back to top
Homeગુજરાતઅમરનાથા યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ:હૃદયની વધુ તકલીફ હશે તો નહીં...

અમરનાથા યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ:હૃદયની વધુ તકલીફ હશે તો નહીં મળે, તમારા શહેરમાં ક્યાં થશે પ્રોસેસ, જુઓ હોસ્પિટલનું લિસ્ટ

પવિત્ર અમરનાથ યાત્રા આ વર્ષે 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી 39 દિવસ સુધી ચાલશે. આ યાત્રામાં જવા માટે ફિટનેસ સર્ટિફિકેટને ફરજિયાત કરાયું છે. ત્યારે આ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું આજથી એટલે કે 11મી એપ્રિલથી શરૂ થઈ ગયું છે. જે આગામી 2 મહિના સુધી ચાલશે. ત્યારે સુરત, વડોદરા અને અમદાવાદમાં સરકારી હોસ્પિટલોમાં ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની સમગ્ર પ્રોસેસ વિશે જાણીએ… યાત્રાળુઓના CBC, એક્સ-રે અને ECG કરાય છે
યાત્રાએ જનાર વ્યક્તિ માટે હેલ્થ સર્ટિફિકેટ ફરજિયાત છે. જેમાં બ્લડ રિપોર્ટ,
યુરિન રિપોર્ટ, CBC, એક્સ-રે અને ECG કરાય છે, તથા જો ECG ખરાબ આવે તો 2D ઈકો કરવામાં આવે છે. નવી સિવિલ કેમ્પસમાં જુના એમ.આઇ.સી.યુમાં કામગીરી
સુરતમાં નવી સિવિલ અને પાલિકા સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. નવી સિવિલ કેમ્પસમાં જુના એમ.આઇ.સી.યુમાં આ કામગીરી ચાલી રહી છે. ફિટનેસ અંગેની કામગીરી એક છત નીચે તમામ પ્રકારની સુવિધા સાથે થઈ રહી છે. અમરનાથ યાત્રાળુઓને તકલીફ ના પડે તે માટે ત્યાં કેસ પેપર બારી, લેબોટરી, ઈ. સી. જી મશીન અને ડોકટર સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે. સિવિલમાં સર્ટિફિકેટ વિનામૂલ્યે અપાશે
હેલ્થ સર્ટિફિકેટ કઢાવવા આવતા વ્યક્તિએ લેબોરેટરીમાં યુરીન તપાસ ફરજિયાત કરાવવાનું રહેશે. જ્યારે 45 વર્ષથી વધુ ઉમરના વ્યક્તિઓએ જરૂર પડે તો ઈ.સી.જી કરાવવું પડશે. તથા જરૂર જણાશે તો મેડિસિન વિભાગને પણ રીફર કરાશે. જોકે સિવિલમાં થતી જરૂરી તપાસ અને સર્ટિફિકેટ વિનામૂલ્યે આપવામાં આવશે. સ્મીમેરમાં એક છત નીચે તમામ પ્રક્રિયા કરવાનો પ્રયાસ
આગામી સોમવારે(14 એપ્રિલ) સવારથી સ્મીમેર ખાતે મલ્ટીલેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફલોર પર આ બધી કામગીરી એક સાથે થાય, એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી અમરનાથ યાત્રા શરૂ થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ‘સિવિલમાં ભીડ વધુ હોવાથી અવ્યવસ્થા’
ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા આવેલા હિતેષભાઇએ જણાવ્યું હતું કે, અમરનાથ જવાની મને ચાર પાંચ વર્ષથી ઈચ્છા હતી પણ સંજોગોવસાત જવાતું ન હતું. આ વર્ષે અમરનાથ યાત્રાએ જવાનું નક્કી થઈ ગયું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે આવ્યો છું. અહીં થોડીક અવ્યવસ્થા છે. સવારે છ વાગ્યાથી આવ્યો છું પણ ભીડ વધુ હોવાના કારણે થોડી અવ્યવસ્થા સર્જાય છે. ‘હું આઠમી વાર અમરનાથ યાત્રાએ જઈશ’
જીગ્નેશભાઈ ઇટાલીયાએ જણાવ્યું હતું કે હું છેલ્લા સાત વર્ષથી અમરનાથ યાત્રાએ જઈ રહ્યો છું. આજે હું મેડિકલ સર્ટિફિકેટ કઢાવીને આ વર્ષે આઠમી વાર અમરનાથ યાત્રાએ જઈશ. અમરનાથ યાત્રાએ ખૂબ જ ભક્તિમય માહોલ જોવા મળતો હોય છે. સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે આવ્યો છું. જોકે ભીડ વધુ હોવાના કારણે થોડીક તકલીફ થઈ હતી. જોકે અહીં સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આટલી મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ જાય તો થોડીક અવ્યવસ્થા સર્જાય તે સ્વાભાવિક છે. ‘અમરનાથ જવાનો હુકમ આવી ગયો’
ઈલાબેન વ્યાસે જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રાએ જવાની મારી ઈચ્છા ઘણા વર્ષોથી હતી. જોકે મારા પતિ અને સાસુ પથારીવશ હોવાથી અમરનાથ યાત્રાએ જવાનો સંજોગ બનતો ન હતો. પણ એક એ ઈચ્છા હતી કે જ્યારે પણ ભગવાન અમરનાથનો હુકમ થશે ત્યારે મારે જવાનું થશે અને આ વર્ષે જ એ હુકમ આવી ગયો છે. સિનિયર સિટીઝન માટે અલગ વ્યવસ્થા હોવી જોઇએ
મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે હું સુરત સિવિલ હોસ્પિટલ સવારે પાંચ વાગ્યાથી આવી હતી. અહીં વ્યવસ્થા સારી છે પણ સિનિયર સિટીઝનો માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ. કેમ કે ભીડ હોવાના કારણે ધક્કામૂકી થાય તેમાં સિનિયર સિટીજનને ઈજા થવાની પણ શક્યતા રહે છે. જેથી આ મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે સિનિયર સિટીઝન માટે એક અલગ વ્યવસ્થા કરવી જોઈએ. સુરત શહેરની આસપાસના વિસ્તારોમાંથી ગત વર્ષે 4100થી વધુ યાત્રાળુઓને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. વડોદરામાં 3 હોસ્પિટલમાં કામગીરી
ચાલુ વર્ષે વડોદરામાં અમરનાથની યાત્રાએ જનાર યાત્રીઓ માટે વિનામૂલ્યે ‘હેલ્થ સર્ટીફિકેટ’ આપવાની કામગીરી શહેરની ત્રણ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. જેમાં જમનાબાઇ જનરલ હોસ્પિટલ,ગોત્રી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલનો સમાવેશ થાય છે. દૈનિક 50 લાભાર્થીની મર્યાદામાં કામગીરી
શહેરના માંડવી-પાણીગેટ રોડ, વડોદરા ખાતે આવેલી જમનાબાઈ હોસ્પિટલમાં દર અઠવાડિયાના સોમવારથી શુક્રવાર (જાહેર રજા સિવાય)ના રોજ કામગીરી થશે. જેમાં દૈનિક 50 લાભાર્થીની મર્યાદિત સંખ્યામાં સાંજના 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી ફિટનેસ સર્ટિફિકેટ અપાશે. આ સાથે સયાજી હોસ્પિટલમાં પણ બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઓપીડી 18માં આ સુવિધા શરૂ થનાર છે. આ સાથે ગોત્રી હોસ્પિટલમાં પણ આ સુવિધા સવારે 9.30થી 10.30 દરિમયાન શરૂ કરવામાં આવી છે. 2 કલાકમાં રિપોર્ટ ત્યારબાદ સર્ટિફિકેટ
આ અંગે ગોત્રી હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.કતલાણાએ જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલ GMERSમાં અમરનાથ જનાર યાત્રિકો માટે મેડિકલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 વાગ્યાથી 10.30 વાગ્યા સુધીનો સમય છે. અહીંયાથી આ સમય દરમિયાન કેસ પેપર કાઢવામાં આવે છે. તેમાં બ્લડ ટેસ્ટ, સીબીસી જેવા ચેકઅપ કરવામાં આવે છે. આ સાથે 15 નંબરમાં બ્લડ સેમ્પલ આપી 5 નંબરમાં એકસ-રે કરવામાં આવે છે અને બે કલાકમાં રિપોર્ટ મળે છે. આ રિપોર્ટ આધારે ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. અમરનાથ યાત્રા વર્ષ 2025નું ફોર્મ લઈને આવવું પડશે
આ માટે શ્રદ્ધાળુઓ દ્વારા અમરનાથ યાત્રા વર્ષ 2025નું ફોર્મ લઈને આવવાનું હોય છે. આ સાથે ફોટોગ્રાફ્સ અને આધાર કાર્ડ લઈને આવવાનું હોય છે. રોજના 20થી 25 લોકોનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. જ્યાં સુધી અમરનાથ યાત્રા ચાલુ રહેશે ત્યાં સુધી આ કામગીરી શરૂ રહેશે. સયાજી હોસ્પિટલમાંથી ગત વર્ષે 1200થી વધુ સર્ટિફિકેટ ઇશ્યૂમાં થયા હતા, તથા અન્ય હોસ્પિટલના મળી ત્રણ હજારથી વધુ લોકોને હેલ્થ સર્ટિફિકેટ અપાયા હતા. અમદાવાદ સોલા સિવિલમાં 9થી 1માં કામગીરી
અમદાવાદ સોલા સિવિલ ખાતે OPD સમય સવારે 9થી 1માં અમરનાથ યાત્રા માટે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જેમાં છાતીનો એક્સ રે, બ્લડ ચેકઅપ, શ્વાસની સમસ્યાઓ, હૃદયની સમસ્યાઓ, ECG વગેરેની તપાસ કરવામાં આવે છે. હૃદયની વધુ તકલીફ હોય તો ફિટનેસ પ્રમાણપત્ર અપાતું નથી
હૃદયની તકલીફ હોય તો પેશન્ટને વધુ તપાસ માટે UN મહેતા હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. તેમણે રોગ પ્રમાણે દવાઓ રિફર કરવામાં આવે છે. શ્વાસ અને હૃદયની વધુ તકલીફ હોય તો મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર અપાતું નથી. બાકી દવાઓ આપવામાં આવે છે. સરકારી હોસ્પિટલના ચાર્જિસ પ્રમાણે જ ટેસ્ટના નોમિનલ ચાર્જીસ લેવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments