ટીવી એક્ટ્રેસ અને સુષ્મિતા સેનની એક્સ ભાભી ચારુ અસોપા ફરી એકવાર હેડલાઇન્સમાં આવી છે. ક્યારેક તે રાજીવ સેન સાથેના લગ્ન અને છૂટાછેડા માટે સમાચારમાં રહે છે, તો ક્યારેક તેની પુત્રી જિયાના માટે. આ વખતે હેડલાઇન્સમાં આવવાનું કારણ સુષ્મિતા સેનનો ભાઈ નથી, પરંતુ ટીવી એક્ટ્રેસનો એક વીડિયો છે, જેમાં તે ઓનલાઈન કપડાં વેચતી જોવા મળે છે. તેમનો આ વીડિયો એટલો વાઈરલ થયો છે કે લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. સાથે જ ચારુએ જણાવ્યું છે કે- તેને મુંબઈ છોડી દીધું છે અને બિકાનેરમાં એક નવું કામ શરૂ કર્યું છે. ‘હું મુંબઈ છોડીને બિકાનેર આવી ગઈ છું’
હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતાં ચારુએ કહ્યું- હું મારા વતન બિકાનેર શિફ્ટ થઈ ગઈ છું. હું અને જિયાના છેલ્લા એક મહિનાથી મારા માતા-પિતા સાથે રહીએ છીએ. ચારુએ કહ્યું કે- મુંબઈમાં રહેવું સરળ નહોતું. એક્ટ્રેસે કહ્યું- મુંબઈમાં મહિને 1 લાખથી 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો. વધુમાં જ્યારે હું શૂટિંગ માટે બહાર જતી, ત્યારે મને જિયાનાને આયાની પાસે છોડીને જવું નહોતું ગમતું. તે ખૂબ જ મુશ્કેલ બની જતું હતું. તેથી, મેં પ્લાનિંગ સાથે બિકાનેર જવાનું નક્કી કર્યું. આ ઉતાવળમાં લેવાયેલું પગલું નથી. ‘મેં આ કામ મારી જાતે શરૂ કર્યું છે’
ચારુએ કહ્યું કે- કેટલાક લોકો મારા આ નવા કામ અંગે પ્રશ્નો કરી રહ્યા છે, પરંતુ તે તેનાથી ચિંતિત થતી નથી. તેણે કહ્યું- જ્યારે પણ કોઈ વ્યક્તિ નવી શરૂઆત કરે છે, ત્યારે સંઘર્ષ તો થવાનો જ છે. મારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે. હું ઓર્ડર લઉં છું, પેકેજિંગ કરું છું, સ્ટોકનું સંચાલન કરું છું – બધું જ જાતે કરું છું. જ્યારે મેં અભિનય શરૂ કરી હતી ત્યારે પણ મેં ખૂબ મહેનત કરી હતી. હવે મેં આ કામ શરૂ કર્યું છે જેથી હું મારું સંપૂર્ણ ધ્યાન જિયાના પર આપી શકું, અને તેમાં કંઈ ખોટું નથી. જ્યારે ચારુને પૂછવામાં આવ્યું કે- તેના એક્સ પતિ રાજીવ સેન આ નિર્ણય પર કેવી પ્રતિક્રિયા આપે છે, ત્યારે તેણે કહ્યું, મુંબઈ છોડતા પહેલા મેં તેને એક ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો. તે જ્યારે ઇચ્છે ત્યારે જિયાનાને મળવા બિકાનેર આવી શકે છે. ચારુ આસોપાના લગ્ન 2019માં સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે થયા હતા. 2021માં પુત્રી જિયાનાનો જન્મ થયો. પરંતુ સંબંધોમાં તિરાડ પડ્યા પછી, બંનેએ 8 જૂન 2023ના રોજ છૂટાછેડા લીધા. જોકે, બંને સાથે મળીને જિયાનાનો ઉછેર કરી રહ્યા છે.