રાજસ્થાનના બારાનના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હોટ એર બલૂન શો દરમિયાન બાંધેલાં દોરડાથી કર્મચારી લટકીને હવામાં જતો રહ્યો. આ દરમિયાન બલૂન સાથે બાંધેલું દોરડું તૂટી ગયું અને કર્મચારી લગભગ 80 ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગયો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. સ્થાપના દિવસને લઇને કાર્યક્રમ થઈ રહ્યો હતો
બારાન જિલ્લાનો આજે સ્થાપના દિવસ છે. સ્થાપના દિવસને લઇને ત્રણ દિવસના મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે જિલ્લાની સ્કૂલના નાના બાળકોને હોટ એર બલૂનમાં બેસાડવાના હતા. સવારે હોટ એર બલૂનનું ઉદ્ઘાટન સ્થાનિક ધારાસભ્ય રાધેશ્યામ બેરવાએ કર્યું હતું. તેઓ તેમના થોડાં સાથીઓ સાથે હોટ એર બલૂનમાં બેઠા પણ હતા. 80 ફૂટની ઊંચાઈએથી પડ્યો
ત્યાર બાદ જ્યારે ફરી આ હોટ એર બલૂન થોડાં લોકો સાથે ઉડવા માટે તૈયાર થયું. આ દરમિયાન હોટ એર બલૂન સંચાલકનો કર્મચારી વાસુદેવ ખત્રી(40)એક દોરડાને પકડીને હવામાં ઉડવા લાગ્યો. બલૂન ઝડપી હવામાં ગયું જેથી દોરડા ઉપર દબાણ વધ્યું અને દોરડું તૂટી ગયું. દોરડું તૂટવાની સાથે જ હવામાં લટકેલો કર્મચારી લગભગ 80 ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગયો. જેથી તે ગંભીર રીતે ઘાયલ થયો. હોસ્પિટલે મૃત જાહેર કર્યો
કર્મચારીને તાત્કાલિક શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો. આ પછી પોલીસે કોટાના રહેવાસી વાસુદેવ ખત્રીના મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખ્યો. આ યુવક બલૂન ઓપરેટર માટે સહાયક અને ટેકનિકલ સ્ટાફ તરીકે કામ કરતો હતો. જિલ્લા વહીવટીતંત્રે કાર્યક્રમો રદ કર્યા
આ સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસમાં બલૂન ઓપરેટર અને તેના કર્મચારીઓની ભૂલ સામે આવી રહી છે. આ ઘટના પછી બારાન સ્થાપના દિવસનો રંગારંગ કાર્યક્રમમાં પણ ભંગ પડ્યો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે આયોજિત થનારા કાર્યક્રમોમાં ફેન્સી ડ્રેસ સહિતના કેટલાક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે આ મામલે તપાસના આદેશો જાહેર કર્યા છે. આ ઘટના અંગે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર મૃતકોના પરિવારના સભ્યોને પણ મળશે.