સુપ્રીમ કોર્ટના CJI અને જસ્ટિસોએ કરેલી 4 મહત્ત્વની વાત 4 ચેપ્ટરમાં સમજીએ… 1. તામિલનાડુના એક કેસમાં સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને કહી દીધું કે તમારી સત્તા મર્યાદિત છે.
2. દેશભરની પોલીસને એવો આદેશ આપ્યો છે કે આડેધડ ધરપકડ કરશો તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ગણાશે.
3. એક કેસમાં CJI સંજીવ ખન્નાએ યુપી સરકાર અને યુપી પોલીસને એવા ખખડાવ્યા કે કોર્ટરૂમમાં સન્નાટો થઈ ગયો.
4. એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા સુપ્રીમના જસ્ટિસે EDની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે. નમસ્કાર, સુપ્રીમ કોર્ટે છેલ્લા એક જ અઠવાડિયામાં આકરું વલણ અપનાવ્યું છે અને દેશની પોલીસ સિસ્ટમથી લઈ ગવર્નરોની સત્તાને પણ મર્યાદા બતાવી દીધી છે. ક્યા ચાર કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું, શું આદેશ આપ્યા, એ વિસ્તારથી સમજીએ…. ચેપ્ટર-1 : રાજ્યપાલોને સત્તાની મર્યાદા સમજાવી દીધી
તામિલનાડુમાં એમ.કે. સ્ટાલિન સરકારે વિધાનસભામાં 10 બિલ પાસ કર્યા. આ બિલ આખરી મહોર માટે રાજ્યપાલ આર.એન. રવિ પાસે પહોંચ્યાં. રાજ્યપાલે આ બિલ અટકાવી રાખ્યાં. તેની સામે સ્ટાલિન સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. આની સુનાવણી થઈ. 8 એપ્રિલે સુપ્રીમ કોર્ટે આપેલા એક ઐતિહાસિક નિર્ણયમાં રાજ્યપાલોની સત્તાની ‘મર્યાદા’ નક્કી કરી દીધી. કોર્ટે કહ્યું હતું કે આ એક મનસ્વી પગલું છે અને કાયદાના દૃષ્ટિકોણથી યોગ્ય નથી. રાજ્યપાલે વિધાનસભાને મદદ કરવાની હોય છે અને સલાહ આપવાની હોય છે. રાજ્યપાલ મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક જેવા હોવા જોઈએ. તમે બંધારણના શપથ લો છો. કોઈ રાજકીય પાર્ટી તમારું સંચાલન કરે એવું ન હોવું જોઈએ. તમારે અવરોધક નહીં, પણ ઉત્પ્રેરક બનવું જોઈએ. રાજ્યપાલે તો ખાતરી કરવી જોઈએ કે રાજ્યના વિકાસમાં કોઈ અવરોધ નહીં સર્જાય. બિલ રોકી રાખવાની રાજ્યપાલની કાર્યવાહી અમાન્ય છે. રાજ્યપાલ રવિએ સારી નિષ્ઠાથી કામ કર્યું નથી. જે દિવસે વિધાનસભાએ બિલો પસાર કર્યા અને રાજ્યપાલને પાછા મોકલ્યા એ જ દિવસથી આ બિલો મંજૂર થયાં ગણાશે. તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ IPS ઓફિસર હતા. તેઓ 2021થી રાજ્યપાલ છે. આ પહેલાં તેઓ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)માં કામ કરી ચૂક્યા છે. સુપ્રીમે આ આદેશ આપતાં તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન બોલ્યા કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય એટલે ઐતિહાસિક છે, કારણ કે આ માત્ર તામિલનાડુની નહીં, દેશના દરેક રાજ્યની સરકારોની જીત છે. ચેપ્ટર-2 : દેશની ખાખી ‘સાનમાં’ સમજી જાય…
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અમાનુલ્લાહે એક ચુકાદામાં દેશભરની પોલીસ માટે એવો આદેશ કર્યો કે પોલીસે આ આદેશ માનવો જ પડશે. જો નહીં માને તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ગણાશે. વાત એમ છે કે 1997માં એક કેસ સંદર્ભે એ વખતના જસ્ટિસ અર્ણેશ કુમારે આરોપીઓની ધરપકડ માટેની ગાઈડલાઈન બહાર પાડી હતી. એ વખતે ગાઈડલાઈનનું પાલન થયું, પણ પછીથી બધું ભુલાઈ ગયું ને પોલીસ મન ફાવે એમ વર્તવા લાગી. સુપ્રીમ કોર્ટમાં ધરપકડનો કોઈ કેસ ચાલતો હતો એમાં વર્તમાન જસ્ટિસ અમાનુલ્લાહે 1997ની ગાઈડલાઈનની યાદ તાજી કરાવીને કહ્યું હતું કે જ્યારે પોલીસ ધરપકડ કરવા જાય ત્યારે આરોપીની ઓળખ ક્લિયર હોવી જોઈએ. સાંજ પછી કોઈ મહિલાને પોલીસ સ્ટેશનમાં નહીં બોલાવાય કે તેના ઘરે પણ નહીં જવાનું. જાય તો કારણ આપવું પડે… સુપ્રીમ કોર્ટે આ ગાઈડલાઈન આપી છે છતાં કોઈપણ પોલીસ એનું પાલન નથી કરતી. પોલીસ તેના ધરપકડ કરવાના પાવરનો આડેધડ ઉપયોગ કરે છે. આ દેશમાં એક અપરાધીને એટલો જ અધિકાર છે જેટલો નિર્દોષ નાગરિકને છે. પોલીસે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી જ પડશે. જસ્ટિસ અમાનુલ્લાહે દેશનાં તમામ રાજ્યોના DGPને એવો સ્પષ્ટ આદેશ આપ્યો છે કે આ ગાઈડલાઈનને ફોલો કરાવવી જ પડશે. જો કોઈપણ જિલ્લાની પોલીસ આ ગાઈડલાઈન ફોલો નહીં કરે તો DGP સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થશે. સુપ્રીમ કોર્ટે દેશભરની પોલીસને ચેતવણી આપી દીધી છે કે ધરપકડ કરો, પણ કાયદામાં રહીને. તમામ રાજ્ય સરકારો, ડીજીપી, પોલીસ કમિશનરોને આદેશ આપવામાં આવ્યો છે કે ગમે તેવો હાર્ડકોર ક્રિમિનલ કેમ ન હોય, તેની ધરપકડ કાયદાની સીમારેખામાં રહીને જ થવી જોઈએ. સુપ્રીમની ગાઇડલાઇનના મહત્ત્વના પોઇન્ટ ચેપ્ટર – 3 : યુપી સરકાર અને યુપી પોલીસની ઝાટકણી કાઢી નાખી
7 એપ્રિલે CJI સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચ એક અરજી પર સુનાવણી કરી રહી હતી. એ અરજીમાં એક FIRને રદ કરવાની માગણી કરવામાં આવી હતી. FIR એવી હતી કે એક વ્યક્તિએ પોતાની પાસેથી પૈસા લીધા હતા, પણ પાછા આપ્યા નથી. પોતાના પૈસા પાછા આપવાની ના પાડી દીધી છે, જેના આધારે વિશ્વાસઘાત, ધમકી આપવી અને ષડ્યંત્ર રચવું જેવી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી, જેની સામે ફરિયાદ દાખલ થઈ તે વ્યક્તિએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. કોર્ટે ઓબ્ઝર્વેશન કર્યું કે આ ક્રિમિનલ કેસ નથી. સિવિલ કેસ છે, એટલે કે પૈસાની લેતી-દેતીનો મામલો છે. કોર્ટે નોંધ્યું કે આ કેસને પરાણે ક્રિમિનલ કેસમાં બદલી નાખવામાં આવ્યો છે. આ પછી CJIએ યુપી પોલીસને ફટકાર લગાવીને કહ્યું હતું કે આ બરાબર નથી. યુપીમાં આ બધું શું થઈ રહ્યું છે? રોજ સિવિલ કેસને ક્રિમિનલ કેસમાં બદલી નાખવામાં આવે છે. આ બરોબર નથી. આ કાયદાના શાસનને તોડવા જેવું કામ છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ કડક રીતે આ શબ્દો કહ્યા તો કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો. કોર્ટે એમ પણ કહ્યું કે અમે આ મામલે તપાસ અધિકારી સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરૂ કરાવીશું, કારણ કે તેણે અગાઉના નિર્દેશોનું પાલન નથી કર્યું. CJI સંજીવ ખન્નાએ કહ્યું હતું કે હું તપાસ અધિકારીને કઠેડામાં બોલાવીશ અને પૂછીશ કે ચાલો, મને કહો… આ કેસ કેવી રીતે ક્રાઈમ કહેવાય. માત્ર પૈસા પાછા ન આપવા એ ક્રાઈમ નથી. હવે તેને અહીં ઊભા રાખીને પૂછીશું એટલે તેને સબક મળે કે ચાર્જશીટ આવી રીતે ન ભરાય. આના બચાવમાં યુપી સરકારના વકીલે કહ્યું હતું કે અરજી કરનારે હાઈકોર્ટમાં FIR રદ કરવાની માગણી નહોતી કરી. CJI ખન્નાએ આ વાતને ગણકારી નહીં, પણ એવું કહ્યું કે આ ગજબ છે… યુપીમાં રોજ આવું થઈ રહ્યું છે. વકીલ ભૂલી ગયા છે કે સિવિલ કોર્ટ જેવું પણ કાંઈક હોય છે. હું DGPને કહેવાનો છું કે તેઓ આમાં ઈનિશિએટિવ લે. આ બહુ ખોટું થઈ રહ્યું છે. આ પછી યુપી સરકારના વકીલે પાસ ઓવર માગ્યું. એટલે કેસની નવી તારીખ માગી. આનાથી નારાજ થયેલા CJI સંજીન ખન્નાએ કહ્યું હતું કે હવે અમે DGP પાસેથી એફિડેવિટ લઈશું અને જો તેઓ પાલન નહીં કરે તો કોઈ બીજા પર નહીં, પણ પોલીસ પર જ કોસ્ટ લગાવીશું. DGP અને તપાસ અધિકારીએ એફિડેવિટ ફાઈલ કરવી જ પડશે. આ એફિડેવિટ બે સપ્તાહમાં દાખલ કરી દેવામાં આવે. ત્યાં સુધી ટ્રાયલ કોર્ટની કાર્યવાહી રોકવામાં આવે છે. યુપી સરકારના વકીલે ફરી કહ્યું હતું કે માત્ર DGP પાસે જ જવાબ માગવામાં આવે. તપાસ અધિકારીને આમાં ન ઢસડો… એના જવાબમાં CJI બોલ્યા, આ કાયદાના શાસને તોડવા બરાબર છે. આ રીતે સિવિલ મેટરને ક્રિમિનલ મેટરમાં બદલી નાખવી એ બિલકુલ સ્વીકાર્ય નથી. જો હજી પણ આનું પાલન નહીં થાય તો કોસ્ટ લગાવવામાં આવશે. આ પછી હવેની સુનાવણી મે મહિના સુધી ટાળી દેવામાં આવી છે. ચેપ્ટર- 4 : સુપ્રીમના જસ્ટિસે EDની કાર્યવાહી સામે શંકા વ્યક્ત કરી
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાં એડવોકેટ અખિલેશ દુબેના પુસ્તક ‘થ્રી ટાઈસ ઓન PMLA લો એન્ડ પ્રેક્ટિસ’ના લોન્ચિંગ પ્રસંગે હાજર હતા. તેમણે ત્યાં ઉદ્બોધન કર્યું અને કેટલીક એવી વાતો કરી, જેની ચર્ચા થવા લાગી છે. જસ્ટિસ ભુઈયાંએ એવું કહ્યું કે PMLA મની લોન્ડરિંગ સામે લડવાનું હથિયાર છે. આવા કેસમાં જ્યારે કોઈને જામીન આપવામાં આવે છે તો લોકોમાં એવી ખોટી ધારણા પેદા થાય છે કે આરોપીને કોર્ટે છોડી દીધો છે. હકીકતમાં એવું હોતું નથી. જ્યારે દોષી ઠેરવવાનો (કન્વિક્શન) રેટ આટલો ઓછો છે તો શું કોઈ વ્યક્તિને કેસ વગર લાંબો સમય જેલમાં ન રાખી શકાય. 2014થી 2024 સુધીમાં EDએ PMLA હેઠળ 5 હજારથી વધારે કેસ દાખલ કર્યા. એમાંથી માત્ર 40 કેસમાં જ આરોપો સાબિત થઈ શક્યા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભુઈયાંનું કહેવું છે કે જ્યાં સુધી PMLA એટલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના કન્વિક્શન રેટમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લોકો EDની ધરપકડને લઈને સંશયમાં રહેશે. તેમણે એવી પણ ટકોર કરી કે કેસમાં સાક્ષીઓ અને પુરાવા મોડેથી રજૂ કરવામાં આવે છે. જ્યાં સુધી PMLAનો સવાલ છે તો એમાં બધાં પાસાં સાચાં સાબિત ન થઈ જાય ત્યાં સુધી EDની ધરપકડ અંગે સવાલો ઊઠતા રહેશે. PMLA એક્ટની વાત નીકળી છે તો એ પણ જાણી લો કે છેલ્લા કેટલાક દિવસોમાં PMLA હેઠળ ઘણા આરોપીઓને જામીન મળી ચૂક્યા છે. એમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની દીકરી કે. કવિતા પણ સામેલ છે. છેલ્લે,
સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ બી.એન. અગ્રવાલ થોડાં વર્ષો પહેલાં એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘સો દોષિતો ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ..’ આ સિદ્ધાંત હવે દુનિયભરમાં બદલાઈ રહ્યો છે. અદાલતોને એ સ્વીકારવાની ફરજ પડી છે કે ‘સમાજ ખોટી સજાઓથી પીડાય છે અને ખોટી મુક્તિથી પણ એ એટલો જ પીડાય છે’. સોમવારથી શુક્રવારે રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચઃ યશપાલ બક્ષી)