલ્મ જોવી ગમશે જ. પણ આ ફિલ્મ ખૂબ ખૂબ ગમવાના કારણોમાં મારો ફિલ્મ માટેનો પ્રેમ, અહીં ફિલ્મનું બેકગ્રાઉન્ડ તો ખરા જ પણ એ ઉપરાંત જે નાજુકાઇ અને સંવેદનાથી તોતો અને અલ્ફ્રેડો વચ્ચે ઉંમરનો તફાવત હોવા છતાં એક મજબૂત દોસ્તી રચાય છે અને જે સુંદરતાથી ડિરેક્ટરે એ ઝીલી છે એ પણ છે. બીજા વિશ્વયુદ્ધ પછીનો એક આખો યુગ તેમાં ઝીલાયો
ઉપરાંત બીજા વિશ્વયુદ્ધ પછીના સમય પછીનો એક આખો યુગ એમાં ઝીલાય છે. એક પછી એક સમયના પડ ખૂલતાં જાય છે અને તમે તેમાં તણાતા જાઓ છો અને એક્ટિંગની રીતે પણ તોતો બનતો Marco Leonardi અને અલ્ફ્રેડો બનતો Philippe Noiret પાત્રને જીવંત બનાવે છે. આ ફિલ્મના દિગ્દર્શક છે જીસપ્પે ટૉરન્ટર જેમણે મોનીકા બલુશીની ‘મલેના’ નામની બીજી સુંદર ફિલ્મ પણ આપી છે. ફિલ્મનું સંગીત પણ ખૂબ સુમધુર છે. ફિલ્મે અનેક એવોર્ડસ જીત્યા
ઇટાલીના ફિલ્મ ઉદ્યોગને પુનર્જીવિત કરવા માટે શ્રેય આપવામાં આવતી સિનેમા પેરાડિસોને સર્વકાલીન મહાન ફિલ્મોમાંની એક અને વિશ્વ સિનેમા ક્લાસિક તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મના અંતને ફિલ્મ ઇતિહાસમાં સૌથી મહાન અંતમાં ગણવામાં આવે છે. આ ફિલ્મ વ્યાપારી રીતે પણ સફળ રહી હતી અને તેણે શ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મ માટે એકેડેમી એવોર્ડ અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ગ્રાન્ડ પ્રિકસ સહિત અનેક પુરસ્કારો જીત્યા હતા. સિનેમા પેરાડિસો 11 બાફ્ટા એવોર્ડ્સ માટે પણ નામાંકિત થઇ હતી અને અનેક એવોર્ડસ જીતી હતી. જેમાં ફિલિપ નોઇરેટ માટે શ્રેષ્ઠ અભિનેતા, સાલ્વાટોર કેસિઓ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેષ્ઠ મૂળ પટકથા અને શ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મનો સમાવેશ થાય છે. જે 2023 માં ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ દ્વારા તોડવામાં ન આવે ત્યાં સુધી વિદેશી ભાષા ફીચર માટેનો રેકોર્ડ છે. ફિલ્મના રસિયાઓએ દોસ્તીની એક નાના ગામમાંથી નીકળેલા કિશોરની મોટા ફિલ્મ સર્જક થવાની યાત્રાની અને એક આખો યુગ ઉજાગર કરતી આ ફિલ્મ જોવી જ રહી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments